રૂપ ગોસ્વામી : વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ કવિ, નાટ્યકાર અને વિદ્વાન. રૂપ ગોસ્વામીના દાદાનું નામ મુકુંદ હતું. તેમના પિતાનું નામ કુમાર હતું. તેમના ભાઈઓનાં નામ વલ્લભ અને સનાતન હતાં. વલ્લભનું બીજું નામ અનુપમ પણ હતું. તેમના ભત્રીજાનું નામ જીવ ગોસ્વામી હતું. તેમણે રૂપ ગોસ્વામીના ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’ ઉપર ‘લોચનરોચની’ નામની ટીકા લખી છે. રૂપ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન હતા. ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિસંપ્રદાયનું જે આંદોલન બંગાળમાં જગાવ્યું તેનો વૃંદાવનમાં પ્રસાર કરવામાં રૂપ ગોસ્વામી અગ્રેસર હતા.
તેઓ મૂળ મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશના હતા. તેમના પૂર્વજો બંગાળમાં આવીને વસેલા, જ્યારે રૂપ ગોસ્વામી વૃંદાવનમાં જઈ વસ્યા હતા. તેઓ ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન હોવાથી તેમનો સમય પંદરમી સદીનો અંતભાગ અને સોળમી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. કવયિત્રી મીરાંબાઈ વૃંદાવનમાં જવા છતાં તેમને પ્રત્યક્ષ મળી શકેલાં નહિ એ અનુશ્રુતિ જાણીતી છે.
તેઓ અનેક વૈષ્ણવ સાંપ્રદાયિક ગ્રંથોના લેખક છે. ભક્તિ-રસની સૂક્ષ્મ ચર્ચા કરતા ‘ભક્તિરસામૃતસિંધુ’ અને ‘ઉજ્જ્વલનીલમણિ’ તથા નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતા ‘નાટકચંદ્રિકા’ – એ ત્રણ ગ્રંથો તેમને આલંકારિક આચાર્ય તરીકે સિદ્ધ કરે છે. તેમણે 1491માં ‘દાનકેલિકૌમુદી’, 1533માં ‘વિદગ્ધમાધવ’ નામનું નાટક, 1537માં ‘લલિતમાધવ’, 1550માં ‘ઉત્કલિકાવલ્લરી’ વગેરે રચનાઓ કરી હોવાના ઉલ્લેખો રૂપ ગોસ્વામીએ પોતે જ પોતાના ગ્રંથમાં કર્યા છે. આમ 1495થી 1550 સુધીમાં તેમણે અનેક ગ્રંથરચનાઓ કરી છે. તેમણે 1549માં ‘ગોપાલચંપૂ’ અને 1555માં ‘માધવમહોત્સવ’ આપેલા. ભાગવત પર ‘વૈષ્ણવતોષિણી’ નામની ટીકા વૈષ્ણવ સંપ્રદાયના સમર્થન માટે રચી છે. વળી ‘ઉદ્ધવદૂત’ નામનું કાવ્ય અને ‘રસામૃતશેષ’ નામનો ગ્રંથ પણ તેમની રચનાઓ છે. પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘ભક્તિરસામૃતસિંધુ’માંનું ભક્તિરસનું તેમનું પ્રતિપાદન મધુસૂદન સરસ્વતીના ‘ભક્તિરસાયન’ ગ્રંથ કરતાં પણ વધુ વિસ્તૃત અને વિગતપ્રચુર છે. વૈષ્ણવ સંપ્રદાય વિશેની તેમની અનેક રચનાઓ તેમને વૈષ્ણવ સાંપ્રદાયિક લેખકોમાં અગ્રિમ હરોળનું સ્થાન અપાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી