રેઝિન : પાઇન, ફર જેવાં ઝાડ તથા ક્ષુપ(shrubs)ની છાલ ઉપર રસસ્રાવ (exudation) રૂપે જોવા મળતું કાર્બનિક ઍસિડો, સુગંધી (essential) તેલો અને ટર્પીન-સંયોજનોનું ગુંદર જેવું, અસ્ફટિકમય (amorphous), હવામાં સખત બની જતું મિશ્રણ. સંશ્લેષિત રેઝિન એ માનવસર્જિત ઉચ્ચ બહુલક છે. કુદરતી રેઝિન દહનશીલ (combustible), વિદ્યુત-અવાહક, સખત અને ઠંડું હોય ત્યારે કાચસમ (glassy) હોય છે. કાચ-સંક્રમણ (glass transition) બિંદુથી નીચેના તાપમાને તે નરમ અને ચીકણું (sticky) હોય છે. સખત રેઝિનમાં વાર્નિશ સામાન્ય હોય છે. મૃદુ રેઝિનમાં મલમ જેવા પદાર્થો ગણાવી શકાય.
રેઝિન આલ્કોહૉલ, ઈથર અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય, પણ પાણીમાં અદ્રાવ્ય હોય છે. આવાં રેઝિનોમાં કાવરી (kauri), કૉપલ (copal), ડમ્મર (dammar), રાળ (mastic), ગ્વાઈએકમ (guaiacum), જાલપ (jalap), ડામરમીઠું (colophony), શલ્ક લાખ (shellac) વગેરેનો નિર્દેશ કરી શકાય.
કુદરતી રેઝિન ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) વૃક્ષોમાં કાપા પાડી પ્રવાહી રૂપે મેળવાતો ઘટ્ટ પદાર્થ, (ii) લાકડામાંથી દ્રાવક વડે નિષ્કર્ષણ દ્વારા મેળવાતો પદાર્થ તથા (iii) જાળવી રાખેલાં (પરિરક્ષિત) લાકડાં તથા જનાવરોમાંથી મેળવાતું જીવાશ્મ-રેઝિન. એકેશિયા વૃક્ષો (દા.ત., બાવળ) ઉપરનાં જંતુઓનાં ભીંગડાંમાંથી પણ રેઝિન મળે છે, જે લાખ તરીકે જાણીતું છે.
ગમરેઝિન [(જેવાં કે હિંગ (asafoetida), હીરાબોળ (myrrh), બાલ્સમ (ગુલમેંદી વૃક્ષોનો ગુંદર)] ઔષધોમાં વપરાય છે. તાજેતરમાં તેમના આ પ્રકારના ઔષધીય ગુણો ચર્ચાસ્પદ બન્યા છે. રોઝિન પાઇન વૃક્ષોમાંથી મળતું રેઝિન છે. ઓલિયો-રેઝિન ટર્પેન્ટાઇનમાં રહેલું સુગંધીદાર તેલો સાથે સંયોજાયેલું દ્રવ્ય છે.
સંશ્લેષિત રેઝિન સામાન્ય પ્લાસ્ટિક સમૂહનાં રાસાયણિક સંયોજનો છે. સુઘટ્યતા (plasticize) કર્યા વગરના કાર્બનિક બહુલકને રેઝિન કહી શકાય. આમ કોઈ પણ પ્રાપ્ય સામાન્ય પ્લાસ્ટિકને સંશ્લેષિત રેઝિન ગણાવી શકાય.
રેઝિનના સંશ્લેષણ માટે મોટા પાયા ઉપર પેટ્રોલિયમ, કોલસો, ચૂનાનો પથ્થર, લાકડું, મીઠું, હવા તથા પાણી વપરાય છે. ખૂબ અટપટી રાસાયણિક વિધિઓ દ્વારા આ પદાર્થોમાંથી અનેક રસાયણો (આલ્કોહૉલ, ફૉર્માલ્ડિહાઇડ, ગ્લિસરૉલ, ફીનોલ, ઇથિલીન, એમોનિયા, યુરિયા) બને છે. આ સંયોજનોને અનેક પ્રકારે રેઝિનના સંકીર્ણ અણુઓમાં ફેરવવામાં આવે છે. સંશ્લેષિત રેઝિનો સાદા અણુઓના બહુલીકરણ દ્વારા બને છે અને રચનામાં તેઓ સંકીર્ણ હોય છે. મોટાં સંકીર્ણોને ઉચ્ચ બહુલકો કહે છે. તેઓ તાપસુઘટ્ય અથવા ઉષ્માસ્થૈતિક તરીકે તેમની રચનાઓ મુજબ ગુણધર્મો દર્શાવે છે. સંશ્લેષિત બહુલકો તેમનામાંના ઘટકો, ગુણધર્મો અને ઉપયોગોમાં અનેક રીતે જુદાં પડે છે. આવા પદાર્થોના મૂળ ગુણધર્મોમાં ઉત્પાદકો અનેક ફેરફારો કરીને નવી નવી વેચવાલાયક ચીજો બનાવે છે અને આ માટે તેમાં પૂરકો, રંગ, ઊંજણ દ્રવ્યો અથવા ઉષ્મા વપરાય છે.
જળદ્રાવ્ય રેઝિનો ગુંદર તરીકે વપરાય છે. રેઝિનોમાંના કાર્બોક્સિમિથાઇલ સેલ્યુલોઝ, હાઇડ્રૉક્સિઆલ્કાઇલેટેડ સેલ્યુલોઝ વ્યુત્પન્નો, રૂપાંતરિત સ્ટાર્ચ, પૉલિવિનાઇલ આલ્કોહૉલ, પૉલિવિનાઇલ પાયરોલિડોન અને પૉલિએક્રિલ એમાઇડ્ઝ વગેરે ખાદ્ય પદાર્થો, રંગ અને વેધન-પંક(drilling mud)માં પ્રગાઢક તરીકે; રેસાનું સાઇઝિંગ કરવા, સંરક્ષી આવરણ તરીકે અને સંપુટિત કારકો તરીકે વપરાય છે.
સંશ્લેષિત રેઝિનોમાં (1) ફીનોલ-ફોર્માલ્ડિહાઇડ, ફીનોલ-યુરિયા, ફીનોલ-મેલામાઇન (ii) યુરિયા-ફોર્માલ્ડિહાઇડ, મેલામાઇન-ફોર્માલ્ડિહાઇડ, (iii) આલ્કીડ, પૉલિકાર્બોનેટ, (iv) પૉલિયુરિધેન્સ, પૉલિએમાઇન્સ, સિલિકોન રેઝિન, પૉલિવિનાઇલ એસિટેટ્સ, પૉલિસ્ટાઇરીન અને એક્રિલિક બહુલકો – એવા વિવિધ પ્રકારો ઉપલબ્ધ છે.
જ. પો. ત્રિવેદી