રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર રાખતો હતો. રુકિમએ રુકિમણીનો વિવાહ શિશુપાલ સાથે કરવાનો પોતાનો મનસૂબો જાહેર કર્યો અને તેના પિતા ભીષ્મકે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. લગ્નની તૈયારી થવા લાગી આથી ચિંતિત થયેલ રુકિમણીએ શ્રીકૃષ્ણને સંદેશો મોકલીને પોતાનાં લગ્ન થાય એ પૂર્વે પોતાને હરણ કરી જવા વિનવણી કરી. કુલપ્રથા અનુસાર લગ્ન પહેલાં રુકિમણી દેવીના મંદિરે પૂજનદર્શન કરવા ગઈ ત્યારે કૃષ્ણે આવીને તેનું હરણ કરી દ્વારકા પહોંચી તેની સાથે લગ્ન કર્યાં. રુકિમે વિરોધ કર્યો પરંતુ તે યાદવ સેના સામે હારી ગયો. ભાગવત અનુસાર રુકિમણીને ચારુમતી નામે એક પુત્રી અને પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર, વિચારુ અને ચારુ નામે દશ પુત્રો હતા. પદ્યુમ્નને કામદેવનો અવતાર માનવામાં આવે છે. આ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધ વેરે રુકિમે પોતાની પુત્રી રુકમવતીનાં લગ્ન કર્યાં હતાં.
પ્રવીણચંદ્ર પરીખ