રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert)

January, 2004

રીશા, ચાર્લ્સ રૉબર્ટ (Richet, Charles Robert) (જ. 26 ઑગસ્ટ 1850, પૅરિસ; અ. 4 ડિસેમ્બર 1935, પૅરિસ) : સન 1913ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને ઍલર્જીને કારણે ઉદભવતી ઉગ્ર સંકટમય આઘાતની સ્થિતિ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું.

ચાર્લ્સ રૉબર્ટ રીશા

તેઓ પૅરિસમાં ભણીને ત્યાંની મેડિસિન વિદ્યાશાખા(faculty)માં પ્રાધ્યાપક બન્યા હતા. વૈજ્ઞાનિક વિષયો તથા આંતરરાષ્ટ્રીય શાંતિ માટેનાં તેમનાં લખાણોને ઘણી ખ્યાતિ મળી હતી. કોઈ નત્રલ (protein) દ્રવ્યો શરીરમાં પ્રવેશે ત્યારે શરીરમાંનું પ્રતિરક્ષાતંત્ર  (immune system) તે પોતાનું (સ્વકીય, self) છે કે બાહ્ય અથવા પરકીય (foreign)  છે તે જાણી લે છે. તે સ્વકીય નત્રલદ્રવ્યને શરીર સ્વીકારે છે અને બાહ્યદ્રવ્યને નિષ્ક્રિય કે નિર્મૂલ કરવા માટે પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ (immune response) આપે છે. આ પ્રક્રિયાનાં બાહ્યદ્રવ્ય પ્રતિજન (antigen) કહેવાય છે અને તેની સામે તૈયાર કરાયેલા સચોટ દ્રવ્યને પ્રતિદ્રવ્ય (antibody) કહે છે. તે બંને વચ્ચેની પ્રતિક્રિયાને પ્રતિજન-પ્રતિદ્રવ્ય પ્રતિક્રિયા (antigen-antibody reaction) કહે છે, જેને અંતે બાહ્યદ્રવ્ય નિષ્ક્રિય બને છે. ક્યારેક આવી પ્રતિક્રિયા શરીરમાં ઉગ્ર વિકાર સર્જે છે. તેને વિષમોર્જા (allergy) કહે છે. તેમાં જો લોહીની નાની નસો પહોળી થાય તથા કેશવાહિનીઓની પારગમ્યતા (permeability) વધે તો ક્યારેક લોહીનું દબાણ ઘટી જાય છે. તેને આઘાત(shock)ની સ્થિતિ કહે છે. તેમાં જીવનને સંકટ ઉદભવે છે અને તેની તાત્કાલિક સારવાર કરવી પડે છે. આવી સ્થિતિને ઉગ્ર અતિસંવેદિતાજન્ય આઘાત અથવા ઉગ્રપ્રતિગ્રાહ્યતા આઘાત (anaphylactic shock) કહે છે. અંગ્રેજી શબ્દ anaphylaxis (ઉગ્રપ્રતિગ્રાહ્યતા) મૂળ થિઑબૉલ્ડ સ્મિથે બનાવ્યો હતો અને તે બાહ્ય પ્રોટીનના ઇન્જેક્શન સામે ઉદભવતા આઘાતકારી પ્રતિભાવને દર્શાવે છે. ચાર્લ્સ રૉબર્ટ રીશાએ ઉગ્રપ્રતિગ્રાહ્યતાની ઘટનાને વધુ વિસ્તૃત રૂપે સમજાવી હતી, જેને કારણે તેમને પુરસ્કૃત કરવામાં આવેલા હતા. તેમણે શ્વસનક્રિયા તથા પાચનક્રિયા પર પણ સંશોધનો કરેલાં. તેમણે શોધી કાઢ્યું હતું કે જઠરરસમાં મુખ્ય ઘટક તરીકે હાઇડ્રોક્લૉરિક ઍસિડ હોય છે. તેમણે રુધિરરસચિકિત્સા (serum therapy), પ્રાણીઉષ્ણતા તથા ચેતાતંત્ર અંગે પણ અભ્યાસો કરેલા છે.

શિલીન નં. શુક્લ