રુઇયા શશી (જ. 23 ડિસેમ્બર, 1943, મુંબઈ; અ. 25 નવેમ્બર, 2024, મુંબઈ) : વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભારતની સાથે વિદેશોમાં કાર્યરત બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક જૂથ એસ્સાર ગ્રૂપના સ્થાપક. રુઇયા પરિવારના વડા હતા. નાની કન્સ્ટ્રક્શન કંપનીથી શરૂ કરીને સ્ટીલ, ટેલિકૉમ, ઑઇલ, ગૅસ, પાવર, શિપિંગ વગેરે ઔદ્યોગિક ક્ષેત્રોમાં વિશાળ સામ્રાજ્યમાં વિસ્તરણ કરીને પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો માટે પ્રેરકસમાન ઉદ્યોગપતિ હતા. ભારતીય અર્થતંત્રના ઉદારીકરણ પછી અનેક ક્ષેત્રોમાં સૌપ્રથમ પ્રવેશ કરીને અન્ય લોકો માટે માર્ગ મોકળો કર્યો હતો.
આઝાદી અગાઉ મુંબઈમાં સ્થાયી થયેલા મૂળ રાજસ્થાની મારવાડી પરિવારમાં શશિકાંત રુઇયાનો જન્મ થયો હતો. પિતા નંદકિશોર રુઇયા મુંબઈમાં નાની કન્સ્ટ્રક્શન કંપની ધરાવતા હતા. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું હતું. 1950ના દાયકામાં પિતાએ મુંબઈથી ચેન્નાઈ સ્થળાંતર કર્યુ હતું તથા શિપિંગ અને નિકાસ કંપની શરૂ કરી હતી. ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ લઈને 1965માં શશિકાંતે પિતાની શિપિંગ અને નિકાસ કંપનીમાં કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ 1969માં નાના ભાઈ રવિ રુઇયા સાથે એસ્સાર ગ્રૂપનો પાયો નાંખ્યો હતો. એ વર્ષે રુઇયાબંધુઓને મદ્રાસ પૉર્ટ માટે આઉટર બ્રેકવૉટરનું નિર્માણ કરવા રૂ. 2.3 કરોડનો મોટો કૉન્ટ્રાક્ટ મળ્યો હતો. પછી એસ્સારે શરૂઆતમાં મોટા ભાગે માળખાગત સુવિધાલક્ષી પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લગભગ એક દાયકામાં તેમણે આ ક્ષેત્રમાં પોતાની શાખ સ્થાપિત કરી દીધી હતી. ત્યાર બાદ 1980ના દાયકામાં અંતે રુઇયાબંધુઓએ સપરિવાર મુંબઈમાં પુનરાગમન કર્યું હતું અને એસ્સાર ગ્રૂપની કામગીરીનું વિસ્તરણ વિવિધ રાજ્યોમાં કર્યું હતું.
શરૂઆતમાં એસ્સાર ગ્રૂપે કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કંપનીએ અનેક પુલ, ડૅમ અને વીજપ્લાન્ટનું નિર્માણ કરીને ઉદ્યોગજગતમાં પગપેસારો કર્યો હતો અને મોટાં ઔદ્યોગિક જૂથો સાથે સંબંધોને મજબૂત કર્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં ભારતીય અર્થતંત્રનું ઉદારીકરણ થવાની સાથે એસ્સાર ગ્રૂપે પોતાની પાંખો ફેલાવીને સ્ટીલ, ટેલિકૉમ, ઑઇલ, ગૅસ વગેરે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રવેશ કરીને ભારતીય બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગ્રૂપ તરીકે નામના મેળવી હતી. શશી રુઇયાએ ભારતમાં સૌપ્રથમ કહી શકાય એવી વિવિધ કામગીરી કરી દેખાડી હતી.
1991માં એસ્સારને ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ વીજ ઉત્પાદક કંપની બનાવી હતી, જેણે ગુજરાતના હઝિરામાં 515 મેગાવૉટનો વીજપ્લાન્ટ શરૂ કર્યો હતો. એ જ રીતે, ટેલિકૉમ ક્ષેત્રમાં વિદેશી હચિસન સાથે જોડાણ કરીને મોબાઇલ સેવા પ્રદાતા તરીકે એસ્સાર-હચ નામે સેલ્યુલર સેવા શરૂ કરી હતી. આ રીતે તેમણે ટેલિકૉમ ક્ષેત્રના ઉદારીકરણ સાથે વિદેશી રોકાણ આકર્ષિત કરનારી ગણીગાંઠી કંપનીઓમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે રિલાયન્સે જામનગરમાં રિફાઇનરી સ્થાપિત કરી હતી, ત્યારે તેની સાથે રુઇયાએ પણ તેની આસપાસ એસ્સારની રિફાઇનરી સ્થાપિત કરી હતી.
જોકે, એકવીસમી સદીના બીજા દાયકામાં એસ્સારે ટેલિકૉમ, બીપીઓ, ઑઇલ અને ગૅસ પૉર્ટફોલિયોનું સંપૂર્ણ વેચાણ કરી દીધું હતું અને તેમાંથી 40 અબજ ડૉલરની આવક કરી હતી. આ ગાળામાં એસ્સારની બે મોટી કંપનીઓ નાદાર જાહેર થવાથી સરકારે તેનું વેચાણ કરી દીધું હતું. વર્ષ 2017માં ભારત સરકારે એસ્સાર સ્ટીલ ઇન્ડિયાનું વેચાણ આર્સેલર મિત્તલને કરી દીધું હતું. એ જ રીતે, 2019માં એસ્સાર ઑઇલનું વેચાણ પણ ભારત સરકારે રોસનેફ્ટની આગેવાનીમાં રોકાણકારોને 12.9 અબજ ડૉલરમાં કરી દીધું હતું. હવે એસ્સારે પર્યાવરણને અનુકૂળ ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વર્ષ 2012માં ફૉર્બ્સમાં રુઇયા બંધુઓને દુનિયાના ધનિક ભારતીયોમાં સ્થાન મળ્યું હતું. શશિ રુઇયાનું લાંબી બિમારી પછી મુંબઈમાં અવસાન થયું હતું.
કેયૂર કોટક
