રીતિ અને રીતિસિદ્ધાંત : ચોક્કસ વર્ણો, સમાસો અને ગુણોવાળી કાવ્યરચનાની પદ્ધતિ. કાવ્યના આત્મભૂત તત્વ અંગે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો એક મહત્વનો સિદ્ધાંત. પોતાના ગ્રંથ ‘કાવ્યાલંકારસૂત્ર’ અને તેના ઉપરની સ્વરચિત ‘વૃત્તિ’માં આચાર્ય વામને (આશરે ઈ. સ. 800) આ સિદ્ધાંત સ્થાપ્યો. વામન કાશ્મીરના રાજા જયાપીડના દરબારમાં અમાત્ય હતા.
વામનના મતે ભાષાની પદરચનામાં દોષોના ત્યાગથી તેમજ ગુણો-અલંકારોના સ્વીકારથી કાવ્યસૌંદર્ય પ્રગટે છે. (ગુણો કાવ્યસૌંદર્યને જન્માવી–પ્રગટાવી શકે જ્યારે અલંકારો એ સૌંદર્ય જો હોય તો તેની માત્રામાં માત્ર વધારો જ કરી શકે, જન્માવી ન શકે એટલો એ બંનેમાં ભેદ છે.) ગુણોનાં સંયોજનોની વિવિધ-વિશિષ્ટ રીતિઓ તે જ કાવ્ય. દેહમાં જેટલું આત્માનું તેટલું કાવ્યમાં રીતિનું મહત્વ છે. રીતિ કાવ્યનો આત્મા છે. રીતિ વિના કાવ્ય જ ન પ્રગટે. જેમ રેખામાં ચિત્ર રહેલું છે તેમ રીતિમાં જ કાવ્ય રહેલું છે. રેખા કાઢી લો તો ચિત્ર જ નાશ પામે. જેમ રેખા અને ચિત્ર વચ્ચે તેમ રીતિ અને કાવ્ય વચ્ચે પણ અવિનાભાવ (એક વિના બીજાનું અસ્તિત્વ જ ન સંભવે એવો) સંબંધ છે.
કાવ્યની ભાષાના આ ગુણો પરંપરા(ભરત – આશરે ઈ. સ. 100, દણ્ડી આશરે ઈ. સ. 700)ગત રીતે દસ ગણાવાય છે. વામનનું સૂત્ર છે : ओज:1 – प्रसाद2 – श्लेष3 – समता4 – समाधि5 – माधुर्य6 – सौकुमार्य7 – उदारता8 – (अ)र्थव्यक्ति9 – कान्तयो10 बन्धगुणा :। આ દસ ભાષાના વિવિધ પદબંધોનાં પદોનાં સંયોજનોના ગુણો છે.
વામન કાવ્યનાં બધાં જ પાસાંઓનો – શબ્દોની (ક્રમશ: ગાઢ તથા શિથિલ એમ) સમતોલ યોજના, સમરૂપતા, તેમનો વર્ણપ્રભાવ, અર્થો સાથે સંબંધ, રચનાની નિત્યનવીન પ્રોજ્જ્વલતા, અર્થોની સાભિપ્રાય પ્રૌઢિ, આદર્શ કાવ્યબંધ, વસ્તુસંવિધાન, સામગ્રીનું ઔચિત્ય, કવિ-ભાવક ઉભયની દૃષ્ટિએ કાવ્યાર્થની મૌલિકતા-વ્યંજકતા, સામગ્રીની નવીનતા-કોમલતા-સંસ્કારિતા, રસવિચાર-કાવ્યનો ભાવપક્ષ – વિચાર કરે છે અને આ બધા ગુણોનું પાનકરસન્યાયે (શરબતની સામગ્રીના સંયોજન જેવું) સંયોજન તે રીતિ એમ કહે છે.
સામાન્ય રીતે આવાં સંયોજનોમાં કાં તો બધા જ ગુણોનું સંયોજન સમતોલ હોય, અથવા કેટલાક ગુણોની અધિકતા હોય. જો માધુર્ય–સૌકુમાર્ય જેવા ગુણોની અધિકતા હોય તો તો ચાલે, પણ જો ઓજસ્-શ્લેષ જેવા પ્રભાવક ગુણોની અધિકતા હોય તો તે સ-રસ હોવા જ જોઈએ, નીરસ પ્રભાવકતા આડંબરી લાગે. આ બધો ખ્યાલ રાખીને વામન બધા ગુણોની સમતોલ (समग्रगुणा) રીતિને વૈદર્ભી, માધુર્ય- સૌકુમાર્ય-પ્રધાન રીતિને પાંચાલી અને પ્રભાવક પણ રસયુક્ત (ओजःकान्तिमती) રીતિને ગૌડિયા તરીકે ઓળખાવે છે. સ્વાભાવિક રીતે જ વૈદર્ભી રીતિ સર્વોત્તમ છે. એને વામન કાવ્યપાક કહે છે અને તેને આમ્રપાકનીકેરીની સુયોગ્ય પરિપક્વતાની ઉપમા આપે છે.
રીતિસિદ્ધાંતમાં વામને દશ ગુણોની પરંપરા ભરત-દંડી પાસેથી મેળવી છે તેમજ ગુણો-અલંકારોનો ભેદ દંડીને અનુસરીને કર્યો છે, પણ ગુણોનું મહત્વ સમજાવીને તેનાં સંયોજનોરૂપી રીતિ તે જ કાવ્યનો આત્મા છે એવી સિદ્ધાંતસ્થાપના, ગુણ-રીતિના સંબંધનું તાત્વિક સ્વરૂપ તથા પદબન્ધના ગુણોના શબ્દગત-અર્થગત એમ દ્વિવિધ વિચાર દ્વારા કાવ્યનાં અનેકવિધ પાસાંઓનું લગભગ સમગ્રતાપૂર્વક આકલન એ વામનનાં પોતાનાં મહત્વનાં અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રને વિધાયક વળાંક આપનારાં પ્રદાનો છે. કાવ્યવિચારમાં સર્વોપરી બનેલા ધ્વનિસિદ્ધાંતને માટેની અનિવાર્ય એવી પૂર્વભૂમિકા વામનનો રીતિસિદ્ધાંત પૂરી પાડે છે. શુદ્ધ કૃતિનિષ્ઠ કાવ્યતત્વવિચારની દૃષ્ટિએ વામનનો રીતિસિદ્ધાંત આદ્ય છતાં તર્કશુદ્ધ અને વ્યાપક દૃષ્ટિવાળો તેમજ સ્વયંસંપૂર્ણ છે.
પરંતુ વામને કાવ્યનો આત્મા રીતિ છે એમ કહી જે રીતિ અને ગુણો પર વધુ ભાર મૂક્યો તેથી કાલિદાસાદિ પૂર્વકવિઓએ શબ્દ અને અર્થ બંને પર સમાન ભાર આપી ધ્વનિ વગેરેવાળી સુંદર કાવ્યરચનાઓ કરેલી તેને પ્રતિકૂળ હોવાથી પાછળના આલંકારિકોએ ઉવેખ્યો અને ધ્વનિને કાવ્યાત્મા તરીકે આવકાર આપ્યો.
ધ્વનિવાદી આચાર્યોએ રીતિને કાવ્યના એક શોભાકારક તત્વ તરીકે સ્વીકારીને વામને નિરૂપેલી વૈદર્ભી, ગૌડી અને પાંચાલીમાં રુદ્રટે ઉમેરેલી ચોથી લાટી રીતિ વિશે પોતપોતાની રીતે વિચાર કર્યો છે. આનંદવર્ધન અને મમ્મટ રીતિનાં નિયામક તત્વો વક્તા, વાચ્ય, વિષય, રસાનુકૂલ્ય અને ઔચિત્યને ગણાવે છે. વિશ્વનાથ ગુણ, સમાસ અને વર્ણસંઘટનાને રીતિનાં મુખ્ય તત્વો માને છે. રીતિ રસને ઉપકારક હોય છે એમ પણ વિશ્વનાથ કહે છે. ધ્વનિવિરોધક આચાર્ય કુંતક રીતિને ભામહને અનુસરી માર્ગ કહે છે અને કવિસ્વભાવને રીતિ–માર્ગ–નો આધાર માને છે. સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એવા ત્રણ માર્ગો અનુક્રમે વૈદર્ભી, ગૌડી અને પાંચાલી રીતિ જેવા કુંતકે ગણાવ્યા છે. માધુર્ય ગુણની વ્યંજક, લલિત, પ્રાસાદિક, અસમાસા કે અલ્પસમાસા વર્ણરચના ધરાવતી વૈદર્ભી રીતિ શૃંગાર અને કરુણ વગેરે સુકુમાર રસો માટે પ્રયોજાય છે. ઓજસ્ ગુણની વ્યંજક, દીર્ઘસમાસા, કઠોર, સાનુપ્રાસિક વર્ણરચના ધરાવતી ગૌડી રીતિ રૌદ્ર, ભયાનક, વીર વગેરે રસો માટે પ્રયોજાય છે. મધ્યમસમાસા, વૈદર્ભી અને પાંચાલીની મધ્યની શિથિલ રચના ધરાવતી લાટી, પાંચ કે છ સમાસોમાં પૂરી થતી કાવ્યરચનાવાળી વૈદર્ભી અને ગૌડીના મિશ્રણવાળી રચના ધરાવતી પાંચાલી રીતિ પણ નિરૂપવામાં આવી છે.
રાજેન્દ્ર નાણાવટી