રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ)

January, 2004

રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ) (જ. 20 માર્ચ 1908, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 મે 1985, ડેનહામ, બકિંગહામશાયર) : બ્રિટિશ રંગમંચ અને ફિલ્મના અભિનેતા. કેમ્બ્રિજ ખાતે અભ્યાસ. પહેલાં શિક્ષક બન્યા. 1934માં તેમણે લિવરપૂલ પ્લેહાઉસ ખાતે અભિનય કારકિર્દી શરૂ કરી. તે પછી નૅશનલ થિયેટરમાં જોડાયા અને ત્યાં હૅમ્લેટ, લિયર, અંકલ વેન્યા અને મિ. હૉર્નર જેવાં મુખ્ય પાત્રોની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી. વળી ‘ફૅમિલી યુનિયન’ (1939) અને ‘ટાઇગર ઍટ ધ ગેટ્સ’ (1955) જેવાં અદ્યતન નાટકોમાં તેમણે શાનદાર અભિનય કર્યો.

તેમના ઘણા પ્રશંસાપાત્ર મંચનકાર્યક્રમોમાં ‘રિચર્ડ 2જો’ (1951); ‘પ્રૉસ્પેરો’ (1952); ‘ઍન્ટની’ (1953) અને ‘અંકલ વેન્યા’(1962)નો સમાવેશ થાય છે. 1952માં તેમને ગિલ્ડફોર્ડ ખાતે યૉન આર્નોડ થિયેટરના દિગ્દર્શક નીમવામાં આવ્યા હતા.

હિચકૉકની ‘ધ લેડી વૅનિશિઝ’(1938)માંની તેમની ભૂમિકાથી તેમની ફિલ્મ કારકિર્દી ઝળકી ઊઠી. તેમાં ઉત્તમ ભૂમિકા ભજવવાને કારણે તેમને ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માનો અને ઍવૉર્ડ મળ્યાં હતાં, તેમની મંચન-સેવાઓ ધ્યાનમાં લઈને રાણી એલિઝાબેથ બીજાંએ તેમને ‘નાઇટ’ના ખિતાબથી સન્માન્યા હતા. ‘મૉર્નિંગ બિકમ્સ ઇલેક્ટ્રા’ (1947) ફિલ્મમાં ઑહિન મેનન તરીકેની સૌથી શ્રેષ્ઠ ભૂમિકા તેમણે ભજવી હતી. તેમની અન્ય નામાંકિત ફિલ્મો છે : ‘ધી ઇમ્પૉર્ટન્સ ઑવ્ બીઇંગ અર્નેસ્ટ’ (1952), ‘ગુડબાય મિ. ચિપ્સ’ (1969) અને ‘નિકોલસ ઍન્ડ ઍલેક્ઝાન્ડ્રા’ (1971).

અભિનયકલા વિશે તેમણે સંખ્યાબંધ ગ્રંથો આપ્યા છે. 1983માં તેમણે ‘ઇન માય માઇન્ડ્ઝ આઈ’ નામક આત્મકથા આપી.

1935માં તેઓ અભિનેત્રી રસેલ કેમ્પ્સન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમની બે પુત્રીઓ વેનિસ્સા અને લિન પણ નામાંકિત અભિનેત્રીઓ છે.

બળદેવભાઈ કનીજિયા