રુક્મિ : વિદર્ભ નરેશ ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર. રુકિમણીનો ભાઈ. પોતે પરાક્રમી અને ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. એની ઇચ્છા વિરુદ્ધ જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરી ગયા ત્યારે તેણે એના પિતા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણનો વધ કરીને રુકિમણીને પાછી ન લાઉં ત્યાં સુધી રાજધાની કુંડિનપુરમાં પાછો નહિ ફરું. યુદ્ધમાં એ શ્રીકૃષ્ણથી પરાજિત થયો તેથી કુંડિનપુર ન જતાં ભોજકટ નામનું નગર વસાવી ત્યાં રહેવા લાગ્યો. મહાભારતના યુદ્ધ વખતે તે ઇચ્છતો હતો કે જે પક્ષ તેને બોલાવે, તે એને પક્ષે લડવા જશે, પરંતુ યુદ્ધના બંને પક્ષોમાંથી એને કોઈએ બોલાવ્યો નહિ અને એ રીતે અપમાનિત થયો. એની પૌત્રી રોચનાનાં લગ્ન શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયેલાં. એ લગ્નપ્રસંગે યોજાયેલ દ્યૂત રમવામાં એ વારંવાર બલરામને છેતરવા લાગ્યો ત્યારે બલરામે ક્રોધપૂર્વક એનો સંહાર કર્યો.
પ્રવીણચંદ્ર પરીખ