રીમ્સ (Reims) : ઉત્તર ફ્રાન્સમાં આવેલું કિલ્લેબંધીવાળું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 19´ ઉ. અ. અને 4° 04´ પૂ. રે.. તે પૅરિસથી ઈશાનમાં આશરે 158 કિમી. અંતરે વેસ્લી નદી પર આવેલું છે. આ શહેરની ખ્યાતિ તેના ભવ્ય કથીડ્રલને કારણે ઊભી થયેલી છે. રીમ્સનું આ કથીડ્રલ તેરમી સદીમાં બંધાવું શરૂ થયેલું અને 1430માં પૂરું થયેલું. તે તેની આજુબાજુના આવાસોથી ઘણી ઊંચાઈવાળું હોવાથી અલગ તરી આવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, રીમ્સ શહેર પર ચાર વર્ષ સુધી લગભગ રોજ બૉંબવર્ષા કરવામાં આવેલી. 1918માં વિશ્વયુદ્ધ પૂરું થતાં તેની આજુબાજુનાં ઘણાં મકાનો અને ઇમારતોનું પુનર્નિર્માણ કરવામાં આવેલું. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ શહેરને ફરીથી સહન કરવું પડેલું. 1940થી 1944 સુધી જર્મનોએ રીમ્સને પોતાને કબજે રાખેલું. તે પછીથી રીમ્સ મિત્ર-રાજ્યોનાં દળો માટે પુરવઠો પૂરો પાડવા માટેનું મથક બની રહેલું. 1945ના મેની પહેલી તારીખે જર્મનોએ રીમ્સ ખાતે પોતાની શરણાગતિના સહીસિક્કા કરી આપેલા.

આ શહેર ફ્રાન્સના મદ્ય-ઉત્પાદન કરતા મહત્વના વિસ્તારમાં આવેલું છે. વળી ફ્રેન્ચ શેમ્પેનના ઉત્પાદનમાં તે અગ્રસ્થાને છે. તે ફ્રાન્સના ઊન ઉદ્યોગનું પણ મોટું બજાર ધરાવે છે. અન્ય ઉત્પાદનોમાં યંત્રસામગ્રી, રસાયણો, સાબુ, કાગળ અને દારૂની બૉટલો તથા દારૂનાં પીપોનો સમાવેશ થાય છે.

કલા અને સ્થાપત્યના રસિકો માટે અહીંનું નૉત્રદામનું કથીડ્રલ દર્શનીય ગણાય છે, તે ગૉથિક સ્થાપત્યશૈલીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. ફ્રાન્સના લગભગ બધા જ રાજવીઓની તાજપોશીના કાર્યક્રમો આ કથીડ્રલમાં કરવામાં આવેલા. પ્રથમ વિશ્વયુદ્ધની ભારે બૉંબવર્ષાથી તેને વધુ પડતું નુકસાન થયેલું. તેનું 1937 સુધીમાં સમારકામ કરી લેવામાં આવેલું.

રીમ્સની વસ્તી 1999 મુજબ 1,91,325 (શહેર) અને 2,15,581 (મહાનગર) જેટલી છે.

જાહ્નવી ભટ્ટ