રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold)

January, 2004

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ રસ પડવાથી તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસની શરૂઆત કાર્લ્સરુહની ટેક્નિકલ હાઇસ્કૂલથી કરી અને 21 મહિનામાં જ પ્રાયોગિક અભ્યાસક્રમો પૂરા કર્યા. તે પછી તુરત જ તેમણે પ્રો. સ્ટૉડિન્જર સાથે કીટોન-સંયોજનો ઉપર ડૉક્ટરેટની પદવી માટે સંશોધન શરૂ કર્યું. બે વર્ષના સંશોધન બાદ તેમને ‘Dipl. Ing.’ની અને તેના બે અઠવાડિયાં બાદ ‘Dr. Ing.’(પીએચ.ડી.ની સમકક્ષ)ની પદવી મળી.

લિયોપોલ્ડ રુઝિસ્કા

તે પછી રુઝિસ્કાએ ડૉ. સ્ટૉડિન્જરના મદદનીશ તરીકે કામની શરૂઆત કરી અને બંનેએ સેવંતી (ગુલદાવરી, pyrethrum) જેવા કુદરતી છોડવામાંથી મળતા અને જંતુઓ માટે વિષાળુ (toxic) એવા પાયરેથ્રિન ઉપર સંશોધન કર્યું (1911–1916). 1912માં તેઓ ઝુરિકની ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં જોડાયા અને 1917માં સ્વિસ નાગરિકત્વ પ્રાપ્ત કર્યું.

સુગંધીદાર (odoriferous) કુદરતી સંયોજનો ઉપરનાં રુઝિસ્કાનાં સંશોધનો 1916માં શરૂ થયાં હતાં. તેમણે જોયું કે સિવેટ નામની બિલાડીમાંથી મળતો સિવેટોન (civetone) નામનો સુગંધીદાર પદાર્થ 17–ઘટકોવાળી, જ્યારે કસ્તૂરીમૃગમાંથી મળતી કસ્તૂરીમાંનો મસ્કોન (muskone) એ 15–ઘટકોવાળી વલયરચના ધરાવતાં કીટોન-સંયોજનો છે. આ સંશોધનો એટલા માટે અગત્યનાં હતાં કે તે અગાઉ એમ માનવામાં આવતું હતું કે આઠથી વધુ ઘટકો ધરાવતી આવી રચનાઓ ખૂબ અસ્થિર છે અને તેમનું અસ્તિત્વ સંભવિત નથી. રુઝિકાએ ઘણાં દીર્ઘચક્રી (macrocyclic) સંયોજનોનું પણ સંશ્લેષણ કર્યું અને બતાવ્યું કે તે કુદરતી ચરબીજ (fatty) ઍસિડમાંથી બનાવી શકાય છે. રુઝિકાની શોધ દ્વારા આવાં સંયોજનો ઉપરનાં સંશોધન વિસ્તારથી શરૂ થયાં.

વલયિત (ringed) સંયોજનો તેમજ ઘણા છોડવાઓમાંના સુગંધિત તેલો(essential oil)ના મળી આવતાં ટર્પીન-સંયોજનો ઉપર રુઝિસ્કાએ ઉત્કૃષ્ટ પ્રકારનું સંશોધન કર્યું હતું. તેમણે જેના ઉપર સંશોધન કરેલું તે બહુટર્પીન-સંયોજનો (polyterpenes) અને દેહધાર્મિક રીતે (physiologically) અને વૈદ્યકીય દૃષ્ટિએ (medicinally) અગત્યનાં એવાં પિત્ત ઍસિડો (bile acids), સ્ટીરૉલ (sterols), અને લિંગ-અંત:સ્રાવો વચ્ચે રસપ્રદ સંબંધ છે. 1930ના દાયકાના મધ્યભાગમાં તેમણે ટેસ્ટૉસ્ટેરોન જેવાં અનેક લિંગ-અંત:સ્રાવોની આણ્વિક સંરચના શોધી કાઢી અને નર-લિંગ-અંત:સ્રાવો જેવું જ કામ આપતાં એન્ડોસ્ટેરોન (endosterone) અને ટેસ્ટૉસ્ટેરોન જેવાં સંયોજનોનું સંશ્લેષણ કરવામાં સફળતા પ્રાપ્ત કરી. કોલેસ્ટેરૉલમાંથી ટેસ્ટૉસ્ટેરોન બનાવવા અંગેની પેટન્ટે તેમને સારો આર્થિક લાભ કરી આપ્યો હતો.

પૉલિમિથિલીન અને ઉચ્ચતર ટર્પીન (higher terpenes) સંયોજનો અંગેના તેમના સંશોધન માટે રુઝિસ્કાને એ. એફ. જે બ્યુટેનાન્ટ સાથે સંયુક્ત રીતે 1939ના વર્ષનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે વિજ્ઞાન, આયુર્વિજ્ઞાન, કુદરતી વિજ્ઞાન જેવા વિષયોમાં માનાર્હ ડૉક્ટરેટ મેળવેલી. વળી રાસાયણિક, જૈવરાસાયણિક અને અન્ય વૈજ્ઞાનિક સોસાયટીઓના તેઓ માનાર્હ સભ્ય રહેલા.

બાગકામ (gardening) અને ચિત્રકામ એ તેમના શોખના વિષયો હતા.

જ. પો. ત્રિવેદી