રૂઝવેલ્ટ, થિયોડૉર (જ. 27 ઑક્ટોબર 1858, ન્યૂયૉર્ક સિટી; અ. 6 જાન્યુઆરી 1919, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક) : 1901થી 1909 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ. બાળપણમાં તેમણે પોતાનાં પરિવારજનો સાથે યુરોપ તથા મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી. તેઓ રિપબ્લિકન પક્ષમાં જોડાયા અને 1881માં ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા. ઈ. સ. 1897માં પ્રમુખ મેકકિનલીએ રૂઝવેલ્ટને નૌકાદળના મદદનીશ સચિવ તરીકે નીમ્યા. નૌકાદળને મજબૂત બનાવવા તેમણે ઘણું કામ કર્યું. જુલાઈ 1898માં ક્યૂબાના પ્રશ્ને અમેરિકાને સ્પેન સાથે થયેલ લડાઈમાં વિજય મળ્યો, તેનો સૌથી વધુ યશ કર્નલ રૂઝવેલ્ટને મળ્યો. ન્યૂયૉર્કના ગવર્નર તરીકે 1898માં ચૂંટાવામાં રૂઝવેલ્ટને તે ખ્યાતિનો લાભ મળ્યો. ગવર્નર તરીકે કાર્યદક્ષ અને સ્વતંત્ર વહીવટદારની તેમની પ્રતિભા જણાઈ. રાજકારણમાં તેમની ‘બિગ સ્ટિક’(પ્રભાવ વિસ્તારવાના સાધન તરીકે ખાસ કરીને રાજકીય અને લશ્કરી બળ)ની નીતિ જાણીતી બની હતી. ઈ. સ. 1900ની પ્રમુખપદની ચૂંટણીમાં પ્રમુખ મેકકિનલીએ તેમના ઉપપ્રમુખ તરીકે રૂઝવેલ્ટને પસંદ કર્યા. 14 સપ્ટેમ્બર 1901ના રોજ પ્રમુખ મેકકિનલીનું ખૂન થયું અને રૂઝવેલ્ટ તરત જ પ્રમુખ બન્યા. તેમણે મેકકિનલીની નીતિને અનુસરવાની જાહેરાત કરી. પરંતુ તેમની પોતાની અસલિયત અન્યની યોજનાઓને અનુસરવા તૈયાર નહોતી.

થિયોડૉર રૂઝવેલ્ટ

રૂઝવેલ્ટે ઘણાં મોટાં વેપારી ગૃહોની સત્તાને મર્યાદિત કરવાનાં પગલાં ભર્યાં. રેલવે, પેટ્રોલિયમ અને તમાકુ જેવા મોટા ઉદ્યોગોમાં સ્પર્ધા ઘટાડવાના એટલે કે ઇજારાશાહીના આક્ષેપો થવાથી સરકારે અનેક વેપારી ગૃહો સામે કાયદેસર પગલાં ભર્યાં. 1902માં યુનાઇટેડ માઇન વર્કર્સ નામના કામદાર સંઘે હડતાલ પાડી. તેમાં દરમિયાનગીરી કરવાનો અધિકાર ન હોવા છતાં, રૂઝવેલ્ટે કોલસાની ખાણોના માલિકો તથા કામદાર સંઘના આગેવાનોની પરિષદ બોલાવીને લવાદ દ્વારા ઉકેલ શોધવાનું સૂચન કર્યું. રૂઝવેલ્ટની વિનંતીથી 1903માં કૉંગ્રેસે વેપાર અને મજૂર ખાતાની શરૂઆત કરી. રૂઝવેલ્ટે કૉંગ્રેસને ખાતરી કરાવી કે ઍટલૅંટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે અમેરિકન નૌકાકાફલો ઝડપથી લઈ જવાનું ગમે ત્યારે જરૂરી બને, તેથી મધ્ય અમેરિકા ઓળંગીને નૌકાકાફલો લઈ જઈ શકાય એવી નહેર હોવી જોઈએ. 1902માં અમેરિકા અને નવા સ્વતંત્ર થયેલ પનામાના પ્રજાસત્તાકે એક સંધિ કરીને અમેરિકાને નહેર ખોદવા જમીન આપી અને તેનો ઉપયોગ તથા તેના ઉપર અંકુશ રાખવાના અધિકારો આપ્યા. રૂઝવેલ્ટ તેમના શાસનકાળનું આ સૌથી મગરૂબીભર્યું કાર્ય માનતા હતા.

રેલવે ઉદ્યોગમાં થતી ગેરરીતિઓને અંકુશમાં લેવા તેમના સૂચનથી કૉંગ્રેસે તેને નિયમનમાં લેવાય એવા કાયદા ઘડ્યા. પ્રમુખના દબાણથી કૉંગ્રેસે લોકોને નુકસાનકારક ખોરાક તથા દવાઓ સામે રક્ષણ આપવા કાયદા ઘડ્યા. રૂઝવેલ્ટે 1905માં રૂસો-જાપાનીઝ યુદ્ધ બંધ કરવામાં અને સંધિ કરાવવામાં સહાય કરી. ચીનમાં ખુલ્લાં દ્વારની નીતિ(open door policy)નો તેમણે સ્વીકાર કર્યો. 1909માં તેમણે પ્રમુખપદ છોડ્યું. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે અમેરિકાને તાત્કાલિક યુદ્ધમાં જોડવા તેમણે પ્રમુખ વિલસનને વિનંતી કરી. પરંતુ અમેરિકા છેક 1917માં વિશ્વયુદ્ધમાં જોડાયું હતું.

જયકુમાર ર. શુક્લ