રેઇકી : જાપાનમાં પુનર્જીવિત પામેલી એક કુદરતી ચિકિત્સાપદ્ધતિ. ‘રેઇકી’ એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. ‘રે’નો અર્થ થાય છે સર્વવ્યાપી અને ‘કી’નો અર્થ થાય છે જીવનશક્તિ. આમ રેઇકી એટલે સર્વવ્યાપી જીવનશક્તિ. માનવઇતિહાસ દરમિયાન સતત રીતે ચિકિત્સાપદ્ધતિઓમાં કોઈ ને કોઈ રીતે વિશ્વવ્યાપી એવી કુદરતી શક્તિનો આધાર લેવામાં આવે છે. રેઇકી પણ એવી જ એક શક્તિ છે, જે વિશ્વમાં જીવન પેદા કરે છે અને એને પોષે છે. આપણે આ શક્તિ સાથે જ જન્મ્યા છીએ અને એ જ શક્તિથી જીવી રહ્યા છીએ. દુનિયામાં આ સર્વોચ્ચ શક્તિ છે. રેઇકી વિદ્યાનું મૂળ ભારત છે.
અથર્વવેદમાં વૈશ્વિક ચૈતન્યશક્તિ દ્વારા સ્વાસ્થ્ય, સ્વકલ્યાણ, આત્મકલ્યાણ, જગતકલ્યાણ વગેરેની પ્રાપ્તિનો ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત અનાજ, પાણી, હવા, છોડ, વૃક્ષ વગેરેને પણ આ શક્તિથી ઊર્જિત કરી શકાય છે એવી નોંધ પણ જોવા મળે છે. ઓગણીસમી સદીના મધ્યભાગમાં જાપાનના ડૉ. મિકાઓ ઉસૂઇ નામના મહાનુભાવે આ ઉપચારપદ્ધતિને પુનર્જીવિત કરી. તેઓ જાપાનના ક્યોટો શહેરની એક યુનિવર્સિટીના વડા હતા. વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન બાઇબલની ચર્ચા નીકળતાં વિદ્યાર્થીઓએ ડૉ. મિકાઓ ઉસૂઇને પ્રશ્નો પૂછ્યા કે બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત સ્પર્શ વડે લોકોને સાજા કરતા તો એ વિદ્યા કઈ અને એના વિશે તમે કેટલું જાણો છો ? બાઇબલના પ્રખર અભ્યાસી એવા ડૉ. ઉસૂઇ આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યા અને પરંપરા અનુસાર યુનિવર્સિટી છોડી દઈ આ જ પ્રશ્નના જવાબ અંગે પોતાનું જીવન સમર્પિત કર્યું. જાપાન, અમેરિકા, ચીન, તિબેટ વગેરે અનેક દેશોમાં ફરી સંસ્કૃત ભાષા શીખી તિબેટી પદ્મસૂત્રો (Lotus Sutras) ઉપરથી આ સ્પર્શચિકિત્સા એવી રેઇકી વિદ્યાનું જ્ઞાન મેળવ્યું. વાસ્તવમાં હજારો વર્ષો પહેલાં ભારતમાં ઋષિમુનિઓએ ચૈતન્યશક્તિ અને પદાર્થ અંગે ઊંડી સમજ કેળવી હતી. આ જ્ઞાનનો ઉપયોગ તેઓ શરીરને સાજું રાખવામાં તથા આત્મા અને શરીરના ચેતનતત્વને સંતુલિત કરવામાં કરતા હતા.
રેઇકી કોઈ ધર્મ નથી, પંથ કે જાતિ સાથે સંબંધિત નથી કે તંત્ર કે મંત્રની વિદ્યા પણ નથી. રેઇકી તો એક લાભકારી શક્તિ છે. એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે આડઅસર નથી. ઉપરાંત તેમાં આપણા બે હાથ સિવાય અન્ય કોઈ સાધનની જરૂર ન હોવાથી એ અત્યંત સરળ એવી પ્રાકૃતિક ચિકિત્સાપદ્ધતિ છે. રેઇકી શરીરની રાસાયણિક ગ્રંથિઓ, અવયવો, સ્નાયુઓ અને અસ્થિના સર્જનની પ્રક્રિયાને ગતિ આપે છે, શક્તિ આપે છે અને સતેજ બનાવે છે, જેથી શરીરનું સ્વાસ્થ્ય અને સંતુલન જળવાઈ રહે છે. વળી રેઇકી દરેકને વ્યક્તિગત સ્તરે જ્યાં જેટલી જરૂર હોય તે અનુસાર અસર કરીને દર્દીને સાજા કરે છે. રેઇકી એવી કોઈ માન્યતા કે કઠિન સાધના નથી કે એના માટે કોઈ વિશેષ માનસિક શારીરિક તૈયારી કરવી પડે, એના માટે તો જરૂર છે ફક્ત દૃઢ ઇચ્છાશક્તિ અને ઇરાદાની, વિશ્વાસ અને શ્રદ્ધાની. કોઈ પણ ઉંમરની વ્યક્તિ–સ્ત્રી કે પુરુષ, અભણ કે ભણેલી કોઈ પણ વ્યક્તિ – રેઇકી શીખી શકે છે.
હકારાત્મક ઊર્જાની શરીરનાં સાતેય ચક્રોમાં સમતુલા લાવી ચેતનાનો ઉજાસ ફેલાવતી પરમશક્તિનો સંચાર થાય છે. આ બાબતને વૈજ્ઞાનિક રીતે તપાસીએ. અષ્ટાંગ યોગમાં પણ જેનો ઉલ્લેખ છે તે નરી આંખે આપણે જોઈ શકીએ તે સ્થૂળ શરીર ઉપરાંત તેની ઉપર પ્રાણશરીર, મનોમય શરીર, ભાવશરીર, ચૈતન્યશરીર, સૂક્ષ્મ શરીર અને નિર્વાણશરીર એમ બીજાં છ શરીરો આવેલાં છે; એમાં જે પ્રાણશરીર છે તેમાં આપણી ચૈતન્યશક્તિનાં ઍન્ટેના જેવાં સાત ચક્રો આવેલાં છે : સહસ્રાર ચક્ર, આજ્ઞાચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર, સ્વાધિસ્થાન ચક્ર અને મૂળાધાર ચક્ર. આ સાતેય ચક્રો બ્રહ્માંડમાં રહેલી અનંત શક્તિ મેળવે છે. બ્રહ્માંડશક્તિ ઘટી જતાં આપણે બીમાર અને રોગિષ્ઠ બનીએ છીએ. સાતેય ચક્રો એકબીજાં સાથે સંવાદિતામાં ન હોય ત્યારે આપણી શક્તિમાં ઘટાડો થાય છે. વૈજ્ઞાનિક સ્તરે પણ આ સૂક્ષ્મ શરીરો અને ચક્રો વિશે સંશોધનો થઈ રહ્યાં છે અને કિર્લિયન (Kirlian) કૅમેરા વડે તેના ફોટા પણ પાડી શકાય છે. ભારતમાં આ કિર્લિયન ફોટોગ્રાફી ઉપલબ્ધ છે. તબીબી વિદ્યા કે જ્યોતિષવિદ્યા પણ જો અયોગ્ય વ્યક્તિઓના હાથે ચડે અને તેનો દુરુપયોગ થાય તો પણ તેનું વૈજ્ઞાનિક તથ્ય ભૂંસાઈ જતું નથી. એવી જ રીતે રેઇકી વિદ્યા પણ વૈજ્ઞાનિક નિરીક્ષણોમાંથી પસાર થઈ રહેલી વિદ્યા છે.
ખરેખર તો રેઇકી એક ક્રમિક સાધના છે. તેમાં ટૂંકો રસ્તો શક્ય જ નથી. રેઇકીનો પ્રથમ ડિગ્રીનો સેમિનાર બે દિવસનો, 16થી 18 કલાકનો હોય છે, જેમાં રેઇકી શું છે, એની પ્રાથમિક સમજ, એનો ઇતિહાસ, એના લાભ, સાતેય ચક્રો, કયા રોગ માટે ક્યાં રેઇકી લેવી, અન્યોને રેઇકી-ચિકિત્સા કેવી રીતે આપવી વગેરે અંગેની ચર્ચા ઉપરાંત રેઇકી દીક્ષા (attunement) આપવામાં આવે છે. પ્રથમ ડિગ્રી બાદ 21 દિવસની સાધના કરવાની હોય છે અને સ્વચિકિત્સા વડે શરીરશુદ્ધિ કરવાની રહે છે. ત્યારબાદ બીજી ડિગ્રી શીખ્યા બાદ સમય-સ્થળની મર્યાદા નથી રહેતી અને દૂરગામી રેઇકી મોકલી શકાય છે. જેમને રેઇકીનિષ્ણાત થવું હોય અને એને વિશેના સંશોધનમાં ઊંડો રસ હોય એવી વ્યક્તિઓ રેઇકીની ત્રીજી ડિગ્રીની સાધના કરે છે. કહેવાય છે કે ભગવાન બુદ્ધે સ્વના અને અન્યના, શરીરના અને આત્માના કલ્યાણ અર્થે ચાર પરંપરાઓની ભેટ જગતના મનુષ્યોને આપી : માર્શલ આર્ટ, વિપશ્યના, પ્રાણિક હીલિંગ અને રેઇકી.
જેવી રીતે ઓગણીસમી સદીના અંતભાગમાં ડૉ. મિકાઓ ઉસૂઇ થકી વિશ્વને પુન:પ્રાપ્ત થઈ, એવી રીતે વીસમી સદીના અંતભાગમાં, મતલબ 1989–90માં, ભારતમાં રેઇકીનું પુન: આગમન થયું. ડૉ. પૌલા હોરેન નામની એક અમેરિકન મહિલા રેઇકીનિષ્ણાતે જાન્યુઆરી 1989માં મુંબઈમાં ત્રીસ વ્યક્તિઓને રેઇકીની પ્રથમ ડિગ્રીની તાલીમ આપી. એમાંથી 13 વ્યક્તિઓએ કાર્લ એવર્ડિંગ નામના જર્મન રેઇકી-નિષ્ણાત પાસેથી રેઇકીની બીજી ડિગ્રીની તાલીમ લીધી અને બે વર્ષના સઘન અભ્યાસ બાદ 1991ના જાન્યુઆરીમાં ભારતની બે વ્યક્તિઓ – મુંબઈના શ્યામલ દુર્વે અને અમદાવાદના પ્રવીણ ડી. પટેલ – ભારતના પ્રથમ રેઇકીનિષ્ણાત બન્યા.
પ્રવીણભાઈએ અમદાવાદમાં ‘રેઇકી શિક્ષા કેન્દ્ર’ની સ્થાપના કરી અને શ્યામલબહેને મુંબઈમાં ‘રેઇકી ઇન્ડિયા રિસર્ચ સેન્ટર’ શરૂ કર્યું. આ બંને વ્યક્તિઓ વડે રેઇકી તાલીમ પામેલ રેઇકી શિક્ષકોએ પોતપોતાનાં શહેરોમાં રેઇકી કેન્દ્રો સ્થાપેલાં છે.
સાચી રેઇકી વિદ્યા અન્ય વિદ્યાઓ તરફ જડ કે વિરોધી વલણ નથી ધરાવતી. રેઇકી તો એક વૈકલ્પિક ઉપચારપદ્ધતિ (an alternative healing method) છે. દેશના એકેએક કુટુંબમાં રેઇકી પ્રસાર કરવાનું ધ્યેય ધરાવતા પ્રવીણભાઈ ડી. પટેલના અમદાવાદ સ્થિત રેઇકી શિક્ષા કેન્દ્ર થકી તાલીમ પામેલા શિક્ષકો અને સાધકોએ ગુજરાતમાં જાન્યુઆરી 2001માં ભૂકંપગ્રસ્ત અને ત્રસ્ત થયેલી અનેક વ્યક્તિઓને રેઇકી આપી માનસિક રાહત આપી છે.
દિગંત અંતાણી