રૅલે, વૉલ્ટર

January, 2004

રૅલે, વૉલ્ટર (જ. 1554 ? હેઝબાર્ટન, ડેવનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 ઑક્ટોબર 1618, લંડન) : અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક. તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ સ્નાતક થતાં પહેલાં અભ્યાસ છોડીને ફ્રાન્સમાં ધાર્મિક વિરોધીઓની મદદ માટે સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી 1578માં પાછા ફર્યા અને 1580માં આયર્લૅન્ડમાં લશ્કરના કૅપ્ટન બન્યા. ત્યાં આઇરિશ બળવાખોરો વિરુદ્ધ કઠોરતાથી લડીને તેમણે ખ્યાતિ મેળવી. આયર્લૅન્ડમાં ઇંગ્લૅન્ડની સરકારની નીતિની જાહેરમાં ટીકા કરવાથી રાણી એલિઝાબેથનું તેમના પ્રત્યે ધ્યાન દોરાયું.

વૉલ્ટર રૅલે

1582માં તેઓ રાણીના માનીતા બની ગયા. રાણીએ તેમને આયર્લૅન્ડમાં 4,860 હેક્ટરની જાગીર આપી તથા વેપાર કરવામાં વિશેષાધિકારો અને અમેરિકામાં વસાહત સ્થાપવાના અધિકાર આપ્યા. 1585માં રાણીએ તેમને ‘નાઇટ’ (knight) એટલે કે ‘સર’નો ઇલકાબ આપ્યો. રૅલેને નવા પ્રદેશો શોધવાનો ઘણો રસ હતો, તેથી તેમણે અમેરિકામાં કેટલાક પ્રવાસીઓ મોકલ્યા અને હાલના નૉર્થ કૅરોલિનામાં ઊતરીને ફ્લૉરિડાના કિનારાના પ્રદેશો શોધ્યા. રાણી એલિઝાબેથ ‘ધ વર્જિન ક્વીન’ તરીકે જાણીતી હોવાથી તે સમગ્ર પ્રદેશને ‘વર્જિનિયા’ નામ આપ્યું. 1587માં તેમણે 117 વસાહતીઓનો બીજો કાફલો ત્યાં મોકલ્યો. 1588માં સ્પૅનિશ આર્મેડા પર વિજય મળ્યો જેમાં તેમણે પણ ભાગ લીધો હતો. તેમની આગેવાની હેઠળ સ્પેનના પ્રદેશો પર હુમલા કરીને લૂંટ કરવામાં આવી હતી. 1590 પછીના દાયકામાં તેમની સત્તા અને તેમનો પ્રભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યાં હતાં. આયર્લૅન્ડમાં તમાકુનો ઉપયોગ તથા બટાટાના છોડ દાખલ કરવામાં તેમણે ઘણી મદદ કરી હતી. રૅલેએ લગ્ન કર્યા બાદ રાણી એલિઝાબેથના અણમાનીતા થઈ ગયા. પોતાનું ગુમાવેલું સ્થાન અને નાણાં પુન:પ્રાપ્ત કરવા વાસ્તે તેમણે દક્ષિણ અમેરિકામાં ગિયાના તરફ સોનાની ભૂમિ તરીકે જાણીતા અલ ડોરાડોની શોધ માટેના પ્રવાસની આગેવાની લીધી. તેમાં સફળતા મળી નહિ; પરંતુ તેમણે સોનાની કેટલીક ખાણો શોધી. ત્યાં વસાહત સ્થાપવાની તેમની યોજનાને સમર્થન પ્રાપ્ત થયું નહિ. ઈ. સ. 1596માં તેમણે ‘ધ ડિસ્કવરી ઑવ્ ગિયાના’ નામનો ગ્રંથ લખ્યો. તેમાં તેમના સાહસિક પ્રવાસનું વર્ણન છે. ઈ. સ. 1603માં રાણી એલિઝાબેથનું અવસાન થયું અને નવા રાજા જેમ્સ પહેલાને તેમનામાં અવિશ્વાસ હતો. રૅલેના દુશ્મનોએ, 1603માં રાજાને પદભ્રષ્ટ કરવાના કાવતરાનો તેમના પર આરોપ મૂક્યો. તેમને ગુનેગાર ઠરાવીને ટાવર ઑવ્ લંડનમાં કેદી તરીકે પૂરવામાં આવ્યા. ત્યાં તેઓ તેમના કુટુંબ અને નોકરો સાથે 12 વર્ષ સગવડથી રહ્યા અને ‘હિસ્ટરી ઑવ્ ધ વર્લ્ડ’ ગ્રંથ લખ્યો. દક્ષિણ અમેરિકામાં સોનાની શોધ માટે 1616માં જતા પ્રવાસીઓની આગેવાની લેવા તેમને મુક્ત કરવામાં આવ્યા. રાજાએ સ્પેનના કબજા હેઠળના પ્રદેશો પર હુમલો ન કરવાનો તેમને હુકમ કર્યો હોવા છતાં તેમના માણસોએ હુમલો કર્યો. તેમાં રૅલેનો પુત્ર માર્યો ગયો અને તેમની યોજના અધૂરી મૂકવી પડી.

તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા ત્યારે, રાજાના હુકમનો ભંગ કરવા બદલ તેમને મોતની સજા ફરમાવવામાં આવી. તદનુસાર રૅલે બહાદુરીપૂર્વક મોતને ભેટ્યા.

જયકુમાર ર. શુક્લ