રેપિડ એક્શન ફોર્સ (RAF) :રેપિડ એક્શન ફોર્સ(RAF)નું કાર્ય નામ અનુસાર ત્વરિત કામગીરી કરવાનું છે. આ વિશિષ્ટ દળ છે, જેની સ્થાપના 11 ડિસેમ્બર, 1991ના રોજ થઈ હતી, જે 7 ઓક્ટોબર, 1992ના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું હતું. આ દળનું નેતૃત્વ ઇન્સ્પેક્ટર-જનરલ ઓફ પોલીસ (IGP) કરે છે. હાલ એના આઇજીપી એન્ની અબ્રાહમ છે, જેઓ આ પદ ધરાવનાર પ્રથમ મહિલા છે. આ દળ ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.

આ દળ તોફાન, તોફાન જેવી સ્થિતિ, ભીડનું નિયંત્રણ, જોખમ અને બચાવ કામગીરીઓ તથા અશાંતિ જેવી સમસ્યાનું સમાધાન કરવાની કામગીરી કરે છે. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ અદા કરે છે, તહેવાર અને ચૂંટણીના સમયે કામ કરે છે. ઓક્ટોબર, 1992માં પ્રથમ બટાલિયન બનાવવામાં આવી હતી અને એપ્રિલ, 1994માં તેમાં વધુ 5 બટાલિયન ઉમેરવામાં આવી હતી.

વર્ષ 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા RAFનાં મહિલા અધિકારી કમલેશ કુમારીનું મરણોપરાંત અશોક ચક્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નવેમ્બર, 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં RAF ઓબરૉય ટ્રાઇડેન્ટ આસપાસના વિસ્તારોનો ઘેરો કરવામાં સક્રિય હતું.

કેયૂર કોટક