રૂપેણ (નદી) : ગુજરાત રાજ્યના મહેસાણા અને પાટણ જિલ્લાઓમાંથી વહેતી નદી. આ નદી ખેરાળુ તાલુકામાં આવેલી તારંગાની ટેકરીઓના ટુંગા સ્થળેથી નીકળી પશ્ચિમ દિશાએ આવેલા કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તે સમુદ્રને મળતી ન હોવાથી ‘કુંવારી’ નદી તરીકે ઓળખાય છે.
તારંગાની ટેકરીઓ સમુદ્રકિનારાથી દૂર આવેલી છે. અહીં વરસાદ ઓછો પડતો હોવાથી આ નદીમાં બારે માસ પાણી રહેતું નથી. આ નદીને ખારી અને પુષ્પાવતી બે મુખ્ય શાખાઓ ઉપરાંત નાની નાની બાર ઉપશાખાઓ પણ મળે છે. આ નદીની કુલ લંબાઈ 135 કિમી. જેટલી છે.
આ નદીને કિનારે ખેરાલુ, સૂંઢિયા, દેણપ, ઊમતા, વાલમ, કાંસા, મગુના, મોઢેરા, થાંભેલ અને શંખેશ્વર જેવાં જાણીતાં ગામો આવેલાં છે. મોઢેરાનું પ્રાચીન સૂર્યમંદિર આ નદીને કિનારે આવેલું છે, જ્યારે જૈન સંપ્રદાયનું જાણીતું તીર્થસ્થાન શંખેશ્વરમાં આવેલું છે. આ નદી શુષ્ક પ્રદેશમાંથી પસાર થતી હોવાથી આર્થિક દૃષ્ટિએ ઉપયોગી બનતી નથી.
શિવપ્રસાદ રાજગોર