રૅક અને પિનિયન (Rack and Penion) : જેની એક બાજુ ઉપર દાંતા હોય તેવો એક સમકોણીય સળિયો (રૅક) અને તેની સાથે બેસાડેલ નાનું ગિયર (પિનિયન) ધરાવતું યાંત્રિક સાધન.
પિનિયન ઉપર સીધા અથવા આવર્ત (Helical) દાંતા હોય છે.
આ પિનિયન રૅકની જોડે તેની ઉપરના દાંતાની જોડે બેસે છે. રૅક ઉપરના દાંતા ઢાળવાળા હોય છે અને આ ઢોળાવ પિનિયનના શાફ્ટની અક્ષની સાપેક્ષમાં હોય છે.
જો પિનિયન આબદ્ધ (fixed) અક્ષની આજુબાજુ પરિભ્રમણ કરે તો રૅક સીધી રેખામાં ગતિ કરે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ A–Bની દિશામાં). આ પ્રકારે કાર્ય કરતાં રૅક અને પિનિયન કેટલીક મોટરોના સારથન યાંત્રિકત્વ(steering mechanisms)માં વપરાય છે. જો રૅક આબદ્ધ (fixed) હોય અને પિનિયન ટેબલની જોડે જોડાયેલું હોય અને ટેબલની ગતિ ચોક્કસ માર્ગ ઉપર રૅકની સમાંતર થતી હોય તો, પિનિયનનું આવર્તન, ટેબલને રૅકની સમાંતર ગતિ કરે છે. આ ગતિ આકૃતિમાં CD વડે દર્શાવી છે. મશીનટૂલ્સમાં ઉપરના પ્રકારનું રૅક અને પિનિયન યાંત્રિકત્વ વપરાય છે. તેમાં પિનિયન હાથની મદદથી કે ક્રૅંકલીવરથી ફેરવવામાં આવે છે. રૅક આબદ્ધ હોવાને લીધે પિનિયનને રૈખિક ચાલ મળે છે અને છેવટે મશીનના ટેબલને ચાલ મળે છે. યંત્રોમાં ચાલ મેળવવા માટેની અનેક રીતોમાં રૅક અને પિનિયનની રીત એક મહત્વની રીત છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ