રૅબેલે, ફ્રાન્સવા (જ. આશરે 1483, પોઇતુ, ફ્રાન્સ; અ. 9 એપ્રિલ 1553, તુરેન, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યકાર, દાક્તર અને માનવતાવાદી ચિંતક. તખલ્લુસ ઍલ્કોફ્રિબાસ નેસિયર. પિતા આંત્વાં ધનિક જમીનદાર અને વકીલ. કાયદાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યા બાદ ધાર્મિક સંસ્થાઓ લા બૉમેત અને પુ-સૅત-માર્તિન કૉન્વેન્ત એત ફોન્ત-ને-લે કોંતમાં અભ્યાસ. નામદાર પોપે તેમની નિમણૂક બેનિદિક્તાઇન મઠમાં કરી. તેમનાં તમામ ગ્રીક પુસ્તકો જપ્ત કરવામાં આવ્યાં. આ ઘટનાએ તેમના મનને ભારે આઘાત પહોંચાડ્યો. દાક્તર તરીકે પણ તેમણે લાયકાત પ્રાપ્ત કરી અને લિયોનમાં રોગીઓની સારવાર કરી. લૅટિન ભાષામાં દાક્તરી વિદ્યા વિશે લેખનકાર્ય કર્યું. હિપૉક્રેટીસ અને ગેલનના મૂળ ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તેમણે ઔષધશાસ્ત્ર વિષયનું અધ્યાપન કર્યું.

સોળમી સદીના ફ્રાન્સના લોકસમાજનું દર્શન તેમના પાંચ ભાગમાં લખાયેલ ‘પૅન્તાગ્રુયેલ’ અને ‘ગાર્ગેન્તુઆ’ (1532–64) નામના ગ્રંથોમાં છે. આ બંને મોટા કુટુંબની કટાક્ષકથાઓ છે. અહીં લેખક ધર્માધ્યક્ષોની ઠેકડી ઉડાડીને માનવધર્મની પ્રતિષ્ઠા કરે છે. એટલું જ નહિ, પરંતુ પ્રબુદ્ધકાળના ફ્રાન્સને પજવતા નૈતિક અને બૌદ્ધિક પ્રશ્ર્નોની પણ ચર્ચા કરે છે. અહીં કટાક્ષમય ટિપ્પણીઓ અને વક્રોક્તિઓ ભારોભાર હોવા છતાં તે માત્ર રમૂજી વાતોનો ખજાનો નથી. તેમાં લેખકે અનેક કાયદાકીય કેસો અંગેની અનપેક્ષિત ઘટનાઓ અને ચર્ચાઓ દ્વારા ‘વિદ્વાનો’ની ઠેકડી ઉડાવી છે. પૅન્તાગ્રુયેલમાં ડિપ્સોદ્ઝ અને એમૉરોત્સ વચ્ચેના યુદ્ધની અદભુત ઘટનાઓનાં વર્ણન છે. ગાર્ગેન્તુઆમાં ટૉમસ મૂરના યૂટોપિયા જેવા એક આદર્શ પ્રદેશનું વર્ણન છે. ‘ધ ટીયર્સ લિવરે’ (1546) (અં. થર્ડ બુક) અને ‘ધ ક્વાર્ત લિવરે’ (1552) (અં. ફૉર્થ બુક) નોંધપાત્ર છે. પ્રથમ કૃતિમાં પાનુર્ગ પોતાનું જીવનકાર્ય અને પોતાની મહેચ્છા અંગેની ચર્ચાઓ કરે છે. લેખક કેલ્વિનના પૂર્વ-નિર્ધારિત ભાગ્યના સિદ્ધાંતમાં માનતા નથી. જીવનમાં બધું વિપરીત હોય ત્યારે માનવીની મહેચ્છા પૂર્ણ કરવા માટે પ્રબળ ઇચ્છાશક્તિ નિર્ધારિત લક્ષ્ય ઉપર તેને પહોંચાડી શકે તેવો તેમનો મત આ પાત્ર દ્વારા વ્યક્ત થયો છે. ‘ધ ક્વાર્ત લિવરે’માં દાઇવ બોતેલાઇતની મુસાફરીનું વર્ણન છે. અહીં વિપરીત બાબતો અંગે કટાક્ષ કે તિરસ્કારના ભાવ દ્વારા આનંદ પ્રગટ થયો છે.

કાઉન્સિલ ઑવ્ ટ્રેન્ટ તરફથી ફ્રાન્સવાની કૃતિઓને ‘ઇન્ડેક્સ ઑવ્ ફર્બિડન બુક્સ’માં દાખલ કરી દેવાઈ હતી. આથી જ્યારે પણ તેમની કૃતિઓ ફ્રાન્સ બહાર લાંબો સમય સુધી છપાતી – પ્રગટ થતી રહી ત્યારે તે પ્રૉટેસ્ટન્ટ સંદર્ભમાં જ મુલવાતી રહી. વોલ્તેર, બાલ્ઝાક તથા શૅતોંબ્રિયાંદ જેવા ફ્રેન્ચ લેખકો પર જ નહિ, પણ સ્ટર્ન, સ્વિફ્ટ, ટ્રૉલપ અને કિંગ્ઝલી જેવી વિવિધ પ્રકૃતિ-પ્રતિભા ધરાવતા સર્જકો પર પણ તેમનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. ફ્રાન્સમાં જીવનનો બદલાતો સૂર અને વૈચારિક પરિવર્તન પ્રતિબિંબિત કરનાર ફ્રાન્સવાને રેનેસાંસ યુગના પ્રતિનિધિ સાહિત્યકાર તરીકે આલેખવામાં આવે છે.

પંકજ જ. સોની