રીગન, રોનાલ્ડ વિલ્સન (જ. 6 ફેબ્રુઆરી 1911, ટામપિકો, ઇલિનોઇસ) : અમેરિકાના ચાલીસમા પ્રમુખ અને જાણીતા ફિલ્મ-કલાકાર. પિતા જૅક રીગન અને માતા નેલે રીગન. તેમનો સમગ્ર ઉછેર શિકાગોની પશ્ચિમે આવેલા ડિકસન નગરમાં થયો હોવાથી તેઓ તેને જ વતન માનતા. વિવિધ રમતો એમને ખૂબ ગમતી, પરંતુ તેમની પ્રિય રમત ફૂટબૉલ હતી.
ઇલિનોઇસની યુરેકા કૉલેજમાં શિક્ષણ મેળવી તેમણે 1932માં અર્થશાસ્ત્રના સ્નાતકની પદવી હાંસલ કરી. ખેલજગતના ઉદઘોષક તરીકે તેમણે પહેલી નોકરી આયોવા રાજ્યના રેડિયોઘર(દેસ મોઇન્સ)માં કરી. 1937માં ‘સ્ક્રીન-ટેસ્ટ’ પછી તેઓ અમેરિકાના હૉલિવુડના ફિલ્મજગતમાં પ્રવેશ્યા અને વૉર્નર બ્રધર્સ સ્ટુડિયો સાથે કરાર કરી ફિલ્મી કલાકાર તરીકે તેમણે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ ફિલ્મી જગતમાં સતત 30 વર્ષની સુદીર્ઘ કારકિર્દી સાથે તેમણે ભારે લોકચાહના મેળવી અને તે સાથે ટેલિવિઝનની કારકિર્દી પણ ઘડી. તેમણે લગભગ 53 ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવેલી. તેમની ‘ડેથ વૅલી ડેઝ’ (Death Valley Days) ટેલિવિઝન-શ્રેણી યાદગાર અને લોકપ્રિય નીવડેલી. જનરલ ઇલેક્ટ્રિક કંપનીના પ્રવક્તા તરીકે તેઓ ખૂબ લોકપ્રિય બનેલા. ફિલ્મી અને ટેલિવિઝન-શ્રેણીઓની આ લોકપ્રિયતાએ તેમને અમેરિકાભરમાં નામના અને ચાહના અપાવ્યાં અને તે દ્વારા પ્રમુખપદની કારકિર્દી માટેની ભૂમિકા તૈયાર થઈ. આ કારકિર્દી દરમિયાન 1942થી ’45ના ગાળામાં તેમણે અમેરિકાના હવાઈ દળમાં કૅપ્ટન તરીકે કામગીરી બજાવેલી.
1940માં સિનેતારિકા જેઇન વાઇમન (Jane Wyman) સાથેના પ્રથમ લગ્ન બાદ 1948માં તેઓ તેમનાથી છૂટા થયા અને 1952માં સિનેતારિકા નાન્સી ડેવિસ સાથે બીજાં લગ્ન કર્યાં, જેનાથી તેમને ચાર સંતાનો છે.
પિતાની જેમ પુત્રો પણ રાજકારણમાં ઊંડો રસ લેતા અને સામ્યવાદવિરોધી વિચારો માટે જાણીતા થયા હતા. 1964માં અમેરિકાના પ્રમુખીય ઉમેદવાર બેરી ગોલ્ડવૉટરને માટે કામ કર્યું અને તેને ટેકો આપ્યો. 1966થી ’75 સુધી તેઓ અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કૅલિફૉર્નિયા રાજ્યના ગવર્નર રહ્યા.
1980માં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે તેઓ પ્રમુખીય ચૂંટણીમાં વિજેતા બન્યા. ઉમરના 69મા વર્ષે સૌથી મોટી વયના અને ફિલ્મી કલાકાર તરીકે પ્રમુખ બનનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા.
1980માં અમેરિકાના પ્રમુખ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ઘરઆંગણે અનેક સમસ્યાઓ હતી, જેને ઉકેલવા માટે તેમણે ઝડપથી કામગીરી હાથ ધરી. ઝડપથી વધી રહેલા ફુગાવાને તેમણે અંકુશમાં લીધો, બેરોજગારીનો દર નીચો ગયો અને અર્થકારણ મજબૂત બનવા લાગ્યું. આ નીતિ ‘રીગનીઝમ’ નામથી ઓળખાતી થઈ.
1980ની મધ્યમાં વિદેશ-સંબંધો અને સંરક્ષણ-કાર્યક્રમો અંગે કૉંગ્રેસ સાથે ઘર્ષણ પેદા થવા છતાં દૃઢ પગલાં લેવા માટે તેઓ મક્કમ રહ્યા હતા. અવકાશક્ષેત્રે તેમણે ‘સ્ટાર વૉર્સ’નો મિસાઇલોનો કાર્યક્રમ ઘડ્યો અને તેને અમલમાં મૂક્યો.
1984ની પ્રમુખીય ચૂંટણીમાં બીજી મુદત માટે પ્રચંડ બહુમતીથી તેઓ ચૂંટાઈ આવ્યા. આ મુદત દરમિયાન સોવિયેત સંઘના નેતા મિખાઇલ ગૉર્બાચૉવ સાથેની મંત્રણાઓમાં તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું, જે દ્વારા અમેરિકા-રશિયા વચ્ચેના સંબંધોમાં નવા યુગનો આરંભ થયો. નવેમ્બર 1985થી આ બે દેશોના વડાઓ વચ્ચે વિવિધ તબક્કે શિખરમંત્રણાઓ યોજાઈ, બંને નેતાઓ વચ્ચે મૈત્રી કેળવાઈ. 1987માં ગૉર્બાચૉવે અમેરિકાની મુલાકાત લીધી, જે દરમિયાન ભૂમિ પર ચલાવાતા મધ્યમ કદ(500થી 5,500 કિલોમીટર)ના ન્યૂક્લિયર મિસાઇલોનો વિનાશ કરવા અંગેની સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ ઉપરાંત શસ્ત્ર-સરંજામની ખરીદીમાં ઘટાડાના નિર્ણયો લેવાયા. આ મંત્રણા અને મુલાકાતો દ્વારા ઠંડા યુદ્ધના એક યુગના ખૂંખાર પ્રતિસ્પર્ધી દેશો પરસ્પરની નજીક આવ્યા અને ખુલ્લા મનના નવી દિશા ખોલનારા પ્રયાસો હાથ ધરાયા. આ તબક્કે 1988માં સોવિયેત સમાજના લોકશાહીકરણનો પ્રારંભ થયો. ગૉર્બાચૉવે સોવિયેત સંઘમાં ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રૉઇકા(glasnost and perestroika)ની નીતિઓ દ્વારા ઐતિહાસિક બદલાવનો પ્રારંભ કર્યો.
અમેરિકાએ ઈરાનને શસ્ત્રો નહિ વેચવાની નીતિ સ્વીકારી હોવા છતાં અમેરિકા ઈરાનને અને આતંકવાદના અન્ય ટેકેદાર દેશોઅલ સાલ્વાડોરના બળવાખોરો અને નિકારાગુઆની સરકારને શસ્ત્રો વેચે છે. આ વાત નવેમ્બર 1986માં પ્રગટ થઈ જતાં રીગનતંત્રની પ્રતિષ્ઠાને અને તેમની ‘શાંતિચાહક તરીકેની ભૂમિકા’ને ભારે ધક્કો લાગ્યો હતો.
1989ના વર્ષમાં અમેરિકાની સુપ્રીમ કૉર્ટના 60 % ન્યાયાધીશોની નિમણૂક કરી, જે તેમની મહત્વની દેણગી હતી. 1989માં નિવૃત્તિ પછી તેમણે કૅલિફૉર્નિયામાં સ્થિર થવાનું પસંદ કર્યું છે.
‘વ્હૅર ઇઝ ધ રેસ્ટ ઑવ્ મી ?’ (1965) અને ‘ધ ક્રિયેટિવ સોસાયટી’ (1968) તેમના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ