રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર) (જ. 5 સપ્ટેમ્બર 1861, લંડન; અ. 13 મે 1922, ઑક્સફર્ડ) : અંગ્રેજીના પ્રાધ્યાપક અને વિવેચક. સ્કૉટલૅન્ડના આ વિદ્વાન પોતાના સમયમાં ઑક્સફર્ડમાં ખૂબ જાણીતા એવા અંગ્રેજી સાહિત્યના વિવેચક હતા. લિવરપૂલ યુનિવર્સિટીના આધુનિક સાહિત્યના આસનાધિકારી (chair of modern literature) તરીકે 1889થી 1900 સુધી રહ્યા. ગ્લાસગો યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કર્યું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રથમ પ્રોફેસર તરીકે તેમની નિમણૂક 1904માં થયેલી. તેજસ્વી વ્યાખ્યાતા અને જોશીલા વાર્તાલાપી (conversationalist) તરીકે તેમની બોલબાલા હતી. ભારતમાં અલીગઢ કૉલેજમાં પણ તેમણે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરેલું. તેમણે વિવેચક તરીકે લખેલાં પુસ્તકોમાં ‘ધી ઇંગ્લિશ નૉવેલ ફ્રૉમ ધી અર્લિયેસ્ટ ટાઇમ્સ ટુ ધી એપિયરન્સ ઑવ્ વેવર્લી’ (1891); ‘રૉબર્ટ લુઇ સ્ટીવન્સન’ (1895); ‘સ્ટાઇલ’ (1897); ‘મિલ્ટન’ (1900); ‘વર્ડ્ઝવર્થ’ (1903); ‘શેક્સપિયર’ (1907, ‘ઇંગ્લિશ મેન ઑવ્ લેટર્સ’ ગ્રંથમાળા); ‘સિક્સ એસેઝ ઑન જૉન્સન’ (1910) નોંધપાત્ર છે. 1911માં તેમને ‘સર’ના ખિતાબ(નાઇટહુડ)થી નવાજવામાં આવેલા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમને રૉયલ ઍરફોર્સનો અધિકૃત ઇતિહાસ લખવાનું કામ સોંપાયેલું, પરંતુ પ્રથમ ગ્રંથ ‘ધ વૉર ઇન ધી એર’ પૂરો કર્યો ત્યાં જ તેમનું અવસાન થયું. તેમના પત્રોનું 1926માં મરણોત્તર સંપાદન થયેલું છે.
વિ. પ્ર. ત્રિવેદી