રેડક્લિફ ચુકાદો : ભારત અને પાકિસ્તાનની સરહદો અંગે ઑગસ્ટ 1947માં આપવામાં આવેલો ચુકાદો. ભારતનું વિભાજન કરવાનો નિર્ણય લેવાયા બાદ તેની સરહદો ઠરાવવા માટે બે સીમા-પંચ નીમવામાં આવ્યાં. એક પંચ બંગાળનું વિભાજન તથા આસામમાંથી સિલ્હટને અલગ કરવા અને બીજું પંચ પંજાબના વિભાજન માટે નીમવામાં આવ્યું. દરેક પંચમાં કૉંગ્રેસે નીમેલા બે તથા મુસ્લિમ લીગના બે, એમ ચાર સભ્યો હતા. બંને પક્ષોની સંમતિથી, બંને પંચના અધ્યક્ષ તરીકે સર સિરિલ (પાછળથી લૉર્ડ) રેડક્લિફને નીમવામાં આવ્યા હતા. ઉભય પક્ષના દાવા વિપુલ વિસ્તારો મેળવી લેવાના હતા અને નિમાયેલા સભ્યો ન્યાયસંગત રહેવાને બદલે રાજકીય રંગે રંગાયેલા હતા. તેથી કમનસીબે પંચના સભ્યો કોઈ સંતોષકારક સમજૂતી સાધી શક્યા નહિ અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે અધ્યક્ષે તેમનો ચુકાદો આપવો. પરિણામે રેડક્લિફે પોતે બંને દેશો વચ્ચેની સરહદો નક્કી કરવી પડી. તેમણે તેમનાથી શક્ય તેટલો સારો પ્રયાસ કર્યો. પરંતુ બંને કોમો એટલી બધી સંમિશ્રિત હતી કે તેમણે સંતોષકારક ચુકાદો આપવો અશક્ય કે અતિશય કઠણ કામ હતું. તેમણે પોતાનો ચુકાદો લૉર્ડ માઉન્ટબૅટનને સત્તાની ફેરબદલીના માત્ર બે દિવસ અગાઉ (13 ઑગસ્ટ) આપ્યો. આ ચુકાદો ઉભય પક્ષોને દૂભવશે એમ માનીને માઉન્ટબૅટને તેની પ્રસિદ્ધિ મોડી કરી. આ ચુકાદા અનુસાર બંગાળના 16 ટકા મુસ્લિમો પશ્ચિમ બંગાળ(ભારત)માં રહ્યા, જ્યારે 42 % બિનમુસ્લિમો પૂર્વ બંગાળ(તત્કાલીન પાકિસ્તાન, હવે બાંગ્લાદેશ)માં રહ્યા. કુદરતી સરહદને બંધબેસતી કરવા માટે, બિનમુસ્લિમ બહુમતીવાળો ખુલના જિલ્લો પૂર્વ બંગાળમાં રાખવામાં આવ્યો, જ્યારે મુસ્લિમોની બહુમતી ધરાવનાર મુર્શિદાબાદ જિલ્લો પશ્ચિમ બંગાળ એટલે કે ભારતમાં સમાવવામાં આવ્યો હતો. પંજાબને ફળદ્રૂપ બનાવતી પાંચ નદીઓમાંની ત્રણ નદીઓ બિયાસ, સતલજ તથા રાવીના ઉપરવાસનો અંકુશ પૂર્વ પંજાબ(ભારત)ને મળ્યો. પંજાબનો આશરે 38 % વિસ્તાર તથા વસ્તીના 45 % પૂર્વ પંજાબને આપી દેવામાં આવ્યા. પંજાબના બિન-મુસ્લિમોમાં ખાસ કરીને શીખોને લાહોર શહેર તથા શેખપુરા, લાયલપુર અને મૉન્ટગૉમરીની વસાહતો ગુમાવ્યાનું ઘણું દુ:ખ થયું; જ્યારે મંડીની જળવિદ્યુત-યોજના પૂર્વ પંજાબમાં રાખવામાં આવી તેનો મુસ્લિમોએ સખત વિરોધ કર્યો હતો. આમ રેડક્લિફ ચુકાદો ઉભય પક્ષને સંતોષી શક્યો ન હતો.
જયકુમાર ર. શુક્લ