રુટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી–બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર–જિરાનિયેલ્સ, કુળ–રુટેસી. આ કુળમાં લગભગ 140 પ્રજાતિઓ અને 1,300 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં થયેલું છે. તે દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં તેની 65 જેટલી જાતિઓ નોંધાયેલી છે. કેટલીક પ્રજાતિઓની કુલ જાતિઓ અને ઉત્તર અમેરિકાની સ્થાનિક જાતિઓ આ મુજબ છે : Ptelca (10 જાતિઓ), Zanthoxylum (150 જાતિઓ–4 સ્થાનિક જાતિઓ) અને Amyris (15 જાતિઓ – 2 સ્થાનિક જાતિઓ). પ્રથમ બે પ્રજાતિઓ ઉત્તરમાં મિનેસોટા અને ઑન્ટેરિયો સુધી વિસ્તરેલી છે, જ્યારે ત્રીજી પ્રજાતિની સ્થાનિક જાતિઓ દક્ષિણ ફ્લૉરિડા પૂરતી મર્યાદિત છે. Ruta, Glycosmis, Triphasia, Poncirus અને Citrus જેવી પ્રજાતિઓ પ્રાકૃતિક છે. Citrusની જાતિઓ – લીંબુ, નારંગી, મોસંબી, પપનસ; મીઠો લીમડો (Murraya koenigii), બીલી (Aegle marmalos), કોઠી (Limonia acidissima) વગેરે આ કુળની જાણીતી વનસ્પતિઓ છે.
આ કુળની ઘણીખરી જાતિઓ ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે કે ભાગ્યે જ શાકીય હોય છે. પ્રકાંડ ટટ્ટાર, કાષ્ઠમય અને શાખિત હોય છે. પર્ણો, ફળ અને છાલમાં સુરભિત (aromatic) અને બિંદુરૂપ (punctate) ગ્રંથિઓ હોવાથી મીઠી વાસ આવે છે. ઘણી જાતિઓ કંટક ધરાવે છે. પર્ણો સાદાં કે મોટેભાગે પાણિવત્ (palmately) કે પક્ષવત્ (pinnately) સંયુક્ત, સામાન્યત: એકાંતરિક, પરંતુ કેટલીક જાતિઓમાં સંમુખ અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. મરૂદભિદ્ વનસ્પતિઓમાં ઘણી વાર કાંટાળાં (heathlike) હોય છે. પર્ણદલ ઉપર પુષ્કળ પ્રમાણમાં સુરભિત તૈલી ગ્રંથિઓ જોવા મળે છે.
પુષ્પવિન્યાસ અગ્રીય (terminal) કે કક્ષીય (axillary) પરિમિત (cymose) સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. પુષ્પ નિયમિત કે ક્વચિત્ અનિયમિત (દા.ત., Ruteae અને Cuspariinae), દ્વિલિંગી, કેટલીક વાર એકલિંગી અને દ્વિગૃહી (dioecious, દા.ત., Zanthoxylum), અધોજાયી (hypogynous), પંચાવયવી અને નિપત્રી (bracteate) હોય છે. પુંકેસર અને બીજાશયની વચ્ચે ગોળાકાર ગાદી જેવું બિંબ (disc) જોવા મળે છે. વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું, યુક્ત કે મુક્તવજ્રપત્રી, કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate), સુરભિત ગ્રંથિમય અને અધ:સ્થ હોય છે. દલપુંજ 4 કે 5 દલપત્રોનો બનેલો, મુક્તદલપત્રી, ક્વચિત જ યુક્તદલપત્રી (દા.ત., Correa અને Cuspariinae) અથવા તેનો સંપૂર્ણ અભાવ (દા.ત., Zanthoxylum) અને કોરછાદી હોય છે. પુંકેસરો 10 કે 8 અથવા તેથી ઓછાં કે કેટલીક વાર અસંખ્ય અને બિંબની ધાર કે તેના તલ સાથે જોડાયેલાં હોય છે. દલપત્રોથી બેગણા હોય તો બહારનું ચક્ર દલપુંજ સંમુખ અને અંદરનું ચક્ર વજ્ર સંમુખ હોય છે. આ સ્થિતિને પ્રતિદ્વિવર્તપુંકેસરી (obdiplostemonous) કહે છે. Citrusમાં પુંકેસરોના તંતુઓ પરસ્પર જોડાઈને પુંકેસરોનાં કેટલાંક જૂથો બનાવે છે. આ સ્થિતિને બહુગુચ્છી (polyadelophous) કહે છે. Aurantioidaeમાં ટિલ્શન અને બેમફર્ડના મંતવ્ય મુજબ પુંકેસરોનું ત્રીજું ચક્ર અવશિષ્ટ થવાને પરિણામે બિંબનો ઉદભવ થયો છે. કેટલીક વાર કેટલાંક પુંકેસરો વંધ્યપુંકેસરો(staminoides)માં પરિણમે છે. તેઓ મુક્ત કે તલભાગેથી જોડાયેલાં સામાન્ય રીતે સીધાં અને અસમાન અને કેટલીક વાર અધોનત (declinate) હોય છે. તેઓ ભાગ્યે જ દલપત્રો સાથે જોડાયેલાં હોય છે. પરાગાશય દ્વિખંડી અને અંતર્મુખી (introse) હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. કેટલીક વાર તલસ્થ ઉપાંગો (appendages) જોવા મળે છે. યોજી(connective)ની ટોચ ગ્રંથિમય હોય છે. સ્ત્રીકેસરચક્ર ચતુ:, પંચ કે બહુયુક્ત સ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું અને બિંબ ઉપર ગોઠવાયેલું હોય છે. બીજાશય ચતુ:, પંચ કે બહુકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં બે કે તેથી વધારે સહસ્થ (colateral) કે અધ્યારોપિત (superposed) અંડકો આવેલાં હોય છે. કોઠી(Limonia)માં 5 ચર્મવર્તી જરાયુઓ ઉપર અંડકોની ગોઠવણી થયેલી હોય છે. પરાગવાહિનીઓ સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી અથવા એક અને ટટ્ટાર હોય છે. પરાગાસન ગોળાકાર કે શાખિત અને ચીકણું હોય છે. ફળ રસાળ અનષ્ઠિલ નારંગ (hespiridium) કે કાષ્ઠમય અનષ્ઠિલ કે કેટલીક વાર સપક્ષ અનષ્ઠિલ કે અષ્ઠિલ કે સપક્ષ (samara) પ્રકારનું હોય છે. બીજ ભ્રૂણપોષી (endospermous) કે અભ્રૂણપોષી (non-endospermous) હોય છે અને તે એક મોટો સીધો કે વક્ર ભ્રૂણ ધરાવે છે. કેટલીક વાર એક જ બીજમાં બે કે તેથી વધારે ભ્રૂણ જોવા મળે છે. એક બીજમાં 13 જેટલા ભ્રૂણનું અવલોકન થયેલું છે, જે પૈકી ત્રણ ભ્રૂણ અંકુરણ પામી શકે છે. પુષ્પો કીટક પરાગનયન માટે સારી રીતે અનુકૂલન પામેલાં હોય છે. રંગીન દલપુંજ, મધુગ્રંથિમય બિંબ અને પૂર્વપુંપક્વતા (protoandry) આ માટેનાં ખાસ લક્ષણો છે.
હચિન્સને આ કુળને સીમારાઉબેસી અને બર્સેરેસી સહિત રુટેલ્સ ગોત્રમાં મૂક્યું છે. રડલ અને વેટ્ટસ્ટેઇને આ ઉપરાંત મેલિયેસી કુળનો પણ રુટેલ્સમાં સમાવેશ કર્યો છે. હેલિયરના મત પ્રમાણે તેનો ઉદભવ બરબેરિડેસીના પૂર્વજના જૂથમાંથી થયેલો છે અને આ કુળ ટરબિન્થેલ્સ ગોત્રનું પૂર્વજ છે. રડલ, વેટ્ટસ્ટેઇન અને હચિન્સન દ્વારા રજૂ થયેલા પરિગત (circumscribed) વિચારોને કાષ્ઠીય પ્રકાંડ, તૈલી નલિકાઓ કે ગ્રંથિઓની હાજરી અને બીજાશયના તલપ્રદેશે બિંબનું નિર્માણ જેવા બાહ્યાકારકીય (morphological) અને અંત:સ્થરચનાકીય (anatomical) લક્ષણો દ્વારા અનુમોદન પ્રાપ્ત થયું છે.
આ કુળની કેટલીક વનસ્પતિઓ ખાદ્ય ફળો આપે છે, જેમાં Citrus limon (L.) Burnt. (લીંબુ), C. reticulata Blanco. (નારંગી, સંતરાં), C. maxima Merril. (ચકોતરું, પપનસ), Limonia acidissima L. syn. Feronia elephantum Corr. (કોઠી) અને Aegle marmelos (L.) Corr.(બીલી)નો સમાવેશ થાય છે. Citrusની જાતિઓનાં ફળો પ્રજીવક ‘સી’ ધરાવે છે. બીલીમાં રહેલો ટૅનિક ઍસિડ ઔષધ તરીકે ઉપયોગી છે. Murraya koenigiiનાં પર્ણો દાળ, શાક અને કઢીને સુગંધિત બનાવવામાં ઉપયોગી છે. M. paniculata (L) Jack. (જાસવંતી, કામિની, કુંતી), Ruta graveolers L. (સતાબ), કોઠી Ptelea, Phellodendron, Zanthoxylum, Dictamnus, Poncirus અને Callodendrum વગેરે શોભાની વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Benninghausenia albifloraનાં સૂકાં પર્ણો ચાંચડ અને ફૂદાં સામે અસરકારક હોય છે. Zanxthoxylum alatum Roxb. (તેજબલ) ઔષધ વનસ્પતિ છે અને તેનો દાંતનાં પેઢાં મજબૂત બનાવવામાં ઉપયોગ થાય છે. કેટલીક જાતિઓનાં સફેદ પુષ્પો અને કાચાં ફળોમાંથી અત્તર બનાવાય છે. Chloroxylonમાંથી મળતું ઇમારતી કાષ્ઠ રાચરચીલું બનાવવામાં ઉપયોગી છે.
બળદેવભાઈ પટેલ