રૅન્ક, જોસેફ આર્થર રૅન્ક બૅરન (જ. 1888, હલ, ઇંગ્લૅન્ડ; અ. 1972) : બ્રિટનના ચલચિત્ર-જગતના એક પ્રભાવશાળી અગ્રેસર. શરૂઆતમાં તેઓ પિતાની આટા મિલના ધીકતા ધંધામાં જોડાયા. ત્યાં કામ કરવાની  સાથોસાથ તેઓ દર રવિવારની મેથડિસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવા જતા. એ કામગીરી દરમિયાન તેમને એવી પ્રતીતિ થઈ કે ગૉસ્પેલના સંદેશાનો વ્યાપક અને સચોટ પ્રસાર કરવા માટે ફિલ્મ એક આદર્શ માધ્યમ છે.

વળી તેઓ એક સંનિષ્ઠ દેશભક્ત હતા. હૉલિવુડના ફિલ્મ-જગત તરફથી બ્રિટિશ ફિલ્મ-ઉદ્યોગ તરફ શોષણખોરીવાળો અભિગમ અપનાવાતો  તેમજ સમગ્ર ફિલ્મ-ઉદ્યોગમાં તે એકચક્રી ઇજારદાર બની રહેવા માંગતું હતું. એ બધી હકીકતથી તેમની રાષ્ટ્રભાવના ઘવાઈ હતી. આવાં બધાં પરિબળોને પરિણામે તેઓ બ્રિટિશ ફિલ્મ-ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે સક્રિય બન્યા અને એ પડકારને પહોંચી વળવા સફળ પુરુષાર્થ આદર્યો.

જોસેફ આર્થર રૅન્ક બૅરન

અનેક ફિલ્મ કંપનીઓમાં તેમણે ચેરમૅન તરીકેની જવાબદારી ઉપાડી.  ચિત્રનિર્માણ ઉપરાંત તેના વિતરણ અને પ્રદર્શન જેવી તમામ આનુષંગિક ક્ષેત્રીય પ્રવૃત્તિઓમાં પણ તેમણે આગેવાની લઈ સક્રિયતા દાખવી હતી. એ માટે તેમણે 1946માં રૅન્ક ઑર્ગનિઝેશન નામની સુયોજિત કંપની પણ સ્થાપી. આમ તેમણે બ્રિટિશ ફિલ્મ-જગતની સર્વાંગીણ અને ચિરસ્થાયી સેવા બજાવી.

1957માં રૅન્કને આજીવન ‘પિયર’ તરીકેનું સન્માન અપાયું હતું.

મહેશ ચોકસી