રૂપસંહિતા : એક આવકાર્ય અને સંગ્રહણીય રૂપકલા-કોશ. અખિલ ભારતીય ખ્યાતિ ધરાવતા કલાકાર વાસુદેવ સ્માર્ત દ્વારા સંપાદિત ભારતીય કલા-પરંપરામાં આલંકારિક આકૃતિઓનો ઘણો મોટો સંગ્રહ ધરાવતું પ્રકાશન. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન 1971ના અરસામાં થયેલું. તે આવૃત્તિ વેચાઈ ગયા બાદ નવાં ઉમેરણો સાથે બીજી આવૃત્તિ 1983માં પ્રગટ કરવામાં આવી; અને ત્રીજી સંવર્ધિત આવૃત્તિ 1997માં પ્રગટ થઈ છે તેમાં લગભગ 2,000 અલંકરણો આપ્યાં છે. તેમાંની મોટાભાગની રૂપાકૃતિઓ તેમણે મૂળ અલંકરણો જાતે જોઈને તેના પરથી સ્વહસ્તે રેખાંકિત કરેલ છે. તેમાં મૂળ આકૃતિ સાથેનું તેમનું તાદાત્મ્ય કેવું સઘન હતું તે જોઈ શકાય છે.

‘રૂપસંહિતા’ની એક કલાકૃતિ

આ અલંકરણોના 14 જેટલા વિભાગો છે. તેમાંનો એક વિભાગ ભૌમિતિક શોભનોનો છે. તેમાં કેવળ સરળ રેખાઓ ને વર્તુળો કે બહુકોણીય આકારો ઉપરાંત મનોહર પુષ્પગૂંથણીનાં સંયોજનો પણ જોવા મળે છે. તેથી આગળ વધીને શંખ, સ્વસ્તિક, મુચકુંદ, તાંત્રિક યંત્રો જેવાં શુભ પ્રતીકોના આકારો છે. તેમની સાથે ધાર્મિક ભાવના અને સદીઓ જૂનો ઇતિહાસ સંકળાયેલાં જોઈ શકાય છે.

બીજા વિભાગમાં પશુપક્ષીઓ પર આધારિત સુશોભનો છે. તેમાં કેટલાંય સુશોભનો પાછળ મંગલકારી ભાવનાઓ પ્રચ્છન્ન છે. વસ્ત્રોથી માંડીને સ્થાપત્યો સુધીનાં બધાં માધ્યમોમાં આવાં આવાં અલંકરણો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં હંસની આકૃતિઓ મુખ્ય છે. વસ્ત્રો પર પશુ-પક્ષીઓની આકૃતિઓનું આધિપત્ય પ્રતીત થાય છે. એ જ રીતે વનસ્પતિનો-પુષ્પપત્રોનો પણ ભારતીય અલંકરણોમાં બહોળો ઉપયોગ થયાનું જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ઉપલબ્ધ માટીનાં પાત્રો પર કમલપુષ્પ, કમળવેલ, પીપળપાનનાં સંખ્યાબંધ સુશોભનો છે; જેમનું વિશિષ્ટ સાંકેતિક મહત્વ હોવાનું જણાય છે. દેવદેવીઓનું આસન કમળ પર, એમના હસ્તમાં પણ કમળનું સ્થાન, હાથીઓની સૂંઢમાં પણ કમળ – એમ ભારતીય કલામાં હજારો વર્ષથી તેનું સ્થાન આગવું રહેલું છે. ગુપ્તકાળનાં સુશોભનોમાં કમળવેલ, બોધિવૃક્ષનું પ્રતીક પીપળપાન, ફળોમાં આમ્રફળ અને દાડમના આકારોનાં સુશોભનો બહોળા પ્રમાણમાં થયેલાં જણાય છે.

આમ આ પ્રકાશનમાં સંપાદકે હજારો વર્ષથી અનેક પ્રકારનાં માધ્યમો દ્વારા કલાચેતના કેવી રીતે અભિવ્યક્ત થતી હતી તે દર્શાવ્યું છે. ભીંતો પરનાં મૃણ્મય પાત્રો પરનાં ચિતરામણ; કાષ્ઠ, ધાતુ કે પથ્થર પર અવનવી ભાતની કોતરણી તથા ઉભારવાળી નકશીનાં અલંકરણ; ધાતુપાત્રો પરનું જડતર, કાપડ પરનું ચિત્રકામ, બીબાં-છપાઈ, સોનેરીરૂપેરી તાર-કસબની જરદોજી અને રંગબેરંગી ભરતકામ; વણાટમાં વિવિધ સુશોભન-આકારોની ગૂંથણી; માંડણાં, સાંઝી, અલ્પના વગેરે ભારતીય શોભન-સમૃદ્ધિની અનોખી ઝલક અહીં રજૂ કરાઈ છે.

બળદેવભાઈ કનીજિયા