રુધિરનિર્ગલન (haemopheresis) : લોહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયા. અંગ્રેજી ‘apheresis’ શબ્દનો અર્થ અલગ પાડવું થાય છે. જો શ્વેતકોષોને અલગ પાડવામાં આવે તો તેને શ્વેતકોષનિર્ગલન (leukapheresis) કહે છે અને જો રુધિરપ્રરસ(plasma)ને અલગ પાડવામાં આવે તો તેને પ્રરસનિર્ગલન (plasmapheresis) કહે છે. રુધિરકોષોને અલગ પાડવાની ક્રિયાને કોષનિર્ગલન (cytapheresis) કહે છે. આ પ્રક્રિયાઓમાં દાતાના શરીરમાંના લોહીને તેમાંથી રુધિરકોષ, પ્રરસ (plasma) વગેરે ઘટકોને અલગ કરીને એકઠું કરવામાં આવે છે અને લોહીના બાકીના ઘટકોને દાતાના શરીરમાં પાછા આપી દેવાય છે. તેનો ઉપયોગ રુધિરદાન (blood donation) દ્વારા ચોક્કસ પ્રકારના રુધિરઘટકને મેળવવામાં થાય છે. તેનો ઉપયોગ કેટલાક રોગોમાં ‘લોહીને ગાળવા’ માટે પણ થાય છે; જેમ કે, કેટલાક પ્રકારની પરિઘવર્તી ચેતારુગ્ણતાઓ (peripheral neuropathies) અને પ્રતિરક્ષાલક્ષી ગંઠનકોષ અલ્પતાજન્ય રુધિરછાંટ (immunologic thrombocytopenic purpura) નામના વિકારોમાં લોહીમાં પરિભ્રમણ કરતાં પ્રતિરક્ષાલક્ષી દ્રવ્યોને દૂર કરવા માટે પ્રરસનિર્ગલન કરાય છે. વિવિધ પ્રકારનાં નિર્ગલનો(apheresis)ને સારણી 1માં દર્શાવેલ છે.

સૌપ્રથમ પ્રરસ-નિર્ગલન (plasmapheresis) પ્રયોગાત્મક રીતે ફ્રાન્સમાં સન 1902માં થયું હતું. ત્યારબાદ 1914માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ખાતે તથા તેના થોડા મહિનાઓમાં જૉન હૉપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતે બાલ્ટિમોરમાં થયું હતું. આ સર્વે પ્રાણીઓ પરના પ્રયોગો હતા. માણસ પર તેનો પ્રયોગ ઘણો મોડો થયો. સન 1952માં દાતાનું લોહી પહેલાં મેળવીને તેમાંથી રુધિરપ્રરસને અલગ પાડ્યા પછી રહેતા રુધિરકોષોને સંગ્રહી રાખવામાં આવતા અને બીજા અઠવાડિયે ફરીથી કરાતા રુધિરદાન વખતે અગાઉના રુધિરકોષોને દાતાના શરીરમાં પાછા આપી દેવાતા હતા. આમાં કોઈ યંત્રનો ઉપયોગ થતો ન હતો. પાછળથી પ્લાસ્ટિકની બૅગો અને નળીઓની સંકલિત સંરચના વિકસી છે જેની સાથે પ્રતિકેન્દ્રસારણ (centrifugation) કરવાની વ્યવસ્થા જોડાયેલી હોય તેને લીધે એક જ છેદ દ્વારા દાતાના શરીરમાંથી લોહી વહેવડાવીને આ યંત્રમાં લાવી શકાય છે અને તેમાંથી ચોક્કસ રુધિરઘટકને અલગ પાડીને રુધિરના બાકીના ઘટકોને દાતાના શરીરમાં પાછા આપી દઈ શકાય છે. શરૂઆતમાં હાથથી ચલાવવાનાં યંત્રો બનાવાયાં હતાં, પણ હાલ સ્વયંસંચાલિત યંત્રો ઉપલબ્ધ થયાં છે. તેમાં 3 પ્રકારની પ્રણાલીઓ (systems) વપરાય છે : સતતવહનસહ પ્રતિકેન્દ્રસારણ (continuous flow centrifugation, CFF), અંતરાલીય (intermittent) વહનસહ પ્રતિકેન્દ્રસારણ (IFF) અને સતતવહનસહ ગલનસહ-પ્રતિકેન્દ્ર સારણી શ્વેતકોષ-નિર્ગલન (continuous flow fitration leukapheresis, CFFL). જુદા જુદા ઘટકોની જુદી જુદી ઘનતા અને વિશિષ્ટ ઘનતા તથા પ્રતિકેન્દ્રસારણ માટે જુદી જુદી ગતિ રાખીને જુદા જુદા ઘટકોને અલગ પાડી શકાય છે. અલગ પાડેલા ઘટકોનો વિવિધ ઉપયોગ કરી શકાય છે. (સારણી 2).

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ