રેલવાણી, જયંત જિવતરામ [જ. 3 સપ્ટેમ્બર 1936, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને ગુજરાતી નવલકથાકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, પછી તેઓ વેસ્ટર્ન રેલવે સેવામાં જોડાયા અને સિનિયર સેક્શન ઑફિસર તરીકે નિવૃત્ત થયા. હાલ તેઓ કટાર તથા અન્ય લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. 1964થી તેમણે ‘સિંધુ ભારતી’ના સંપાદનનું કાર્ય સંભાળ્યું છે. 1995થી તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના રિસર્ચ ફેલો તરીકે કાર્યરત છે.
તેમણે સિંધી અને ગુજરાતીમાં કુલ 42 ગ્રંથો આપ્યા છે. સિંધીમાં : ‘અલિયાઓં પલકૂન ઉદાસ મેના’ (1967), ‘આગ્દી’ (1992) બંને વાર્તાસંગ્રહો છે; ‘સફેદ સફેદ ઉન્દાહી’ નવલકથા છે; ગુજરાતીમાં : ‘ટૂટા સંબંધો’ (1981) વાર્તાસંગ્રહ; ‘સફેદ અંધારાં’ (1985) નવલકથા; ‘શાહ લતીફ’ (1978) ગુજરાતીમાં અનૂદિત પ્રબંધ; ‘સિંધી ભાષા લિપિ સાહિત્યનો ઇતિહાસ’ (1987) સંશોધન; ‘સિંધુ ગુર્જરી’ (1992) નિબંધસંગ્રહ અને ‘સિંધુ, તારાં વહેતાં પાણી’ (1994) ચરિત્રગ્રંથ છે.
તેમને 1969–70, 1974ના વર્ષનો શિક્ષણ-મંત્રાલયનો ઍવૉર્ડ; 1992, 2001ના વર્ષનો ગુજરાત સિંધી સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ તથા અખિલ ભારતીય હિંદી પ્રસાર પ્રતિષ્ઠાન, પટણા દ્વારા ‘સાહિત્યમણિ’નો ખિતાબ અર્પવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા