રૂપલાં : ભારતીય કપાસની એક ગૌણ જીવાત. તેની પાંખો સફેદ રૂપા જેવા ચળકતા રંગની હોવાથી તેને ‘રૂપલાં’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે કપાસમાં નુકસાન કરતી આ જીવાત ભીંડા, અંબાડી અને હૉલિહૉક પર પણ નભે છે. તે ઑક્ઝિકારેનસ લેટસના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ અર્ધપક્ષ(hemiptera) શ્રેણીના લાયજિડી કુળમાં કરવામાં આવેલ છે. ભારતમાં કપાસ ઉગાડતા લગભગ દરેક રાજ્યમાં વત્તા-ઓછા પ્રમાણમાં તેનો ઉપદ્રવ જોવા મળે છે. કપાસના ખેતરમાં આ જીવાતની હાજરી ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરી માસ સુધી જોવા મળે છે. પુખ્ત કીટક કદમાં નાના, 4થી 6 મિમી. લંબાઈના, ચપટા અને ઝાંખા ભૂખરા અથવા ધૂંધળા રંગના હોય છે. કપાસનાં જીંડવાં કોરી ખાનારી ઇયળોના નુકસાનથી અથવા તો અન્ય રીતે ખૂલેલાં જીંડવાંમાં માદા કપાસિયાની નજીક અથવા તો છોડના અન્ય ભાગો (ફૂલ, જીંડવાં, કળીઓ) પર 2થી 10ની સંખ્યામાં સમૂહમાં ઈંડાં મૂકે છે. ઈંડાં પીળાશ પડતાં સફેદ અને નળાકાર હોય છે. ઈંડા-અવસ્થા લગભગ 6થી 10 દિવસમાં પૂરી થતાં નીકળેલાં બચ્ચાં વિકાસ પામતાં કપાસના બીજમાંથી રસ ચૂસવાનું શરૂ કરે છે. આમાં બચ્ચાની અને પુખ્ત એમ બંને અવસ્થામાં આ જીવાત અર્ધખુલ્લાં જીંડવાંમાં વિકાસ પામતાં બીજમાંથી રસ ચૂસી તેમને નુકસાન કરે છે. આવાં બીજ બીજા વર્ષે વાવણીલાયક રહેતાં નથી. બીજમાં તેલના ટકા ઘટે છે. ખાસ કરીને કપાસ લોઢવાના કારખાનામાં આ કીટક જિનિંગ વખતે રૂની સાથે ચગદાવાથી તેની ગુણવત્તામાં ઘટાડો કરે છે. બચ્ચાં-અવસ્થા લગભગ 30થી 40 દિવસની હોય છે. બચ્ચાં 6 વખત નિર્મોચન કર્યા બાદ પુખ્ત કીટક બને છે. મોટેભાગે બચ્ચાં પુખ્ત સમૂહમાં રહેતાં હોય છે. આ જીવાતનો ઉપદ્રવ ભાગ્યે જ વધારે પડતો હોય છે, તેમ છતાં વધારે પડતો ઉપદ્રવ જણાય તો કોઈ પણ ભૂકારૂપ જંતુઘ્ન દવાનો છંટકાવ કરવાથી તેની વસ્તી કાબૂમાં રહે છે. કુદરતમાં ટ્રિફ્લેપ્સ ટેન્ટિલસ નામનાં ચૂસિયાં તેના પર પરભક્ષી તરીકે નોંધાયેલ છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ