રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 ડિસેમ્બર 1955, સેન ડિયેગો, યુનાઈટેડ્ સ્ટેટ્સ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો (reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્ટેનલી કીથ રુન્કૉર્ન

1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા હતા. પછી તે 196૩માં ન્યૂકૅસલ યુનિવર્સિટી (નૉર્ધમ્બરલૅંડ)ના નિયામક તરીકે જોડાયેલા.

રુન્કૉર્નના સંશોધન-કાર્યમાં ભૂભૌતિક ચિરંતન (secular) ફેરફારો, ધ્રુવીય અભિગમન (migration), હવામાનના પરિણામી ફેરફારો, ખંડોના વિસ્થાપન (drift)ના પુરાચુંબકીય (paleomagnetic) પુરાવા, ભૂચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમના સિદ્ધાંત અને ગ્રહીય અંતરંગ (planetary interiors) ઉપર સંશોધન વગેરેનો સમાવેશ થાય છે.

1965માં તેમનું ફેલો ઑવ્ રૉયલ સોસાયટી (FRS) તરીકે સન્માન થયું, તે ઉપરાંત રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટી તરફથી સુવર્ણચંદ્રક અને અમેરિકન જિયોફિઝિકલ યુનિયન તરફથી ફ્લેમિંગ ચંદ્રક પ્રાપ્ત થયા. 1970માં તેમને ભૂસ્તરવિજ્ઞાનનું સર્વોચ્ચ સન્માન, વેટલેસન ઇનામ પ્રાપ્ત થયું. 2007માં તેમના માનમાં ભૂસ્તરવિજ્ઞાનમાં ઉત્તમ પીએચ.ડી. થિસીસ (નિબંધ) માટે ‘કિથ રુન્કૉર્ન પુરસ્કાર’ જાહેર કરવામાં આવ્યો.

પ્રહ્લાદ છ. પટેલ