રૂ, પેયટન (Rous, Payton) (જ. 5 ઑક્ટોબર 1879, બાલ્ટિમોર, મેરિલૅન્ડ અ. 16 ફેબ્રુઆરી 1970, ન્યૂયૉર્ક) : સન 1966ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારથી સન્માનિત અમેરિકી તબીબ. તેમને અર્બુદપ્રેરક વિષાણુઓ(tumour inducing viruses)ની એટલે કે કૅન્સરજનન શરૂ કરાવતા વિષાણુઓની શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેની સાથે ચાર્લ્સ બી. હગિન્સને પણ પુરઃસ્થગ્રંથિ(prostate gland)ના કૅન્સરની અંતઃસ્રાવી સારવાર માટે આ સન્માન આપવામાં આવ્યું હતું. રૉસ જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં તબીબ વિદ્યામાં સ્નાતક થયા અને સન 1909માં ન્યૂયૉર્ક ખાતેની રૉકફેલસ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. ત્યાં તેમણે 60 વર્ષ સુધી કૅન્સર અંગેનું સંશોધનકાકર્ય કર્યું. તેમણે જોયું કે શિયાળ(foul)માં થતી એક પ્રકારની ગાંઠ બીજા શિયાળમાં પણ કોષનિરોપ (cell graft) દ્વારા પ્રતિરોપિત કરી શકાય છે. આ જ પ્રકારનું પરિણામ કોષોને ગાળી નાખ્યા પછીના દ્રાવણ દ્વારા પણ આવી શકતું હતું. તેથી તેમણે દર્શાવ્યું કે કોઈક ગાળણક્રિયા પછી પણ પ્રવાહી સાથે વહી જતું દ્રાવ્ય બીજા પ્રાણીમાં તેવી જ ગાંઠ કરે છે. તેમણે તે પારગલિત દ્રવ્ય(filterable agent)ના ગુણધર્મો વિષાણુઓ જેવા હતા તેવું નોંધ્યું. સન 1930માં તેમણે સસલામાં થતા વિષાણુજ મસા (virus-induced warts) મેળવીને તેમાં કૅન્સર ઉદભવે  તે સમયના તેના ગુણધર્મો શા છે તે પણ નોંધ્યું. તેમણે દર્શાવ્યું કે કૅન્સર કરતાં રસાયણો સાથે જ્યારે આવા વિષાણુઓ પણ જોડાય છે ત્યારે વધુ ત્વરાથી કૅન્સર ઉદભવે છે. તેથી તેમણે દર્શાવ્યું કે કૅન્સરજનનની ક્રિયામાં 2 પ્રક્રિયાઓ ચાલે છે – પ્રેરણ (indiction) અને પ્રવર્ધન (promotion) કરનારાં કૅન્સરકારકોની. આ બેમાંથી કોઈ એક રીતે કે બંને રીતે કાર્ય કરે છે. આ સિદ્ધાંતમત હાલ સર્વસ્વીકાર્ય છે. તેમણે શોધેલા કૅન્સરપ્રેરક વિષાણુને તેમના નામ સાથે જોડીને હાલ રૂ–યમાર્બુદ વિષાણુ(Rous sarcoma virus, RSV)ના નામથી ઓળખવામાં આવે છે.

પેયટન રૂ

તેમણે કૅન્સર ઉપરાંત યકૃત (liver) અને પિત્તાશય(gallbladder)ની દેહધાર્મિક ક્રિયાઓ અને લોહીની સાચવણીની પ્રક્રિયાઓ અંગે પણ સંશોધન કર્યું હતું. તેને કારણે પ્રથમ રુધિરબૅન્ક અસ્તિત્વમાં આવી. પ્રમાણમાં તેમને ઘણો મોડો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

શિલીન નં. શુક્લ