રીતિકાલ (1650–1850) : હિન્દી સાહિત્યના ઇતિહાસનો 1650થી 1850નો સમયગાળો નિર્દેશતો તબક્કો.
‘રીતિકાલ’ હિંદીમાં શૃંગારપરક કાવ્યો અને લક્ષણગ્રંથોના રચનાકાળના સંદર્ભમાં રૂઢ થઈ ગયો છે. આ સમયગાળામાં ભક્તિ અને નીતિવિષયક કાવ્યો પણ લખાયાં હતાં, પણ શૃંગાર-વિષયક કાવ્યો અને રીતિ-લક્ષણગ્રંથોને પ્રાધાન્ય મળ્યું. આ કાળમાં ભક્તિ-આંદોલન પોતાની તેજસ્વિતા ગુમાવતું ગયું. કવિતા દરબારી સંસ્કૃતિના પ્રભાવમાં આવી, તેના કારણે જે સંસ્કૃત લક્ષણગ્રંથોને ભક્તિકાળમાં મહત્વ અપાયું નહોતું તેમના આધારે હિંદીમાં લક્ષણગ્રંથો અને તેના ઉદાહરણ રૂપે કાવ્યરચનાઓ થવા લાગી.
આ સમયમાં પણ પ્રેમ અને ભક્તિને વ્યક્ત કરવા રાધા-કૃષ્ણને આધાર બનાવવામાં આવ્યાં, પણ કાવ્યમાં તેમનું વર્ણન સાધારણ નાયક-નાયિકા રૂપે કરવામાં આવ્યું. આ અંતરને ભક્તિકાલ અને રીતિકાલના બે કવિઓના ઉદગારોથી સમજી શકાશે. ભક્ત કવિ તુલસીદાસે લખ્યું હતું કે તેઓ ન પોતાને કવિ માને છે અને ન ‘ચતુર’ (બુદ્ધિશાળી) કહેવડાવવા ઇચ્છે છે. તેઓ પોતાની બુદ્ધિ પ્રમાણે રામનાં ગુણગાન કરે છે. જ્યારે રીતિકાલના કવિ ભિખારીદાસે કવિત્વની ચિન્તા કરતાં કહ્યું કે ‘મારું કાવ્ય જો સુકવિઓને આકર્ષી શકશે તો તે કાવ્ય છે, નહિતર તેને રાધા-કૃષ્ણના સ્મરણનું બહાનું માત્ર માનીશ.’
રીતિકાલ માટે ‘ઉત્તર મધ્યકાળ’, ‘અલંકૃત કાળ’, ‘શૃંગાર કાળ’ જેવી સંજ્ઞાઓ અપાઈ હતી. છેવટે રીતિકાલ નામ જ પ્રચારમાં રહ્યું. આ રીતિકાલ સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના રીતિ-સંપ્રદાયનો પ્રકટ સંબંધ નથી; પણ આ યુગની કવિતા રીતિ-લક્ષણગ્રંથોથી પ્રેરિત થતી લાગે છે.
રીતિકાલમાં સવિશેષ મુક્તકકાવ્યો તેમજ કાવ્યશાસ્ત્રીય ગ્રંથો રચાયાં. આ ગાળામાં આસક્તિપરક, નીતિપરક તથા વિરક્તિપરક વિષયો પર મુક્તકો ને પદો રચાયાં. આ જ કારણે આચાર્ય વિશ્વનાથ પ્રસાદ મિશ્રે આ યુગના કાવ્યનું રીતિસિદ્ધ, રીતિમુક્ત અને રીતિબદ્ધ શીર્ષકો હેઠળ વિભાજન કર્યું છે.
આચાર્ય રામચંદ્ર શુક્લે રીતિકાલનો આરંભ (સં. 1700) ચિંતામણિથી માન્યો છે. કેટલાક કેશવથી તેનો આરંભ થયો હોવાનું માને છે. જોકે આચાર્ય શુક્લે સ્વીકાર તો કર્યો જ છે કે સં. 1700 પૂર્વેથી જ એ પ્રકારનું સાહિત્ય રચાવા લાગ્યું હતું. કૃપારામનું ‘રસનિરૂપણ’, નંદદાસકૃત ‘રસમંજરી’, ‘વિરહમંજરી’, મોહનલાલ મિશ્રકૃત ‘શૃંગારસાગર’, કરનેસ રચિત ‘કર્ણાભરણ’ અને ‘કવિપ્રિયા’, ‘રસિકપ્રિયા’, ‘રહીમ-બરવૈ’, ‘નાયિકાભેદ’, બાલકૃષ્ણકૃત ‘રસચંદ્રિકા’ વગેરે ગ્રંથો સં. 1700 પૂર્વેના રીતિવિષયક સાહિત્યની સાક્ષી પૂરે છે. આમ છતાં કાવ્યમાં આચાર્યત્વ અને કવિત્વ કેશવથી આવે છે. આથી રીતિયુગના પ્રથમ આચાર્ય કેશવ (વિ. સં. 1650) છે.
કાવ્યાંગ-ચર્ચા આ કાળમાં વિશેષ થઈ હતી. આ કવિઓ કાવ્ય-રીતિ પ્રત્યે સજાગ હતા, પછી એમણે શૃંગાર-કાવ્ય રચ્યાં હોય કે પછી ભક્તિ અને નીતિકાવ્યો, રીતિકાલમાં રીતિ-ગ્રંથોની પરંપરા શરૂ થઈ, પણ તેઓ ‘કાવ્યપ્રકાશ’ કે ‘સાહિત્યદર્પણ’થી વધારે જયદેવના ‘ચંદ્રાલોક’ અને અપ્પય દીક્ષિતના ‘કુવલયાનંદ’ને અનુસરે છે. ભાનુદત્તની ‘રસમંજરી’ રીતિકવિઓના નાયિકાભેદનો આધારગ્રંથ હતી. ચિંતામણિ ત્રિપાઠી, મતિરામ, ભિખારીદાસ, શ્રીપતિ, કુલમતિ મિશ્ર, સૂરતિ મિશ્ર જેવા કવિ-આચાર્યોએ લક્ષણગ્રંથોની રચના કરી અને ઉદાહરણો માટે કાવ્ય રચ્યાં. નાયિકાભેદ, અલંકાર, નખ-શિખ રૂપવર્ણન અને ઋતુવર્ણન આ કાળની કવિતાના વર્ણ્ય વિષય હતા. બિહારી, મતિરામ, દેવ, પદ્માકર જેવા સમર્થ કવિઓમાં બિહારી સિવાય દરેકે કાવ્યરચનાની સાથે લક્ષણગ્રંથો લખ્યા છે. બિહારીલાલે ‘બિહારી સતસઈ’ નામે એકમાત્ર કાવ્યગ્રંથની રચના કરી રીતિકાલના શ્રેષ્ઠ કવિનું પદ પ્રાપ્ત કર્યું. દોહા જેવા છંદમાં ભાવ અને ભાષાનું ઉત્કૃષ્ટ સંયોજન કરી રીતિકાલની સર્જનાત્મક ઊંચાઈ તેમણે પ્રમાણિત કરી. શૃંગાર, ભક્તિ અને નીતિવિષયક દોહાઓ ‘બિહારી સતસઈ’માં છે, પણ શૃંગારિક કાવ્યો અને એમાં પણ સંયોગશૃંગારનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોની સંખ્યા વધારે છે.
રીતિકાલના કવિઓને બે શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવે છે : રીતિબદ્ધ કવિ અને રીતિમુક્ત કવિ. રીતિબદ્ધ કવિઓએ રીતિ-લક્ષણગ્રંથ પ્રમાણે કાવ્યરચના કરી. ઉપર ચર્ચાયેલા કવિઓ રીતિબદ્ધ કવિઓ છે. એમની મુખ્ય કાવ્યપ્રવૃત્તિ શૃંગારિકતાને અનુલક્ષતી હતી. બીજા રીતિમુક્ત કવિઓ છે, જેઓ દરબારી સંસ્કૃતિમાં રહીને પણ શૃંગારિક કાવ્યપ્રવૃત્તિમાં ખાસ ખેંચાયા નહિ. તેમનાં કાવ્યોમાં પ્રેમની માર્મિક અભિવ્યક્તિ અને ભક્તિનો સંસ્પર્શ અનુભવાય છે. આ યુગમાં રાજપ્રશસ્તિ-પરક કાવ્યો પણ લખાયાં છે. આ સંદર્ભમાં કવિ ભૂષણનો ઉલ્લેખ કરી શકાય, જેમણે ‘શિવરાજભૂષણ’, ‘શિવાબાવની’ અને ‘છત્રસાલદશક’ જેવાં પ્રશસ્તિકાવ્યો આપ્યાં. રીતિમુક્ત કવિઓમાં ધનાનન્દ, આલમ, બોધા અને ઠાકુર જેવા કવિઓ વિશેષ ધ્યાન ખેંચે છે. રીતિકાલીન પરિવેશમાં એમનાં કાવ્યોમાં સાચા પ્રેમની માર્મિક અનુભૂતિને અભિવ્યક્તિ મળી. એમને માટે પ્રેમ કોઈ દરબારી સંસ્કૃતિનો પ્રેમ નહોતો. તેઓએ દરબારી સંસ્કૃતિને અતિક્રમીને ‘પ્રેમના પીર’ને વાચા આપી. આ કવિઓમાંથી અધિકાંશના પ્રેમ-પ્રસંગોની ચર્ચા છે અને તેઓ પ્રેમના ક્ષેત્રમાં આઘાત પામી ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. ધનાનંદ, આલમ જેવા કવિઓને આ સંદર્ભમાં યાદ કરી શકાય.
રીતિકાલમાં કાવ્યની ભાષા મુખ્યત્વે વ્રજભાષા બની ગઈ હતી. ‘રામચરિતમાનસ’ જેવું પ્રબંધકાવ્ય અવધીમાં રચાયેલું છે, છતાં રીતિકાલમાં અવધી ભાષામાં વિશેષ કાવ્યરચના થઈ નથી. મુક્તક અને પ્રબંધકાવ્યોની રચના આ યુગમાં થઈ હતી; પણ કાવ્યપ્રકૃતિ મુક્તક કાવ્યને વધારે અનુકૂળ હતી. દોહા, કવિત, સવૈયા જેવા છંદો લોકપ્રિય હતા, જે મુખ્યત્વે મુક્તકકાવ્ય માટે વધારે અનુકૂળ રહ્યા હતા.
આમ, હિન્દી સાહિત્ય આદિકાલ, ભક્તિકાલ, રીતિકાલ અને આધુનિક કાલમાં વહેંચાયું છે, જેમાં રીતિકાલ શૃંગારકાવ્યના આધિક્યને કારણે ભક્તિકાલથી વિપરીત તથા આવનાર આધુનિક કાલથી પણ અલગ પડી જાય છે. આ કાળના ગ્રંથોમાં વિષયવસ્તુનું રચનાકીય પ્રયોગ-શિલ્પ ધ્યાનપાત્ર છે. હિન્દી સાહિત્યનો આદિકાલ સંવત 1050 કે સંવત 1375 સુધીનો, એ પછી સંવત 1700 સુધીનો સમય ભક્તિ-કાલનો અને તે પછી સં. 1700થી 1900 સુધીનો આખો સમય આ રીતિકાલનો લેખાય છે. સં. 1900 પછી તો આધુનિક કાલની રફતાર શરૂ થાય છે.
ગુજરાતી સાહિત્યમાં શૃંગાર અને ભક્તિના ચિત્રણમાં એવો તફાવત નથી જેવો હિંદીની ભક્તિ અને રીતિકાલની કવિતામાં છે. મૂલ્યોની દૃષ્ટિએ રીતિકાવ્ય ઉચ્ચ આસનેથી નીચે ઊતરે છે. એનાં રાધા-કૃષ્ણ સાધારણ નાયક-નાયિકા છે; પણ એટલું અવશ્ય કહી શકાય કે કાવ્યાંગોની ચર્ચા અને રીતિ-લક્ષણોની રચનાના આ યુગમાં રીતિકાવ્ય ‘શુદ્ધ કવિતા’ની કોટિએ પહોંચવા જાય છે.
આલોક ગુપ્તા
રજનીકાન્ત જોશી