રૂબિક, એર્નો (જ. 1944, બુડાપેસ્ટ) : હંગેરીના જાણીતા સ્થપતિ અને વિખ્યાત રૂબિક્સ ક્યૂબના સર્જક. તેમણે બુડાપેસ્ટની ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્કૂલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1974માં તેમને બહુરંગી ‘પઝલ ક્યૂબ’ની કલ્પના ઊગી. આ ક્યૂબમાં બીજા 9 ક્યૂબો હોય અને દરેક ક્યૂબ ચાવી રૂપે કેન્દ્રમાં રહેતું હોય, તેનાં અગણિત સ્વરૂપો–જૂથો રચી શકાય; પરંતુ છએ છ બાજુએ જુદા જુદા રંગો લાવવાનો એક જ શક્ય નુસખો હતો. તેમણે 1975માં તેની પેટન્ટ મેળવી અને 1970ના ઉત્તરાર્ધના દાયકામાં વિશ્વ સમસ્તમાં રૂબિક્સ પઝલ કે ક્યૂબ માટેની ઘેલછા લોકોમાં પ્રગટી. તેમણે આવા બીજા અનેક કોયડા શોધ્યા છે; પણ તે બધા આ ‘ક્યૂબ’ જેટલા ખ્યાતિ પામ્યા નથી.
મહેશ ચોકસી