રેડક્લિફ સમિતિ

January, 2004

રેડક્લિફ સમિતિ : ઇંગ્લૅન્ડમાં નાણાકીય વ્યવસ્થાના અભ્યાસ માટે 1957માં નીમવામાં આવેલી સમિતિ. સમિતિએ તેનો હેવાલ 1959માં સરકારને સુપરત કરેલો. નવ સભ્યોની બનેલી સમિતિમાં અર્થશાસ્ત્રીઓ ઉપરાંત બીજા પણ કેટલાક સભ્યોનો સમાવેશ કરવામાં આવેલો. સમિતિએ ઇંગ્લૅન્ડની નાણાવ્યવસ્થા અને તેની વિત્તીય સંસ્થાઓનો અભ્યાસ કરીને તેનું વિશ્લેષણ કર્યું હતું. તેનો હેવાલ મોટી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સમિતિએ તેના હેવાલમાં એવું સૂચન કર્યું હતું કે નાણાકીય નીતિનો અભિગમ સમગ્ર અર્થતંત્રમાં ઉપલબ્ધ તરલતા કે રોકડતા(liquidity)નું નિયંત્રણ કરવાનો હોવો જોઈએ. સૈદ્ધાંતિક રીતે નાણાંના પુરવઠાની વ્યાખ્યા કરવાનું મુશ્કેલ છે એ ભૂમિકા પર તેણે સમગ્ર અર્થતંત્રમાં ઉપલબ્ધ તરલતાને નાણાકીય નીતિનું લક્ષ્ય બનાવવાની હિમાયત કરી હતી. અર્થતંત્રની તરલતાને નિયંત્રિત કરવાની દૃષ્ટિએ સમિતિએ તેના ત્રણ ઘટકો પર ભાર મૂક્યો હતો : શૅર-ડિબેન્ચરના સ્વરૂપે પેઢીઓ દ્વારા ઊભી કરવામાં આવતી મૂડી, બૅંકો દ્વારા અપાતાં ધિરાણો અને ગ્રાહકોને અપાતી શાખ (consumer credit). સમિતિના મત પ્રમાણે તરલતાના આ ત્રણ ઘટકોને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરવાથી પરંપરાગત રીતે જેને નાણાંનો પુરવઠો સમજવામાં આવે છે તેનું આપમેળે નિયંત્રણ થઈ જાય છે. સમિતિના અભિપ્રાય પ્રમાણે અર્થતંત્રમાં નાણાંની અવેજીમાં સરળતાથી લઈ શકાય એવી તરલ અસ્કામતો ઉપલબ્ધ હોવાથી નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરીને અર્થતંત્રમાં થતા ખર્ચનું અને તેના પર આધારિત ફુગાવાનું નિયંત્રણ કરી શકાતું નથી. આ મુદ્દાના આધાર પર સમિતિએ એવું વિવાદાસ્પદ વિધાન કરેલું કે નાણાંના આવક-ચલણવેગ પર કોઈ મર્યાદા નથી, તેમાં અમર્યાદિત વધારો થઈ શકે. નાણાકીય નીતિના એક ભાગ તરીકે સમિતિએ હૂંડિયામણના દરને સ્થિર રાખવાની ભલામણ કરેલી. સાઠીના દસકામાં પ્રબળ બનેલી નાણાવાદી વિચારધારાએ રેડક્લિફ-સમિતિનાં વિશ્લેષણને તેમજ તેની ભલામણોને અપ્રસ્તુત બનાવી દીધાં હતાં.

પરાશર વોરા