રૂટાઇલ : ટિટેનિયમધારક ખનિજ. રાસા. બં. : TiO2. ઑક્સિજન 40 %, ટિટેનિયમ 60 %. 0.10 % સુધીનું લોહપ્રમાણ તેમાં હોય છે. આ ખનિજ એનાટેઝ (TiO2) અને બ્રુકાઇટ (TiO2) સાથે ત્રિરૂપતા ધરાવે છે. સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો ટૂંકા, પ્રિઝમૅટિક; c અક્ષને સમાંતર રેખાંકિત; પાતળા, લાંબા પ્રિઝમૅટિકથી સોયાકાર સ્ફટિકો પણ મળે, તે પણ ઊભા રેખાંકનોવાળા; ભાગ્યે જ પિરામિડલ સ્ફટિકો મળે; દળદાર, દાણાદાર, ઘનિષ્ઠ પણ હોય. યુગ્મતા સામાન્યત: (011) ફલક પર; ઢીંચણવળાંક(kneeband)વાળા યુગ્મો વધુ મળે, છ ભાગ કે આઠ ભાગમાં યુગ્મો મળી રહે; (031) ફલક પર તીરના માથા જેવા સ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. કેટલાક પ્રકારો અપારદર્શક. સંભેદ : (110) સ્પષ્ટ, (100) અસ્પષ્ટ, (111) અંશત:, (011) પર વિભાજકતા હોઈ શકે. ભંગસપાટી : વલયાકારથી ખરબચડી, બરડ. ચમક : તેજસ્વી, હીરક કે આછી, ધાત્વિક. રંગ : મોટેભાગે રાતો–કથ્થાઈથી રાતો, ક્યારેક પીળો, કેસરી-પીળો, ભૂરાશ પડતો કે રાખોડી કાળાથી કાળો. ભાગ્યે જ લીલો મળે. કેટલાક પ્રકારો રાખોડીથી લીલા-કાળા રંગમાં પણ મળે છે. ચૂર્ણરંગ : ઝાંખા કથ્થાઈથી પીળાશ પડતો. કઠિનતા : 6થી 6.5. વિ. ઘ. : 4.23. પ્રકા. અચ. : ω = 2.6124, ε = 2.8993. પ્રકા. સંજ્ઞા : + Ve.

પ્રાપ્તિસ્થિતિ : નાઇસ, શિસ્ટ, ક્વાટર્ઝાઇટ, સ્ફટિકમય ચૂનાખડક અને ડૉલોમાઇટમાં બહોળા પ્રમાણમાં હોય છે. અગ્નિકૃત ખડકોમાં ગૌણ ખનિજ તરીકે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, બ્રાઝિલ, નૉર્વે, સ્વીડન, ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવૅકિયા, રુમાનિયા, રશિયા, માડાગાસ્કર તેમજ ભારતમાં મળે છે. સોય જેવા સ્ફટિકો ક્વાર્ટ્ઝની અંદર રહેલા હોય એવા રૂટાઇલ સ્વિટ્ઝર્લૅન્ડમાંથી અને બ્રાઝિલમાંથી મળી રહે છે. ભારતમાં આ ખનિજ ભૌતિક સંકેન્દ્રણ સ્વરૂપે કંઠારપ્રદેશમાં રહેલું છે. ઉપયોગ : ટિટેનિયમ માટેનો પ્રાપ્તિસ્રોત.

ગિરીશભાઈ પંડ્યા