રેડગ્રેવ, વૅનેસા

January, 2004

રેડગ્રેવ, વૅનેસા (જ. 30 જાન્યુઆરી 1937, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેત્રી. પિતા : સર માઇકલ રેડગ્રેવ. અભિનેતા પિતા પાસેથી અભિનયનો વારસો મેળવનાર વૅનેસાએ લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ ડ્રામા ઍન્ડ સ્પીચમાં તાલીમ મેળવી હતી. કારકિર્દીનો પ્રારંભ 1957માં નાટકોથી શરૂ કર્યો. તેમાં સફળતા મેળવ્યા પછી ‘બિહાઇન્ડ ધ માસ્ક’ (1959) ચિત્રમાં પહેલી વાર પડદા પર આવ્યાં. આ ચિત્રમાં તેમણે પડદા પર તેમના ખ્યાતનામ પિતાની દીકરીની જ ભૂમિકા ભજવી હતી. જોકે એ પછી તેઓ નાટકોમાં વધુ વ્યસ્ત રહ્યાં અને બ્રિટનની રૉયલ શેક્સપિયર કંપનીનાં નાટકોમાં કામ કરીને એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે બહાર આવ્યાં.

વૅનેસા રેડગ્રેવ

1966માં તેમણે ફરી ચિત્રો તરફ ધ્યાન આપ્યું. એ જ વર્ષે પ્રદર્શિત થયેલા ચિત્ર ‘બ્લોઅપ’માં તેમની ભૂમિકાને સમીક્ષકોએ ખૂબ વખાણી હતી. જોકે ‘મૉર્ગન’(1966)માં પણ તેમનો અભિનય ઉત્કૃષ્ટ હતો. આ ભૂમિકા બદલ તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઑસ્કર માટે નામાંકન મળ્યું હતું અને કાન ચિત્ર-મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પારિતોષિક મળ્યું હતું. વૅનેસા રેડગ્રેવ વિવાદાસ્પદ અને પડકારરૂપ ભૂમિકાઓ સ્વીકારવા હંમેશાં તત્પર રહે છે. 1968માં ‘ઇસાડોરા’ ચિત્રની ભૂમિકા માટે તેમને એક બાજુ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો અને બીજી બાજુ વૅટિકનના ધર્મગુરુઓના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ‘મેરી ક્વીન ઑવ્ સ્કૉટ’ (1971) માટે તેમને ફરી શ્રેષ્ઠ અભિનેત્રીનો ઍવૉર્ડ મળ્યો હતો. વૅનેસા રેડગ્રેવ તેમની ડાબેરી વિચારસરણી માટે પણ હંમેશાં વિવાદાસ્પદ રહ્યાં છે. અણુબૉંબ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે કરાયેલા દેખાવોમાં તેમણે ભાગ લીધો હતો અને ધરપકડ પણ વહોરી હતી. વિયેતનામ સામેના યુદ્ધના વિરોધમાં અમેરિકન એલચી કચેરીએ લઈ જવાયેલી કૂચની આગેવાની તેમણે લીધી હતી. ‘જુલિયા’(1977)માં તેમની ભૂમિકા બદલ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કર મળ્યો હતો. ‘અગાથા’(1979)માં તેમણે રહસ્યકથા-લેખિકા અગાથા ક્રિસ્ટીની ભૂમિકા ભજવી હતી. મર્ચન્ટ આઇવરીનાં ચિત્રો ‘બૉસ્ટોનિયન્સ’ (1984) અને ‘હાવર્ડ્સ એન્ડ’(1992)માં સશક્ત અભિનયને કારણે તેમને ઑસ્કર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનાં નામાંકન મળ્યાં હતાં. ટીવી માટે બનાવાયેલા ચિત્ર ‘પ્લેઇંગ ફૉર ટાઇમ’(1980)માં નાઝીઓની યાતના-શિબિરમાંથી જીવિત રહેનાર મહિલાની ભૂમિકા બદલ તેમને ‘ગ્રેમી’ ઍવૉર્ડ મળ્યો હતો. ‘વૉટ એવર હૅપન્ડ ટુ બેબી જેન ?’ ચિત્રમાં તેમણે તેમનાં બહેન લિન સાથે કામ કર્યું હતું. 1962માં તેમણે દિગ્દર્શક ટોની રિચાર્ડસન સાથે લગ્ન કર્યાં હતાં, જેનો 1967માં અંત આવ્યો હતો. પણ એ દરમિયાન તેઓ બે દીકરીનાં માતા બન્યાં હતાં. તેમની બંને દીકરીઓ નતાશા રિચાર્ડસન અને જૉલી રિચાર્ડસન પણ અભિનેત્રીઓ છે.

નોંધપાત્ર ચિત્રો : ‘અ મૅન ફૉર ઑલ સીઝન’ (1966), ‘ધ સેઇલર ફ્રૉમ જિબ્રાલ્ટર’ (1967), ‘ધ ચાર્જ ઑવ્ ધ લાઇટ બ્રિગેડ’ (1968), ‘અ ક્વાયેટ પ્લેસ ઇન ધ કન્ટ્રી’ (1968), ‘ઓહ વૉટ અ લવલી વૉર’ (1969), ‘ડ્રૉપઆઉટ’ (1970), ‘મર્ડર ઑન ધી ઑરિયેન્ટ એક્સપ્રેસ’ (1974), ‘પ્રિક અપ યૉર ઇયર્સ’ (1987), ‘કન્ઝયૂમિંગ પેશન્સ’ (1988), ‘ધ હાઉસ ઑવ્ ધ સ્પિરિટ’ (1993).

હરસુખ થાનકી