રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ
January, 2004
રેફિનેસ્ક, કૉન્સ્ટંટાઇન સૅમ્યુએલ (જ. 22 ઑક્ટોબર 1783, ગૅલાટા, તુર્કસ્તાન; અ. 18 સપ્ટેમ્બર 1840, ફિલાડેલ્ફિયા, ઉત્તર અમેરિકા) : જાણીતા પ્રકૃતિવિદ (naturalist). તેઓ ઔપચારિક રીતે શિક્ષણ આપતા કોઈ પણ વિદ્યાલયમાં વિદ્યાર્થી તરીકે જોડાયા ન હતા. તેમણે ખાનગી રીતે જે તે વિષયના નિષ્ણાતો પાસેથી જ્ઞાન સંપાદન કર્યું હતું. પ્રકૃતિવિજ્ઞાનમાં તેઓ ઊંડો રસ ધરાવતા હતા અને વનસ્પતિવિજ્ઞાની અને મત્સ્યવિજ્ઞાની તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ અનેક ભાષાઓમાં પારંગત હતા. વળી વાચન તેમજ પ્રવાસના તેઓ સવિશેષ શોખીન હતા. તેઓ ઈ. સ. 1802થી 1805 સુધી અમેરિકાનો પ્રવાસ કરી યુરોપ પાછા આવ્યા અને સિસિલીમાં સ્થાયી થયા. ત્યાં તેઓ વ્યવસાયમાં જોડાયા. તે સાથે તેમણે માછલીઓના પ્રાકૃતિક ઇતિહાસનો તેમજ વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ નિષ્ઠાપૂર્વક જારી રાખ્યો.
રેફિનેસ્ક 1815માં અમેરિકા પાછા આવ્યા અને લૅક્સિકન વિશ્વવિદ્યાલય(કેન્ટુકી)માં પ્રાકૃતિક ઇતિહાસ, વનસ્પતિવિજ્ઞાન અને અર્વાચીન ભાષાઓના પ્રાધ્યાપક બન્યા. તેમણે તેમના પ્રવાસ દરમિયાન તેમના રસનાં ક્ષેત્રોમાંથી વિવિધ જાતના નમૂનાઓ (specimens) ભેગા કરેલા અને તે સાથે કેટલાક નામાંકિત વિજ્ઞાનીઓના સંપર્કમાં પણ આવેલા.
તેમણે પ્રાકૃતિક ઇતિહાસમાં 950 જેટલા લેખો લખ્યા છે. તેમનાં પ્રસિદ્ધ લખાણોમાં ‘A Life of Travels and Researches in North America and South Europe’ (1836) ઉલ્લેખનીય લેખાય છે. ટી. જે. ફજ પૅટ્રિક નામના લેખકે ઈ. સ. 1911માં તેમના વિશે ‘Rafinesque : A Sketch of His Life with Bibliography’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.
મ. શિ. દૂબળે