રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી.

જેનેટ રૅન્કિન

અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને કૅલિફૉર્નિયા ખાતે પાંચ વર્ષ સુધી મહિલા-મતાધિકારની સક્રિય લડત તેમણે ચાલુ રાખી. ‘નૅશનલ અમેરિકન વુમન સફરેજ એસોસિયેશન’નાં ધારાકીય મંત્રી તરીકે તેમની વરણી કરવામાં આવી. 1916માં તેઓ અમેરિકાની કૉંગ્રેસના નીચલા ગૃહ–પ્રતિનિધિસભા–નાં સભ્ય ચૂંટાયાં અને તેમાં 1917થી 1919ના ગાળા દરમિયાન કામગીરી બજાવી. કૉંગ્રેસમાં સાંસદ બનનાર તેઓ પ્રથમ અમેરિકન મહિલા હતાં. એ સમયે પરિણીત મહિલાઓને પતિથી સ્વતંત્ર રીતે નાગરિકત્વ પ્રાપ્ત નહોતું, એથી તેમણે આ અંગેનો પ્રથમ ખરડો ગૃહમાં દાખલ કર્યો. વળી માતૃત્વ અને શિશુઓ માટે સરકાર દ્વારા સમર્થિત આરોગ્યપોષક માહિતીની યાદી તૈયાર કરી.

યુદ્ધો બંધ થવાં જ જોઈએ અને થઈ શકે તેમ છે તેવા પરમ શાંતિવાદી વિચારોનાં પુરસ્કર્તા હોવાથી પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન 1917માં અમેરિકાએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે તેમણે એ નિર્ણયનો સાંસદ તરીકે ભારે વિરોધ કર્યો. અમેરિકાની કૉંગ્રેસમાં તે સમયે આવું જ મંતવ્ય ધરાવનાર અન્ય 48 સભ્યો હતાં. આ બિનલોકપ્રિય મંતવ્ય ધરાવવા બદલ તેમને પરોક્ષ શિક્ષા ખમવી પડી અને રિપબ્લિકન પક્ષ સાથેનો નાતો તૂટ્યો. એવી જ રીતે બીજું વિશ્વયુદ્ધ (1939–45) ભારે તબાહી મચાવી રહ્યું હતું ત્યારે 1941માં તેમણે યુદ્ધવિરોધી આંદોલન ચલાવ્યું. આ વખતે તેમને એકંદરે વ્યાપક સમર્થન સાંપડ્યું. પર્લ હાર્બર પર જાપાને કરેલા હુમલા(7 ડિસેમ્બર 1941)થી અમેરિકાએ જાપાન સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે સરકારના આ નિર્ણયનો વિરોધ કરનાર તેઓ એકમાત્ર સાંસદ હતાં. આ અંગે  મતદાન બાદ તેમણે પોતે જ પોતાની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું. વિયેટનામમાં અમેરિકાના હસ્તક્ષેપનો પ્રારંભથી જ તેમણે વિરોધ કર્યો હતો. 15 જાન્યુઆરી 1968માં ‘જેનેટ રૅન્કિન’ બ્રિગેડની રચના કરી. નાનકડી પૌત્રીની આંગળી પકડી, ટેકો લઈ 87મા વર્ષે 5,000 મહિલાઓનું સરઘસ કાઢી તેનું નેતૃત્વ કર્યું. અમેરિકામાં વિયેટનામ યુદ્ધ (1957–75) વિરુદ્ધ પ્રચંડ પ્રજામત ઊભો કરવામાં તેમનું ભારે યોગદાન હતું. આ પ્રયાસોને લીધે આખરે સરકારને વિયેટનામ અંગેની નીતિ બદલવાની ફરજ પડી હતી. જીવનના અંત સુધી યુદ્ધની નિરર્થકતાને ધ્યેય બનાવી તેઓ કાર્ય કરતાં રહ્યાં.

રિપબ્લિકન પક્ષ સાથેનો નાતો તૂટ્યા પછી તેઓ ચૂંટણી લડ્યાં અને એમાં પરાજય વહોર્યો. ત્યારપછી રિપબ્લિકનોની બહુમતી ધરાવતી સેનેટમાં તેમને સ્થાન મળ્યું. તેમના શાંતિના પ્રયાસો જારી રહ્યા અને સહપ્રતિનિધિઓને મળી સતત શાંતિપ્રયાસોનું સમર્થન કરવા તેમને સમજાવતાં રહ્યાં. મહિલા-ઉત્કર્ષની આ પ્રવૃત્તિઓની સાથોસાથ તેઓ શાંતિવાદી પ્રયાસો લોકમાનસમાં ઉતારવા પ્રયત્નશીલ હતાં.

1941માં ફરીવાર તેઓ પ્રતિનિધિસભાનાં સભ્ય તરીકે ચૂંટાયાં. બીજા વિશ્વયુદ્ધને અંતે ચૂંટણી અને રાજકીય જીવનના અન્ય પ્રયાસો છોડી સામાજિક સુધારાનાં વિવિધ પાસાં પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયું. આ અંગેની જાગૃતિ કેળવવા તેમણે વ્યાખ્યાનો આપ્યાં. 1960 સુધી તેમના આ મહિલાવાદી પ્રયાસો અત્યંત જોરદાર હતા. જ્યૉર્જિયા રાજ્યમાં તેમણે મહિલા-સ્વાવલંબન માટે સહકારી આવાસોની સ્થાપના કરી. જીવનની ઉત્તરાવસ્થામાં પણ શાંતિવાદની તેમની આસ્થા ડગી નહોતી.

હન્નાર જોસેફ દ્વારા તેમનું જીવનચરિત્ર 1974માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

રક્ષા મ. વ્યાસ