રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich)
January, 2004
રેપિન, ઇલ્યા યેફિમૉવિચ (Repin, Ilya Yefimovich) (જ. 5 ઑગસ્ટ 1844, ચુગુયેવ, રશિયા; અ. 29 સપ્ટેમ્બર 1930, કુઓક્કલા, ફિનલૅન્ડ) : પ્રસિદ્ધ રશિયન ચિત્રકાર. ઐતિહાસિક પ્રસંગોનાં નાટ્યાત્મક ચોટ ધરાવતાં ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે.
ખાર્કોવ નજીક ચુગુયેવમાં એક ગરીબ કુટુંબમાં જન્મેલ રેપિને ચર્ચની મૂર્તિઓ તૈયાર કરનાર એક કારીગર બુનાકોવ પાસે પ્રારંભિક તાલીમ મેળવી. 1863માં તેઓ સેંટ પીટર્સબર્ગ નગરની અકાદમી ઑવ્ ફાઇન આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને છ વરસ સુધી અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન ઝળકી ઊઠતાં તેમને ગોલ્ડ મેડલ અને શિષ્યવૃત્તિ પણ પ્રાપ્ત થયાં. શિષ્યવૃત્તિની મદદથી તેઓ ફ્રાન્સ અને ઇટાલીનો પ્રવાસ કરી આવ્યા. પાછા ફરી રશિયન ઇતિહાસના મહત્ત્વના વિશાળ કદના કૅન્વાસ પર નાટ્યાત્મક ચોટ સાથે ચીતરવા શરૂ કર્યા. 1894માં તેઓ પીટર્સબર્ગની અકાદમી ઑવ્ ફાઇન આર્ટમાં ઐતિહાસિક ચિત્રોના પ્રાધ્યાપક નિમાયા.
તેમની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓમાં ‘રિલિજિયસ પ્રોસેશન ઇન કુર્સ્ક ગુબેર્નિયા’ (1880–83, ત્રેત્યાકૉવ ગૅલરી, મૉસ્કો), ‘ઇવાન ગ્રોઝ્ની ઍન્ડ હિઝ સન ઇવાન’ (6 નવેમ્બર 1881), (1885, ત્રેત્યાકૉવ ગૅલરી, મૉસ્કો) અને ‘ઝાપોરોઝિયન કૉસેક્સ’ (1891) રશિયન મ્યુઝિયમ, સેંટ પીટર્સબર્ગ)નો સમાવેશ થાય છે.
અમિતાભ મડિયા