રેખાચિત્ર : સામાન્ય રીતે ચરિત્રચિત્રણ સાથે સંકળાયેલો એક સાહિત્યપ્રકાર. એક મહત્વના ગદ્યપ્રકાર તરીકે તેની પ્રતિષ્ઠા છે. આમ છતાં પદ્યમાં તે ન જ હોઈ શકે એવું નથી. કવિ ન્હાનાલાલનાં ‘ચિત્રદર્શનો’માં કેટલેક ઠેકાણે રેખાચિત્રના સત્વ-તત્વના અંશો જોવા મુશ્કેલ નથી. વળી તે આમ તો જ્ઞાનલક્ષી સાહિત્ય(Literature of knowledge)ના સીમાપ્રાન્તનો સાહિત્યપ્રકાર મનાય છે, પણ સર્જનાત્મક રેખાચિત્રોમાં લલિત કળાનાં રૂપતત્વોનો સંચાર પણ પામી શકાય છે. રેખાચિત્ર આમ તો અર્વાચીન સાહિત્યપ્રકાર છે; પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેટલાંક આખ્યાનો–પ્રબંધો કે પદ્યવાર્તાઓમાં રેખાંકનની રીતે, શબ્દચિત્રો કે વર્ણનચિત્રોમાં રેખાચિત્રનાં પ્રાણતત્વોનું યત્કિંચિત્ સ્ફુરણ-સંચરણ પામી શકાય છે. પ્રેમાનંદના ‘અભિમન્યુ આખ્યાન’માં વૃદ્ધવેશી શ્રીકૃષ્ણ, ‘સુદામાચરિત્ર’માં સુદામા તો ‘વામનચરિત્ર’માં વામનના પાત્રવર્ણનમાં રેખાંકનની કલારીતિનો અણસાર જોઈ શકાય છે; અલબત્ત, એ કંઈ સર્વાંશે રેખાચિત્રો નથી. રેખાંકનની શબ્દકળા સુદામાના દ્વારામતી-દર્શનમાં ઉપયોગી થયેલી જોઈ શકાય. રેખાચિત્રો સામાન્યત: માનવવ્યક્તિઓનાં મળે છે, પરંતુ તે માનવેતર સૃષ્ટિને રજૂ કરતાં પણ હોઈ શકે. ધૂમકેતુ ને દ્વિરેફે એ દિશાનાં રેખાચિત્રો આપ્યાં છે. જેમ ચિત્રમાં તેમ સાહિત્યમાં પણ રેખાચિત્રો સ્થળ-સમયનાંયે હોઈ શકે છે. જેમ પૌરાણિક, ઐતિહાસિક, વાસ્તવિક તેમ કાલ્પનિક વિષયવસ્તુ કે વ્યક્તિવિભૂતિને અનુલક્ષીને પણ રેખાચિત્રો હોઈ શકે છે. અલબત્ત, જે ઉપલબ્ધ રેખાચિત્રો છે તેમાં વ્યક્તિલક્ષી રેખાચિત્રોનું બાહુલ્ય સ્પષ્ટ છે. કેટલાંક સ્મરણચિત્રો, કેટલાંક વ્યક્તિચિત્રો, કેટલાક ચરિત્રનિબંધો, કેટલાંક શબ્દચિત્રો કે વર્ણનચિત્રો એમાંના શબ્દગત – અભિવ્યક્તિગત રેખાંકનના બળે રેખાચિત્રોના વર્ગમાં આવી શકે ખરાં.

જેમ કોઈ સમર્થ ચિત્રકાર જે તે દૃશ્યવિષયને પામીને, એની મહત્વની કે મુખ્ય, પ્રબળ ને પ્રભાવક લાક્ષણિકતાઓને પકડીને, એમાંથી સચોટ અંશોને પસંદ કરીને, તેમના આધારે ભારે લાઘવ ને કૌશલ્યથી જે તે દૃશ્યવિષયના જીવાતુભૂત તત્વને – મર્મતત્વને સંક્ષિપ્તતાએ ઉપસાવીને પ્રત્યક્ષ કરતો હોય છે તેમ પ્રતિભાશાળી સાહિત્યસર્જક ઓછામાં ઓછા શબ્દોમાં જે તે વર્ણ્યવિષયના પ્રાણભૂત તત્વને લીલયા પ્રત્યક્ષ કરતો હોય છે. એમ કરતાં તે પોતાની સર્જકદૃષ્ટિની તીક્ષ્ણતા ને વિશેષતાનો પણ પરચો આપી રહે છે. એક બાજુ જે તે વર્ણ્ય વિષયના પૂરા ને પાકા અંદાજ વિના, એના આંતરબાહ્ય તેમજ પ્રધાનગૌણ તત્વોના નિરીક્ષણ–પરીક્ષણ – સમીક્ષણ વિના – એ બધાં તત્વોના વિવેકપૂત અનુભવદર્શન ને સમ્યગ્ આકલન તથા સમતોલન વિના તો બીજી બાજુ જે વાઙ્માધ્યમમાં એ વિષયવસ્તુની ઝાંખી-ઝલક આપવાની હોય તેના પરના પ્રભુત્વ વિના જીવંત રેખાચિત્રણ શક્ય બનતું નથી. સાહિત્યસર્જક સ્વચ્છ મુકુરીભૂત હૃદયથી વ્યક્તિ-વસ્તુની યથાતથ છાપ ગ્રહીને તેને પછી વાઙ્-માધ્યમમાં સાકાર કરવા ઉદ્યત થાય છે. રેખાચિત્રણમાં એ છાપનું ખૂબ મહત્વ છે. જેમ ગાંધીજીના સંદર્ભમાં કોઈ વિચક્ષણ ચિત્રકાર ચશ્માં, લાકડી, ચંપલ ને ચહેરા–ચરણની બેપાંચ બળવાન રેખાઓ પકડીને એમની વ્યક્તિતાનું એક હૃદયંગમ ત્વરાલેખન સિદ્ધ કરી બતાવે તેમ સાહિત્યમાં પણ રેખાચિત્રકાર વર્ણ્ય વિષયના લઘુતમ સાધારણ અવયવોને પકડી લઈ જે તે વ્યક્તિવિશેષ કે વસ્તુવિશેષનું અનન્યપણું જીવંતપણે, રસ પડે એ રીતે વાક્સ્તરે ઉપસાવવા મથતો હોય છે. આવી રેખાંકનકળા જેમ રંગરેખાના તેમ શબ્દાર્થના કલાકાર પાસેથી દૃષ્ટિસૃષ્ટિની અનોખી સૂઝ-સમજ તેમજ રજૂઆતકળાની ઉત્કૃષ્ટ સજ્જતા માગી લે છે. વાસ્તવ ને કલ્પનાનું, સત્ય ને સૌન્દર્યનું, સંદર્ભપરક પરિપ્રેક્ષ્યગત વ્યાપકતાનું તેમજ વ્યક્તિપરક વિશેષતાનું, સર્જકના વિષયવસ્તુ સાથેના દર્શનગત તાદાત્મ્ય તેમજ વર્ણનગત તાટસ્થ્યનું સિદ્ધ રસાયણ રેખાચિત્રમાં અનિવાર્ય છે. સારાં રેખાચિત્રો તેમના આલેખકની દૃષ્ટિસૃષ્ટિની ઝલક-ઝાંખી સાથે જીવન અને જગતની ખરેખરી તાસીર પામી લેવામાં સહાયક થાય છે. ઉત્તમ રેખાચિત્રોમાં વિગતોના ખડકલા કે બાહુલ્ય કરતાંયે તેમની ગુણવત્તા ને લાક્ષણિકતા મહત્વની હોય છે. રેખાચિત્રકારની વિવેકપૂત દૃષ્ટિ ને રુચિ જે તે વિગતોની પસંદગી ને સંકલન-રજૂઆતમાં બુનિયાદી ફાળો આપતી હોય છે. એમાં સાહિત્યસર્જકની દૃષ્ટિએ એકાગ્રતા, વેધકતા ને વિશેષતા રેખાચિત્રની ગુણવત્તા ને પ્રભાવકતા સિદ્ધ કરવામાં નિર્ણાયક બને છે. એમાં સાહિત્યસર્જકના દર્શન-વર્ણનની સ્પષ્ટતા, લાઘવ ને વૈશિષ્ટ્યવાળી સંતુલા અપેક્ષિત હોય છે.

ગુજરાતીમાં રેખાચિત્રોનું ખેડાણ અર્વાચીન યુગમાં દાયકે દાયકે કોઈક ને કોઈક રીતે ચાલતું રહ્યું છે. એવાં રેખાચિત્રોમાં કલાત્મક રેખાચિત્રો તો ઓછાં જ છે. ઉત્કૃષ્ટ સાહિત્યસર્જકતા ધરાવતા કેટલાક કવિઓ–લેખકો રેખાચિત્રોના સર્જનમાં પોતાનું સાચું હીર દાખવી શક્યા હોવાની પ્રતીતિ થાય છે. કવિ ન્હાનાલાલે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, એમના ગુરુ કાશીરામ દવે, અમૃતલાલ પઢિયાર વગેરેને અનુલક્ષીને આપેલાં તેજચિત્રોમાં તેમજ કાન્ત, લાલશંકર દવે, પ્રો. ભાંડારકર વગેરેનાં નરસિંહરાવે આપેલાં સ્મરણચિત્રોમાં રેખાચિત્રની શુદ્ધ કળા તો ઓછી ગણાય. એ કળા સવિશેષ પ્રગટી આવે છે લીલાવતી મુનશીનાં ‘મિસિસ માર્ગારેટ એસ્કવિથ’ તેમજ ‘દ્રૌપદી’ જેવાંનાં ચિત્રાંકનોમાં. ચંદ્રશંકર પંડ્યાએ ‘કૌમુદી’માં કેટલાંક રેખાચિત્રો આપેલાં, જેમાં આનંદશંકર ધ્રુવનું સ્મરણીય છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘ગુજરાતના મહાજનો’માં, યશવંત પંડ્યાએ ‘કલમચિત્રો’માં, કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાતના જ્યોતિર્ધરો’માં પોતપોતાની આગવી રીતિએ રેખાચિત્રો આપ્યાં છે. શંકરલાલ ગંગાધર શાસ્ત્રી ને અશોક હર્ષનું પણ આ ક્ષેત્રે પ્રદાન ઉલ્લેખનીય છે. વળી રમણલાલ દેસાઈનાં ‘તેજચિત્રો’, ઈશ્વર પેટલીકરનાં ‘ગ્રામચિત્રો’ અને ‘ઘરદીવડા’, લીનાબહેન સારાભાઈનાં ‘વ્યક્તિચિત્રો’ પણ સ્મરણીય છે. ધૂમકેતુ અને દ્વિરેફે ‘રેખાચિત્ર’ની કળાનાં કેટલાંક ઉત્કૃષ્ટ દૃષ્ટાંતો આપ્યાં છે. આ ક્ષેત્રે ગાંધીજી, કાકાસાહેબ અને સ્વામી આનંદનો; સુન્દરમ્, ઉમાશંકર ને જયંતિ દલાલનો; વિજયરાય વૈદ્ય ને રતિલાલ મો. ત્રિવેદીનો પણ નોંધપાત્ર ફાળો છે. જેમ સ્વામી આનંદે તેમ દર્શક, મુકુન્દરાય પારાશર્ય વગેરેએ પણ નરવાં ને ગરવાં રેખાચિત્રોથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. વાડીલાલ ડગલી, અમૃતલાલ યાજ્ઞિક, ધીરુભાઈ ઠાકર ને રમણલાલ ચી. શાહ; અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, મણિલાલ પટેલ, રમેશ ર. દવે, પ્રફુલ્લ રાવળ ને યોગેશ જોષી; રઘુવીર ચૌધરી, જૉસેફ મૅકવાન, વીનેશ અંતાણી ને ધીરુ પરીખ તથા કમળાબહેન પરીખ – આ રીતે અનેકે આ ક્ષેત્રે પોતપોતાની રીતે ચરિત્રાત્મક નિબંધો આપવા જતાં રેખાંકનની કળાના કીમિયા પણ દાખવ્યા છે. ‘માતૃવંદના’ જેવામાં યશવંત શુક્લ, ચંદ્રકાન્ત બક્ષી આદિએ માતૃચરિત્રો આપતાં એમની રેખાંકનની શક્તિનો પરચો પણ આપ્યો છે. વિનોદ ભટ્ટે હળવી નજરે જે પ્રકારના ચરિત્રલેખો આપ્યા તેની કળા અનન્ય છે. જોકે રેખાંકનનું ચુસ્ત કલાશિસ્ત જેમાં વરતાય એવા સર્વાંગસંપૂર્ણ રેખાચિત્રો પ્રમાણમાં ઓછાં જ છે. કેટલાક ચરિત્રનિબંધોમાં રેખાંકનની કળાનો પરચો થાય એ એક બાબત છે અને એ નિબંધો સર્વથા રેખાચિત્રો રૂપે પ્રગટી આવે એ બીજી બાબત છે. ગુજરાતીમાં કેટલાક આત્મચરિત્રાત્મક, જીવનચરિત્રાત્મક કે પ્રવાસાત્મક ગ્રંથોમાં પણ સ્થળ, વ્યક્તિ આદિનાં સુરેખ રેખાચિત્રણો મળે છે એ નોંધવું જોઈએ.

મણિલાલ પટેલ

ચન્દ્રકાન્ત શેઠ