રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert)

January, 2004

રૂસેલ, આલ્બર્ટ (Roussel, Albert) (જ. 5 એપ્રિલ 1869, તૂરકોઈન, ફ્રાન્સ; અ. 23 ઑગસ્ટ 1937, રોયાં, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીત-નિયોજક. 18 વરસની ઉંમરે ફ્રેન્ચ નૌકાદળમાં જોડાયા અને અગ્નિ એશિયાની સંખ્યાબંધ યાત્રાઓ કરી, જેની અજનબી (exotic) છાપો તેમના સંગીત પર પણ પડી. 25 વરસની ઉંમરે નૌકાદળમાંથી નિવૃત્ત થઈ પૅરિસની ‘શોલા કેન્તોરમ’ નામની સંગીતસંસ્થામાં વિન્સંટ દીન્દીના શિષ્ય બન્યા. એરિક સતી (Erich Satie) અને એદગા વારીસ (Edgar Varese) તેમના સહાધ્યાયી હતા, જે બંને પણ ભવિષ્યમાં મહાન સંગીતકાર બન્યા. 1909–10માં અગ્નિ એશિયા અને ભારતની ફરી એક વાર યાત્રા કરી. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે રણમોરચે રેડ ક્રૉસમાં સેવા આપી. અહીં તેમની તબિયત કથળતાં 1918માં બ્રિટનમાં જઈ વસ્યા અને સમગ્ર જીવન સંગીત-નિયોજનને સમર્પણ કર્યું.

રૂસેલની પ્રારંભિક રચનાઓમાં દેબ્યુઝી (debussy) ઉપરાંત પૌરસ્ત્ય સંગીતનો પ્રભાવ જોવા મળે છે. તેમાં ‘લૅ પોએમે દ લા ફૉરે’ (1904થી 1906, The Poem of the Forest) નામની પહેલી સિમ્ફની, વાદ્યવૃંદ, ગાયકવૃંદ અને બે એકલકંઠ માટેનાં 3 ‘ઍવોકેશન્સ’ (1912), બેલે ‘પદ્માવતી’ (રચના : 1914–18, રંગમંચન : 1923), એકાંકી ઑપેરા ‘લ નેઈસાં દ લા લાયર’ (1925, The Birth of the Lyre), બેલે ‘લ ફેસ્તી દ લા રાઈની’ (1912, The Spider’s Feast) અને બેલે ‘બાકુસ એ એરિયાં’(1931)નો સમાવેશ થાય છે.

1927 પછી રૂસેલ નવપ્રશિષ્ટતાવાદ (neo-classicism) તરફ ઢળ્યા. એની અંતર્ગત તેમની કૃતિઓમાં વાદ્યવૃંદ માટે ‘સ્વીટ ઇન એફ’ (1927), તંતુવાદ્યોના વૃંદ માટે ‘સિન્ફોનિયેટા ફૉર સ્ટ્રિન્ઝ’ (1934), અન્ય ત્રણ સિમ્ફનીઓ તથા વાદ્યવૃંદ માટેનો સ્વીટ ‘ફૉર એ ફેસ્ટિવલ ઑવ્ સ્પ્રિંગ’(1921)નો સમાવેશ થાય છે. તેમણે એકલા પિયાનો માટે થોડા ટુકડા, ગીતો અને ચેમ્બર ઑર્કેસ્ટ્રા માટે પણ થોડું સ્વરનિયોજન કર્યું. આ બધી કૃતિઓ ફ્રેન્ચ પ્રભાવવાદમાંથી મુક્ત થઈને આધુનિક ફ્રેન્ચ સંગીતના વિકાસનો નવો ચીલો પાડનારી બની.

અમિતાભ મડિયા