રૂપા કચરા : જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ હરોળના ચિતારા. જામનગરના રાજવી જામ વિભાજીના સમય (1852-1895) દરમિયાન તેઓ થઈ ગયા. જાતિએ તેઓ કડિયા જ્ઞાતિના હતા. એમની અનેક ચિત્રકૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિર(કાલુપુર)ના રંગમહેલમાં પ્રદર્શિત કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવની તથા બાળ ઘનશ્યામ અને ધર્મભક્તિની ચિત્રકૃતિઓ જૂનામાં જૂની છે. એના ચિત્રણનો સમય વિ. સં. 1941–ઈ. સ. 1885 દર્શાવેલ છે. છેલ્લામાં છેલ્લો સમય બતાવતી કૃતિઓ ઈ. સ. 1919 છે તેથી તેઓ ઈ. સ. 1920ની આસપાસ અક્ષરવાસી થયા હોવા જોઈએ.
રૂપા કચરાના પિતા માંડણ કાષ્ઠ-કારીગરીના કસબી હતા. આથી રૂપાને પિતા તરફથી કલાવારસો મળ્યો હતો. ચિત્રકલાની વિશેષ તાલીમ પોતાના ભાઈ માધા કચરા પાસેથી મળી હતી. રૂપાએ જામ વિભાજીને એમનો આબેહૂબ ખહરો (sketch) તૈયાર કરીને ભેટ આપ્યો હતો, જે જોઈને એના કલા-કસબ પર જામ નરેશ ઘણા ખુશ થયા અને રૂપાની ઇચ્છાનુસાર જામનગરમાં પુરુષોનાં મંદિર માટે સ્વામિનારાયણ મંદિર બનાવવા શહેરના મધ્યભાગમાં જમીન અને રૂ. 500 ભેટ આપ્યાં હતાં. એ જમીન પર ત્રણ શિખરોવાળું કલાત્મક મંદિર બંધાયેલું જોવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રેષ્ઠ ચિતારાઓમાં રૂપાની ગણના થાય છે. એમણે સંપ્રદાયની ચિત્રકલાને નવો વળાંક અને દિશા આપ્યાં. અગાઉ ચિત્રકલાનું વિષયવસ્તુ શ્રી સહજાનંદ સ્વામીની એકચક્ષુવાળી પાર્શ્વદર્શી (Profile) ચિત્રપ્રતિમા પૂરતું જ મર્યાદિત હતું. પરંતુ રૂપાએ શ્રીજી મહારાજની બે ચક્ષુવાળી સન્મુખ ચિત્ર-પ્રતિમાઓ(portrait)નાં ચિત્રણનો પ્રારંભ કર્યો. એટલું જ નહિ પણ શ્રીજી મહારાજના વિવિધ જીવનપ્રસંગોને લઈને અનેક લીલાચિત્રો કે પ્રસંગચિત્રોનું નિર્માણ કરી ચિત્રકલાના વિષયમાં પણ ઘણું વૈવિધ્ય આણ્યું. એણે સંપ્રદાયનાં ગુજરાતભરનાં અનેક મંદિરો અને હરિમંદિરો માટે વિવિધ ચિત્રપ્રતિમાઓ અને પ્રસંગચિત્રણોનું સર્જન કરી આચાર્યો, સંતો અને હરિભક્તોમાં આદર્શ ચિતારા તરીકે નામના મેળવી હતી. લૉજની વાવ પાસે નીલકંઠવર્ણીનું આગમન, અર્ધી પલાંઠીમાં બેસી ભોજન આરોગતા શ્રીજી મહારાજ, સમભંગ સ્થિતિમાં ઊભા રહી હિંડોળા પર ઝૂલતા શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવલીલા, માણકી ઘોડી પર વિચરણ કરતા શ્રીજી મહારાજ, ખુરશી પર વ્યાખ્યાન મુદ્રામાં બેઠેલા શ્રીજી મહારાજ, આચાર્યો, સંતો, પાર્ષદો અને હરિભક્તોની સભામાં કલાત્મક ખુરશી પર બિરાજી ધર્માલાપ કરતા શ્રીજી મહારાજ, બાળ ઘનશ્યામ અને માતાપિતા ભક્તિ અને ધર્મ, પંચાળાનો રાસ, શ્રીહરિપટ્ટાભિષેક મહોત્સવ, ગુરુ રામાનંદસ્વામી પાસે દીક્ષા ગ્રહણવિધિ, સોળે શણગાર સજીને વરદહસ્તમુદ્રામાં અને સમભંગ સ્થિતિમાં ઊભેલા ઘનશ્યામ મહારાજ અને સાંપ્રદાયિક દેવોની સેવ્ય પ્રતિમાઓ વગેરે વિવિધ વિષયોને લગતાં એમનાં ચિત્ર જોવા મળે છે. એમના જીવનની સર્વોત્તમ કૃતિ કદાચ જેતપુર મંદિરમાં પ્રતિષ્ઠિત શ્રી હરિપટ્ટાભિષેક મહોત્સવના વિશાળ પટચિત્રને ગણાવી શકાય. ચાળીસ વર્ષો સુધી રૂપા કચરાની ચિતારા તરીકેની સેવાઓ સંપ્રદાયને મનભરીને પ્રાપ્ત થઈ.
પ્રવીણચંદ્ર પરીખ