રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી; ગૉચર દ રીમ્ઝે 1247થી 1255; બર્નાર્ડ દ સૉઇઝન્સે 1255થી 1285 સુધી તેના જુદા જુદા ભાગોનું બાંધકામ ચાલુ રાખ્યું. અંતે રૉબર્ટ દ કૂસીના હાથે તેની પૂર્ણાહુતિ થઈ.

આ કથીડ્રલ અસામાન્ય સુસંવાદિતા અને એકસૂત્રતાનું આયોજન છે. તેમાં ચાર્ટર્સ કથીડ્રલનો પ્રભાવ ચતુષ્પક્ષીય પાતળી પટ્ટીવાળા ખંડો, ત્રણ માળ સુધીનું બાંધકામ તથા થાંભલા પરનું નિર્માણ જેવી બાબતોમાં જોઈ શકાય છે.

રીમ્ઝની પશ્ચિમ બાજુએ ત્રણ દરવાજા આવેલા છે અને તેમની આસપાસ સ્થાપત્યથી સુશોભિત કમાનો, ગુલાબ-આકાર ધરાવતી અને તેરમી સદીના અતિ સુંદર કાચથી મઢેલી બારી તથા 2 અનુરૂપ ટાવર આવેલાં છે. આ ફસાડના આવા સૌંદર્યમાં, કોઈ પણ ગૉથિક ચર્ચના સ્થાપત્ય કરતાં કદાચ સૌથી મનોહર અને આકર્ષક તેમ વિપુલ સ્થાપત્ય ખૂબ વધારો કરે છે. આ સ્થાપત્યમાં બારમી સદીના શૈલીગત સર્જન કરતાં સવિશેષ વાસ્તવિકતા તથા ગતિમયતા જોવા મળે છે.

રીમ્ઝ કથીડ્રલ

આ કથીડ્રલને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ખૂબ નુકસાન થયું હતું, પરંતુ 1918થી ’37 દરમિયાન તેનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું.

મહેશ ચોકસી