રૂસો (જ. 28 જૂન 1712, જિનીવા [સ્વિટ્ઝર્લૅન્ડ]; અ. 2 જુલાઈ 1778) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ તત્વજ્ઞ.

રૂસો

જ્ઞાનપ્રકાશ યુગ : An age of Enlightenment. અઢારમી સદીમાં ફ્રાન્સમાં (1) દિદેરો (2) કૉનડિલેક અને (3) હૉલબૅક વગેરે વિદ્વાનોએ એક નવો અભિગમ રજૂ કર્યો, અને તેમાં જડ ધાર્મિક સંસ્થાઓ અને તેમના જ્ઞાનના દાવાઓને પડકારવામાં આવ્યા. ન્યૂટન અને જૉન લૉકથી પ્રભાવિત થયેલા વૉલ્તેરે (ઈ. સ. 1694–1778) ઇંગ્લૅન્ડના જ્ઞાનપ્રકાશ યુગનો ફ્રાન્સમાં પરિચય કરાવ્યો. ફ્રાન્સમાં દિદેરો આદિ તેજસ્વી વિદ્વાનોની મંડળીએ એક નવો વિશ્વજ્ઞાનકોશ (Encyclopaedia) તૈયાર કર્યો. ફ્રેન્ચ જ્ઞાનપ્રકાશ યુગનો અભિગમ સામાન્ય રીતે સંવેદનવાદી, ભૌતિકવાદી અને નિરીશ્વરવાદી હતો. પરંતુ ફ્રાન્સના જ્ઞાનપ્રકાશ યુગના વિદ્વાનોના સમકાલીન એવા જે. જે. રૂસો(1712–1778)નો અભિગમ જ્ઞાનપ્રકાશ યુગના વિદ્વાનોના અભિગમથી તદ્દન વિરોધી હતો.

રૂસો યુરોપીય પ્રબોધન યુગ કે જ્ઞાનપ્રકાશ યુગ(Age of Enlightenment)ના ચિંતક હતા. આ પ્રબોધન યુગમાં વિચારોમાં ડૅવિડ હ્યૂમ અને ઍડમ સ્મિથ (સ્કૉટિશ ચિંતકો), કાન્ટ (જર્મન ચિંતક) અને દિદેરો, મૉન્તેસ્ક્યૂ, વૉલ્તેર, કૉન્ટિલૅક, હૉલબૅક વગેરે ફ્રેન્ચ ચિંતકોનું મહત્વનું પ્રદાન રહ્યું છે. કાન્ટની દૃષ્ટિએ પ્રબોધન કે જ્ઞાનપ્રકાશ એટલે સ્વેચ્છાએ વ્યક્તિએ પોતાના ઉપર લાદેલી પરાધીનતા કે અપુખ્તતામાંથી વ્યક્તિનો છુટકારો. કાન્ટ પ્રમાણે જ્ઞાનપ્રકાશ યુગનું સૂત્ર છે : ‘‘તમારી તર્કબુદ્ધિનો ઉપયોગ કરવાની હિંમત કેળવો.’’ મનુષ્યનું, જગતનું કે સમાજનું વસ્તુલક્ષી સર્વદેશીય જ્ઞાન મનુષ્ય પોતાની સ્વાયત્ત તર્કબુદ્ધિને પ્રયોજીને પ્રાપ્ત કરી શકે છે તે યુરોપીય જ્ઞાનપ્રકાશ યુગ(1800–1870)ની મહત્વની રજૂઆત હતી. ઈશ્વરની સાબિતી પણ તર્કબુદ્ધિથી થઈ શકતી હોય તો જ સ્વીકાર્ય બને તેવું તે યુગના ચિંતકો માનતા. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપમાં જે વૈજ્ઞાનિક ક્રાન્તિ થઈ તેના પ્રભાવ હેઠળ મનુષ્યની તર્કબુદ્ધિની સિદ્ધિઓમાં ચિંતકોને વિશ્વાસ બેઠો. દિવ્યવાણી, ચમત્કાર, શાસ્ત્રપ્રમાણ વગેરેને સ્થાને ચિંતનમાં તર્કબુદ્ધિ(reason)ની, સ્વાયત્તતાની પ્રતિષ્ઠા વધી. વ્યક્તિની સ્વાયત્તતાને પોષનારી નાગરિક, સામાજિક અને રાજકીય સંસ્થાઓનું મહત્વ તેથી વધ્યું. મનુષ્યની પ્રગતિ તેનાથી થઈ શકશે તેવું સર્વત્ર સ્વીકારવામાં આવ્યું. રૂસોએ આ યુગની આ મુખ્ય સ્થાપનાઓથી વિરુદ્ધની રજૂઆતો કરી છે તે નોંધવું જોઈએ. તેમ છતાં રૂસોએ જ્ઞાનપ્રકાશ યુગના સર્વસામાન્ય અભિગમને સ્વીકારીને વ્યક્તિની સ્વાયત્તતાનો સ્વીકાર કર્યો હતો. જોકે રૂસોએ લાગણીને (અનુભૂતિને) મનુષ્યના સ્વરૂપના સર્વોપરી ઘટક તરીકે સ્વીકારી તેથી તર્કબુદ્ધિના સર્વવ્યાપી મહત્વને સ્વીકારનાર પ્રબોધન યુગના અન્ય ચિંતકોથી રૂસો જુદા પડ્યા તે સ્પષ્ટ છે. રૂસોએ એકાંગી તર્કબુદ્ધિવાદનો વિરોધ કર્યો, પણ મનુષ્યોની સ્વાયત્તતા અને તેમના નૈતિક સામર્થ્યનો અને તેમના નૈતિક કર્તા તરીકેના ગૌરવનો સ્વીકાર કર્યો અને તેમ કરવામાં તેઓ પ્રબોધન યુગના પક્ષકાર રહ્યા.

રૂસો લગભગ 66 વર્ષ જીવ્યા. તેમનું મૂળ વતન ફ્રાન્સ હતું. તે શરૂઆતમાં પોતાના ધાર્મિક વિચારોની બાબતમાં દૃઢ ન હતા. ક્યારેક તે કૅથલિક ધર્મ સ્વીકારતા, તો ક્યારેક પ્રોટેસ્ટન્ટ ધર્મ. ઈ. સ. 1749માં એક વાર જ્યારે તે પૅરિસમાં દિદેરોને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાં એકૅડેમી ઑવ્ ડી જનની નિબંધ હરીફાઈના સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચીને રૂસોએ આ નિબંધ હરીફાઈમાં ભાગ લેવાનો નિશ્ર્ચય કર્યો. તેમાં રજૂ થયેલી પોતાની શ્રેષ્ઠ કૃતિને કારણે તેમને પ્રથમ ઇનામ મળ્યું.

રૂસોના મત પ્રમાણે આપણે સંસ્કૃતિની જટિલતાઓને છોડીને ફરી પાછા કુદરત તરફ વળીએ. ‘Back to Nature’; જીવનને એકદમ સાદું અને સરળ બનાવીએ અને તુચ્છ બાબતોની ચિંતા છોડી દઈએ. માનવસંસ્કૃતિના વિકાસ દ્વારા માનવે જાતે વિકાસ સાધેલો છે એમ દર્શાવવા માટે આપવામાં આવતી સાબિતીઓ કેવળ ઉપલક દૃષ્ટિએ જ આકર્ષક જણાય છે.

જ્ઞાનપ્રકાશ યુગના કે પ્રબોધન યુગના વિદ્વાનો વિજ્ઞાન અને સંસ્કૃતિ માટે ખૂબ જ અભિમાન સેવે છે, પરંતુ ખરી રીતે જોતાં આ વિદ્વાનો માને છે તેમ વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ દ્વારા એમ સિદ્ધ નથી થઈ જતું કે આપણે ભૂતકાળના લોકો કરતાં ઉચ્ચતર છીએ. જ્ઞાનયુગના વિદ્વાનોની માન્યતા ખરેખર તો બિનપાયાદાર પૂર્વગ્રહોનું એક વધુ ઉદાહરણ જ પૂરું પાડે છે. જો માનવકલ્યાણના સંદર્ભમાં આ માન્યતાની તપાસ કરવામાં આવે તો તરત જ એમ સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસથી માણસનું કલ્યાણ તો નથી જ થયું; પરંતુ તેથી ઊલટું, તેને કારણે પ્રચલિત ભ્રષ્ટાચારમાં ઉમેરો થયેલો છે. રૂસોના મતે વિજ્ઞાનનો ઉદભવ થયો એ પહેલાંના માણસો આજના માણસો કરતાં અનેકધા વધારે સારા હતા : (1) ‘વિજ્ઞાનો અને કલા અંગેની વિચારણા’ અને (2) ‘માણસોમાં પ્રવર્તતી અસમાનતાના ઉદભવ અને આધાર અંગેની વિચારણા’ – આ બે રૂસોએ શરૂઆતમાં લખેલા જાણીતા ગ્રંથો છે જેમાં તેમણે કરેલી દલીલોનો સાર આવી જાય છે. રૂસોના જમાનાના પ્રચલિત બુદ્ધિવાદી આદર્શ પ્રમાણે બૌદ્ધિક સંસ્કૃતિ, કલા અને વિજ્ઞાનનો વિકાસ બુદ્ધિને આધારે શક્ય બનતાં સંશોધનો વગેરેમાં સંસ્કૃતિનું હાર્દ સમાયેલું છે. સંસ્કૃતિના સ્વરૂપ અંગેની આ બુદ્ધિવાદી વિચારણા રૂસોને સ્વીકાર્ય નથી.

રૂસોએ સંવેદનવાદ, ભૌતિકવાદ, નિરીશ્વરવાદ અને સ્વહિતપરાયણ નૈતિકતા(morality of self-interest)નો વિરોધ કર્યો. નીતિશાસ્ત્રમાં અંતરાત્મા (conscience) અને ઈશ્વરમીમાંસામાં ઈશ્વર અંગેની શ્રદ્ધા અને અંગત પ્રતીતિને રૂસો મહત્વ આપે છે. તેના મતે સંસ્કૃતિ એટલે પ્રગતિ નથી. પ્રકૃતિ તરફ આપણે પાછા વળવું જોઈએ. માણસ સ્વભાવે સારો છે. નાગરિક સમાજ(civil society)નો ઉદભવ અને તેમાં રહેલી અ-સમાનતાનું મૂળ વ્યક્તિગત મૂડી કે ખાનગી મિલકતની પ્રથામાં રહેલું છે. સામાન્ય માણસના ખ્યાલના સંદર્ભમાં રૂસો લખે છે કે  ‘‘માનવજાતનું સર્જન સામાન્ય માણસના સમૂહને કારણે જ શક્ય બન્યું છે. જે વસ્તુઓ સાથે સામાન્ય લોકોને કાંઈ લેવા-દેવા નથી, તે વસ્તુઓ એકદમ તુચ્છ છે અને તેથી બિલકુલ ધ્યાનમાં લેવા જેવી નથી. જે માણસ આ અંગે ગંભીર રીતે વિચાર કરે છે તેને માટે તમામ પ્રકારના સામાજિક ભેદ અદૃશ્ય થઈ જાય છે.’’ રૂસો માને છે કે માણસ જન્મથી જ પૂર્ણ સ્વતંત્ર હોય તેમ જણાય છે; પરંતુ ચારેબાજુ જોઈએ તો તે સાંકળોમાં જકડાયેલો જોવા મળે છે. સ્વતંત્રતા સંબંધમાં તેનો મત છે કે નાગરિક રાજ્યમાં વ્યક્તિગત સ્વતંત્રતા રાજ્ય દ્વારા વ્યક્તિને આપવામાં આવેલો તે એક અધિકાર છે. રાજ્ય વિરુદ્ધ તેનો પ્રયોગ થઈ શકતો નથી. વ્યક્તિ અને રાજ્ય વચ્ચેના સંબંધની દૃષ્ટિએ જોઈએ તો રૂસોના મતે રાજ્યની બહાર વ્યક્તિનું કોઈ અસ્તિત્વ નથી. તેને સમાનતા, સ્વતંત્રતા તથા મિલકતના અધિકારો એક નાગરિકના રૂપમાં રાજ્ય તરફથી આપવામાં આવેલા છે, વ્યક્તિના રૂપમાં નહિ. તેની સ્વતંત્રતા એ નાગરિક સ્વતંત્રતા છે, તે કુદરતી સ્વતંત્રતા નથી.

રાજકીય તત્વજ્ઞાનના ક્ષેત્રે રૂસોનો ‘સામાજિક કરાર’નો સિદ્ધાંત જાણીતો છે. રૂસોના મત પ્રમાણે વ્યક્તિગત અને સામૂહિક રૂપે વ્યક્તિ કરાર કરે છે. જેવી રીતે કે अ, ब, क, ड વ્યક્તિગત રૂપે પોતાના અધિકારો अ + ब + क + डને સામૂહિક રૂપે આપી દે છે. આ રીતે ‘સામાન્ય ઇચ્છા’(general will)નો જન્મ થાય છે. રૂસો માને છે કે મનુષ્યમાં બે પ્રકારની ઇચ્છાઓ રહેલી હોય છે : (1) ભાવનાપ્રધાન ઇચ્છા (actual will) અને (2) સદ્ઇચ્છા-સંકલ્પ (real will). બંને પ્રકારની ઇચ્છાઓ વચ્ચેનો તફાવત એ છે કે ભાવનાપ્રધાન ઇચ્છા એટલે કે જ્યારે માણસ ભાવના(feeling)ને વશ થઈને કાર્ય કરે છે તે. આ ઇચ્છા વિવેકહીન, સ્વાર્થી, તુચ્છ, ક્ષણિક, અદૂરદર્શી, સંકુચિત અને સંઘર્ષયુક્ત હોય છે. વ્યક્તિનો સ્વાર્થ આ જ ઇચ્છા સુધી સીમિત રહે છે. જો વ્યક્તિ યોગ્યતાનું ધ્યાન રાખે તો તે સદ્ઇચ્છાનું અનુસરણ કરે છે એમ કહેવાય. માણસની સદ્ઇચ્છા એ જ તેની વાસ્તવિક ઇચ્છા છે. આ ઇચ્છા સ્થાયી, સુસંસ્કૃત અને વિવેકપૂર્ણ છે. સત્ સંકલ્પ વિશુદ્ધ, પવિત્ર અને કલ્યાણકારી હોય છે. તેના દ્વારા મનુષ્ય પોતાના સ્વાર્થનો વિચાર નહિ કરતાં સાર્વજનિક હિતનો વિચાર કરે છે. સત્સંકલ્પના સિદ્ધાંત પર જ સર્વસામાન્ય ઇચ્છાનો સિદ્ધાંત આધારિત છે. સર્વ-સામાન્ય સંકલ્પ (general will) મનુષ્યોના સત્સંકલ્પોનો સમૂહ માત્ર છે, અર્થાત્ સમાજમાં રહેનાર બધી વ્યક્તિઓ પોતાની સંકલ્પનાઓના સરવાળાને પરિણામે સર્વસામાન્ય સંકલ્પને જન્મ આપે છે. સર્વસામાન્ય સંકલ્પને સાર્વજનિક કલ્યાણની સંજ્ઞા આપી શકાય છે. રાજ્યની સ્થાપના માટે રૂસો આ પ્રકારના સર્વસામાન્ય સંકલ્પને આવશ્યક માને છે. સર્વસામાન્ય સંકલ્પ બધી વ્યક્તિઓની ઇચ્છાનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે. સર્વસામાન્ય સંકલ્પના નિર્ણયો આદર્શ હોય છે, જેનું પાલન બધી વ્યક્તિઓ કરે છે. સર્વસામાન્ય સંકલ્પ નિષ્પક્ષ, વિવેકયુક્ત, સુસંસ્કૃત, પવિત્ર, વિશુદ્ધ અને શાશ્વત હોય છે. તે નિરંકુશ તેમજ અમર્યાદિત હોય છે. તે અવિભાજ્ય, અદેય અને સ્થાયી છે. સર્વસામાન્ય સંકલ્પ કાયદો ઘડે છે. તેમાં વ્યક્તિને બળાત્કારે સ્વતંત્ર કરવાની શક્તિ છે. તે રાષ્ટ્રીય ચારિત્ર્યની એકતા ઘડે છે અને જાળવી રાખે છે. સર્વસામાન્ય સંકલ્પમાં પરસ્પર ઝઘડાને સ્થાન નથી; કારણ કે એ વિવેકપૂર્ણ (rational) સંકલ્પ છે. સર્વસામાન્ય સંકલ્પ કે જે સર્વસામાન્ય કલ્યાણ માટે છે તે કાયદાનું મૂળ છે. સર્વસામાન્ય સંકલ્પ સમાજના બધા સભ્યો દ્વારા રચાય છે. તે અનુસાર તે ન્યાયી પણ હોય છે. પ્રજાના હિતમાં જે વસ્તુ હોય તેની તરફેણમાં જ સામાન્ય સંકલ્પ હમેશાં હોય છે. પરંતુ સર્વસામાન્ય સંકલ્પ અને સર્વના સંકલ્પમાં તફાવત છે. સર્વસામાન્ય સંકલ્પ વ્યક્તિઓના સ્વાર્થરહિત સંકલ્પોનો સરવાળો છે. સર્વજનોના સંકલ્પ લોકોના અ-વિવેકશીલ સંકલ્પ છે. સર્વજનોના સંકલ્પમાં લોકકલ્યાણની ભાવના હોતી નથી. સર્વસામાન્ય સંકલ્પમાં સામાન્ય હિત કે શ્રેય(good)નો ખ્યાલ રહેલો હોય છે. જોકે રૂસોના આ ખ્યાલની પણ આલોચના થઈ છે, કારણ કે તેની રચનામાં અસ્પષ્ટતા છે. વળી તે અ-મનોવૈજ્ઞાનિક જણાય છે, કારણ કે ભાવનાપ્રધાન સંકલ્પ અને સત્સંકલ્પ એમ કડક વિભાજન કરી શકાતું નથી. સર્વસામાન્ય સંકલ્પ એ ખ્યાલ અમૂર્ત (abstract) અને સંકુચિત (narrow) જણાય છે. તેને વ્યાવહારિક રૂપ આપવું મોટા રાજ્યમાં મુશ્કેલ છે; વળી સર્વ સામાન્ય સંકલ્પ દ્વારા રાજ્યને સર્વોપરિ હસ્તી બનાવવામાં આવેલ છે. પરિણામે સર્વસત્તાધીશ જુલ્મશાહી સરકાર રચાવાનો ડર રહે છે. પ્રતિનિધિવાળી સરકારની અહીં તદ્દન અવગણના થઈ છે.

રૂસોના મત પ્રમાણે કુદરતી અવસ્થાના અમૂર્ત અને પ્રાથમિક સ્વાતંત્ર્યને સ્થાને નક્કર અને નૈતિક સ્વાતંત્ર્યને સ્થાપિત કરવું એ મુખ્ય પ્રશ્ન છે, અથવા તો કુદરતી સમાનતાને સ્થાને રાજકીય સમાનતાનો સ્વીકાર કરવો એ તેમની મુખ્ય સમસ્યા છે અને તેઓ એમ માને છે કે કરાર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. કરારને કારણે પ્રત્યેક માણસ પોતાના વ્યક્તિગત સંકલ્પ (will) સમષ્ટિગત સંકલ્પ (general will)ની અંદર વિલીન થઈ જવા દે છે. રૂસોના મતે કરાર કરવા પાછળનું મૂળ પ્રયોજન પોતાના સાચા અને શાશ્વત આત્મા(self)ને શોધવાનું છે. આમ રૂસોનો આ કરારવાદ બહુ મૂલ્યવાન બને છે. કુદરતી સ્થિતિનું વર્ણન રૂસોએ ન તો થૉમસ હોબ્ઝની જેમ અંધકારપૂર્ણ આપ્યું છે કે ન તો લૉકની જેમ આદર્શપૂર્ણ. તેના મતે કુદરતી સ્થિતિમાં મનુષ્ય સમાન, આત્મનિર્ભર તથા આત્મનિયંત્રિત હતો, અને એક આદર્શ સુખની પરિસ્થિતિમાં રહેતો હતો. તે એકાંત પ્રસન્નચિત્ત અને સુખી જીવન વિતાવતો હતો. તે ભાવનાપ્રધાન હતો, વિવેકશૂન્ય હતો. પરંતુ સમય જતાં પૃથ્વી પર સંપત્તિનું સર્જન થતાં અસમાનતા આવતી ગઈ અને તે એકબીજાનો દુશ્મન બની ગયો. આથી રાજ્યની આવશ્યકતા ઊભી થઈ.

રૂસોના મત પ્રમાણે વ્યક્તિ સામૂહિક રૂપમાં સાર્વભૌમત્વ ધરાવે છે. આમ તે પ્રજાકીય સાર્વભૌમત્વમાં વિશ્વાસ ધરાવે છે. વ્યક્તિ જ કાનૂની સાર્વભૌમત્વ ધરાવે છે. મનુષ્યોના સામાન્ય સંકલ્પમાં સાર્વભૌમ સત્તા રહેલી છે. તેની વિશેષતાઓ એકતા, અવિભાજ્યતા, અદેયતા, નિરંકુશતા, પૂર્ણતા વગેરે છે. સરકારનો આધાર સાર્વભૌમત્વ ધરાવતી વ્યક્તિઓ પર છે. (રૂસો સાર્વભૌમ રાજ્ય અને આશ્રિત રાજ્ય વચ્ચે ભેદ પાડે છે). રાજ્યના સ્વરૂપની બાબતમાં હોબ્ઝ સર્વસત્તાધીશ રાજાશાહી ધરાવતા રાજ્યની સ્થાપના કરવાની વાત કરે છે. જ્યારે જૉન લૉક બંધારણીય સરકારની સ્થાપના કરવાના હિમાયતી છે.

રૂસો વૉલ્ટેરની માફક ભૌતિકવાદ અને નાસ્તિકવાદ સામે યુદ્ધ ખેલે છે અને પ્રાકૃતિક ધર્મના સિદ્ધાંતોનો સ્વીકાર કરે છે, આ અર્થમાં તે સેશ્વરવાદી (theist) નહિ પણ દેવવાદી (deist) છે. તેના મતે ધર્મનું મૂળ લાગણીમાં રહેલું છે, ધર્મ મસ્તકનો નહિ પણ હૃદયનો વિષય છે, ભલે પછી તેનાં સત્યોનું નિદર્શન વિવેકબુદ્ધિ દ્વારા થતું હોય. આત્મા અ-ભૌતિક (immaterial) છે, સ્વતંત્ર છે અને અમર છે. આ જીવનમાં અનિષ્ટ કે અશુભ(evil)ની જીત થતી જણાય છે ત્યારે ભાવિ જીવનના અસ્તિત્વની અનિવાર્યતા સિદ્ધ થાય છે.

કેળવણીની મીમાંસાની વાત કરીએ તો રૂસો પ્રાકૃતિક કેળવણીને અનુમોદન આપે છે. તે બાળકની કુદરતી અને વિશુદ્ધ વૃત્તિઓના મુક્ત વિકાસની વાત કરે છે. જ્યાં સુધી જ્ઞાન માટેનો સંકલ્પ જાગ્રત ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના શિક્ષણની શરૂઆત કરવી ન જોઈએ. કેળવણી વિધાયક નહિ પણ મોટેભાગે નિષેધક હોવી ઘટે, અને તે નિષેધક એ અર્થમાં કે બાળકના વિકાસના માર્ગમાં આવતી પ્રતિકૂળ સ્થિતિઓને તે દૂર કરે અને તે કાર્ય ખૂબ કાળજી માગી લે તેવું છે. બાળકને તેના સામાજિક વાતાવરણથી અળગું કરીને તેનો પ્રાકૃતિક વિકાસ થાય તે રીતે તેને ખાનગી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે; તે સારા-નરસાનો ભેદ એ રીતે મુક્તપણે પારખે. તેના અલગ વ્યક્તિત્વનો અભ્યાસ થવો જોઈએ. રૂસોનાં કેળવણીવિષયક આ મંતવ્યોની આધુનિક શિક્ષણશાસ્ત્ર પર ગાઢ અસર પડી છે, ઉદા., બેઇઝડો, પેસ્તો લોઝી, અને ફોબેલ જેવા કેળવણી મીમાંસકોએ તો તેને પ્રાયોગિક કસોટી પર પણ ચડાવવાની હિમાયત કરી છે અને તેઓએ તેની સફળતા ઇચ્છી છે. રહસ્યવાદી અંગ્રેજ કવિ વડર્ઝવર્થ પર રૂસોનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. જર્મનીમાં પણ ખાસ કરીને કાન્ટ, હર્ડર, ગટે અને શિલર પર પણ રૂસોનો પ્રભાવ પડેલો જોવા મળે છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ