રૂડૉલ્ફ, વિલ્મા (ગ્લૉડિયન) (જ. 1940, બેથલહેમ, ટેનેસી; અ. 1994) : અમેરિકાનાં મહિલા-દોડવીર. શૈશવમાં તેઓ બાળલકવાનો ભોગ બન્યાં હતાં, પરંતુ ખૂબ પરિશ્રમ વેઠીને તેઓ તેમાંથી પાર ઊતર્યાં. ખેલાડીઓની ‘ટેનેસી બેલ્સ’ નામક મંડળીના એક સભ્ય તરીકે તેઓ નાની વયથી જ નામના પામ્યાં.
16 વર્ષની વયે જ તેઓ 1956ની ઓલિમ્પિક રમતોમાં મેલબૉર્ન ખાતે કાંસ્ય ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1960માં તો રોમ ખાતેની આ રમતોમાં તેઓ 100 મી., 200 મી. અને રીલે-દોડની સ્પર્ધાઓમાં 3 સુવર્ણ ચંદ્રકોનાં વિજેતા બની એ પ્રકારની સિદ્ધિ મેળવનાર પ્રથમ અમેરિકન મહિલા બની રહ્યાં. 1964માં તેઓ નિવૃત્ત થયાં.
મહેશ ચોકસી