રૅન્સમ, જૉન ક્રો (જ.  પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી વૉન્ડરબિલ્ટમાં તેમણે ‘ફ્યુજિટિવ’  મહત્ત્વનું સામયિક શરૂ કર્યું હતું. સદીના ત્રીજા દાયકામાં એ સામયિક દ્વારા અમેરિકન સાંસ્કૃતિક પરંપરામાં દક્ષિણ પ્રાંતોની વિચારણા(the idea of the south)નો ખ્યાલ વિકસાવ્યો. તે પછી કેન્યન કૉલેજમાં ‘કેન્યન રિવ્યૂ’નું 1939થી 1959 સુધી સંપાદન કર્યું. આ સામયિક નવી વિવેચનપદ્ધતિના આંદોલનનું મહત્વનું મુખપત્ર બન્યું. આમાં તેમને તેમના શિષ્ય પછી વિવેચક એલન  તેમજ અન્ય વિવેચકો રૉબર્ટ પૅન વૉરેન અને ક્લિન્થ બ્રુક્સનો સબળ સહકાર મળ્યો હતો. તે બધાએ આઈ. એ. રિચર્ડ્ઝ, ટી. એસ. એલિયટ અને એઝરા પાઉન્ડની પરંપરાને આગળ વધારી અત્યંત પ્રભાવક નવ્યવિવેચન-પદ્ધતિ (New Criticism) સ્થાપિત કરી, રૅન્સમને જ એના અગ્રણી તરીકે સ્વીકાર્યા. રૅન્સમ વિવેચનક્ષેત્રે વસ્તુતત્વમીમાંસાલક્ષી (Ontological) અભિગમ ધરાવે છે. તેમને સામાન્ય  રૂપવાદી (formalist) વિવેચક ગણાવવામાં આવે છે. તેમની વિવેચનાને કાવ્યના વસ્તુ કરતાં તેનાં સ્વરૂપ અને શૈલી પર વધુ ભાર મૂકતી વિવેચન-પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તેઓ વસ્તુતત્વમીમાંસક પણ છે અને તેવી પદ્ધતિ સ્થાપિત કરી છે; જેમાં તે કાવ્ય સમગ્રની હસ્તી સાથે કામ પાડે છે; અર્થ (meaning) અને સ્વરૂપ – બંનેના સંમિશ્રણથી ઊભી થતી એક કાવ્યાત્મક ક્ષણ સાથે તેઓ કામ પાડે છે. રૅન્સમે તેથી માત્ર પ્રભાવમૂલક અને વિદ્વત્તા પર આધારિત અન્ય વિવેચન-પદ્ધતિઓને નકારી હતી. સીધા કૃતિ પાસે જઈ તેનું જ મૂલ્યાંકન કરવું, તે તેમના મતે સાહિત્યિક વિવેચનનું કર્તવ્ય છે.

રૅન્સમના બે કાવ્યસંગ્રહો ‘ચિલ્સ ઍન્ડ ફીવર’ (1924) અને ‘ટુ જેન્ટલમૅન ઇન બૉન્ડ્ઝ’ (1927) છે. તેમના વિવેચન-સિદ્ધાંતોનાં પુસ્તકોમાં છે ‘ગૉડ વિધાઉટ થન્ડર’ (1930), ‘ધ વલ્ડર્ઝ બૉડી’ (1939) અને ‘ધ ન્યૂ ક્રિટિસિઝમ’ (1941). વિવેચક એલન ટેટે તેમના વિશેના ‘હોમેજ ટુ જૉન ક્રો રૅન્સમ’ પુસ્તકનું સંપાદન કર્યું છે. રૅન્સમની વિવેચન-પદ્ધતિ વિશેનાં પુસ્તકો, સર્જનાત્મક નિબંધો કે ચિંતનાત્મક નિબંધો કરતાં પાંડિત્યના વધારે પડતા ભારથી લદાયેલાં બન્યાં છે. શિકાગો સ્કૂલ ઑવ્ ક્રિટિસિઝમના મુખ્ય પુરસ્કર્તા આર. એસ. ક્રૅને રિચર્ડ્ઝ ને પછી રૅન્સમ વગેરેની વિવેચન-પદ્ધતિની અને કાવ્યમૂલ્યાંકન-પદ્ધતિની ‘તે એકલક્ષિતા ધરાવતી, માત્ર કૃતિનિષ્ઠ પદ્ધતિ છે.’ એમ કહી ટીકા કરી હતી. એની સામે પછી તેમણે બહુલક્ષી (pluralistic) પદ્ધતિ સ્થાપી, જેમાં નવ્ય ઍરિસ્ટૉટલવાદીઓની જેમ ઐતિહાસિક, જીવનચરિત્રાત્મક વગેરે બાબતોને વિવેચનમાં મહત્વનું સ્થાન  આવ્યું.

અનિલા દલાલ