રૂપસિંઘ (જ. 8 સપ્ટેમ્બર 1910; અ. 16 ડિસેમ્બર 1977) : ભારતીય હૉકીના મહાન ખેલાડી તથા ‘હૉકીના જાદુગર’, ધ્યાનચંદના નાના ભાઈ. રૂપસિંઘને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ‘ઇનસાઇડ-લેફ્ટ-ફૉરવર્ડ’ ખેલાડી ગણવામાં આવે છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ તાલમેળ હોવાથી આજે પણ હૉકીમાં ધ્યાનચંદ અને રૂપસિંઘની જોડીને અમર ગણવામાં આવે છે. 1932માં લૉસ ઍન્જલિસ મુકામે આયોજિત ઓલિમ્પિક્સમાં તેઓ સૌપ્રથમ વાર ભારત તરફથી રમ્યા હતા અને એટલી શાનદાર રમત બતાવી હતી કે 1936માં બર્લિન મુકામે આયોજિત ઓલિમ્પિક્સમાં તેઓની આપોઆપ પસંદગી થઈ હતી. 1936માં ભારતીય હૉકી ટીમનું નેતૃત્વ ઓલિમ્પિક્સમાં તેમના મોટા ભાઈ ધ્યાનચંદે કર્યું હતું. બર્લિન મુકામે આયોજિત 1936ના ઓલિમ્પિક્સમાં ધ્યાનચંદ સાથે રૂપસિંઘે ખૂબ જ ઝમકદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. તેઓ ભારતીય હૉકી ટીમ સાથે 1935માં ન્યૂઝીલૅન્ડ તથા 1938માં ઑસ્ટ્રેલિયા પણ ગયા હતા. 1932ના ઓલિમ્પિક્સમાં ભારતે અમેરિકા સામે 24 ગોલ કર્યા હતા, તેમાંથી દસ ગોલ તો ફક્ત એકલા રૂપસિંઘે કર્યા હતા. તેમના માનમાં 1972માં મ્યૂનિક ઓલિમ્પિક્સ દરમિયાન એક રસ્તાનું નામ ‘રૂપસિંઘ રોડ’ રાખવામાં આવ્યું હતું. હૃદયરોગને કારણે આ મહાન હૉકીના ખેલાડીનું મૃત્યુ થયું હતું.

પ્રભુદયાલ શર્મા