રેખા : ગુજરાતનું એક વિશિષ્ટ સામયિક. પ્રારંભ : 1939. આયુષ્ય : આશરે એક દાયકો. જયંતિ દલાલે એમની જાહેર જીવનની પ્રવૃત્તિ વચ્ચે ગુજરાતમાં પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરવા, સાહિત્યમાં નવતર મૂલ્યોનું સ્થાપન કરવા, વિદેશી સાહિત્યથી ગુજરાતની પ્રજાને અવગત કરાવવા અને પ્રવર્તમાન રાજકીય પ્રવાહથી પ્રજાને વાકેફ કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી ‘રેખા’ સામયિક શરૂ કર્યું હતું. એનું સંપાદનકાર્ય તેઓ જ કરતા. એનો પહેલો અંક 15 જુલાઈ, 1939ના રોજ પ્રસિદ્ધ થયો હતો, જે સત્યાશી પાનાંનો હતો. તેમાં છેલ્લે ‘બુદ્ધિપ્રકાશ’, ‘વસન્ત’, ‘સાહિત્ય’, ‘વીસમી સદી’, ‘ગૂજરાત’, ‘પ્રસ્થાન’ અને ‘માનસી’ સામયિકોના પ્રથમ અંકમાં એ સામયિકના પ્રારંભટાણે જે ભાવના દર્શાવાઈ હતી તેને નોંધીને ‘આટઆટલાં ઉદ્દેશો, આદેશો અને વચનોના ઢગ ખડકાયા હોય ત્યાં અમે શેનો ઉમેરો કરીએ ?’ – એવી પ્રશ્નાર્થક સૂચક નોંધ હતી. આ અંકમાં પન્નાલાલ પટેલની વાર્તા ‘જીવતર પર ખોયણું’ પ્રસિદ્ધ થઈ હતી. અન્ય લેખકો હતા દિગંબર શુક્લ, અનિલ ભટ્ટ, બળવંતરાય ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ ઇત્યાદિ. મુખપૃષ્ઠ પર ‘આદતનું જોર’ નામક ચકોરનું કાર્ટૂન હતું, જે પરંપરા અન્ય અંકોમાં પણ પછી ચાલુ રહી હતી. માત્ર બે પગ, પોતડી અને લટકતી ઘડિયાળવાળું ગાંધીજીનું કાર્ટૂન નવેમ્બર 1940ના અંકના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ થયું હતું. જુલાઈ 1940ના પ્રથમ વિશેષાંકમાં ‘હકીકત તરીકે ‘રેખા’થી અમને સંતોષ નથી’ એવી નિખાલસ કબૂલાત કરી હતી. આર્થિક ભીંસ પ્રતિ પણ એમાં ઇશારો કર્યો હતો.

‘વાસુકિ’ – એ ઉપનામે ઉમાશંકર જોશીની વાર્તા ‘કલંકિની’ બીજા અંકમાં છપાઈ હતી. સુન્દરમ્, હરિશ્ચન્દ્ર ભટ્ટ, યશવંત શુક્લ, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, નગીનદાસ પારેખ, ગુલાબદાસ બ્રોકર, જયંત ખત્રી ઇત્યાદિ સર્જકો-વિવેચકોની કૃતિઓ પ્રસિદ્ધ થતી હતી, તો ઉત્સવ પરીખ, બી. કે. મજમુદાર, એસ. આર. ભટ્ટ, નીરુ દેસાઈ જેવા બૌદ્ધિકોના લેખો ‘રેખા’ની ઊજળી બાજુ હતી. એમાં પ્રતિકાવ્યો તેમજ પ્રતિનાટક પણ અપાતાં.

‘વીસમી સદી’ પછી ‘રેખા’એ એક નૂતન આબોહવા ઊભી કરી હતી. તેમાં જયંતિ દલાલની દૃષ્ટિ અને નિષ્ઠા સાથે પ્રગતિશીલ વિભાવનાને ઊભી કરવાનો આયામ હતો. એમના સાથીઓ હતા સમાજવાદી વિચારધારાના મિત્રો. ‘રેખા’ એ સાહિત્યિક પત્રકારત્વનો ઉદાત્ત નમૂનો હતો. આ સામયિક દૃષ્ટિસંપન્ન હોવા છતાં જનસામાન્ય સુધી પહોંચી ન શક્યું. પ્રગતિશીલ વિચારધારા જ એની મર્યાદા બની રહી. જયંતિ દલાલ પછી અશોક હર્ષે સંપાદકની કામગીરી સંભાળી હતી. જયંતિ દલાલની ‘ઉત્તરા’માંથી વાર્તાઓ એ સમયે પ્રસિદ્ધ થયેલી. એકાદ દાયકા લગી ‘રેખા’એ ગુજરાતમાં એક આંદોલન–movement–જેવી કામગીરી બજાવી હતી. જો એ સામયિકને આર્થિક સધ્ધરતા હોત તો તે વિશેષ નભ્યું હોત.

પ્રફુલ્લ રાવલ