રીકેનો સિદ્ધાંત (Riecke’s principle)

January, 2004

રીકેનો સિદ્ધાંત (Riecke’s principle) : ભૂસ્તરીય પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણોની દ્રવીભૂત થઈ જવાની ઘટના સાથે સંકળાયેલો સિદ્ધાંત. સામાન્ય રીતે કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ ખનિજકણો જે જરૂરી નિમ્ન કક્ષાએ દ્રાવણમાં ફેરવાય તે કરતાં ઉચ્ચ કક્ષાએ કાર્યરત પ્રતિબળોની અસર હેઠળ તે ઝડપથી દ્રવીભૂત થઈ જતા હોય છે. આ સિદ્ધાંત મુજબ મુક્ત સ્થિતિમાં રહેલા ખનિજકણોની તુલનામાં ખડકદળમાં રહેલા અમુક ખનિજકણો વધુ સરળતાથી ઓગળી જતા હોય છે. ઓગળી જતું ખનિજદ્રવ્ય સ્થાનાંતરિત થતું રહી અન્ય ખનિજકણો પર જામતું જાય છે. આ સિદ્ધાંત વિકૃત ખડકોમાં જોવા મળતી પુન:સ્ફટિકીકરણની ક્રિયાની સમજ પૂરી પાડે છે. વળી નવા રચાતા સ્ફટિકોની અન્યોન્ય સમાંતર દિકસ્થિતિનો પણ તે ખ્યાલ આપે છે. આ પરથી વિકૃત ખડકોમાં જોવા મળતી પત્રબંધી અને શિસ્ટોઝ-ગોઠવણી સમજી શકાય છે. સામાન્ય રીતે વિકૃત ખડકદળમાં જોવા મળતી ખનિજ-વિરૂપતા સૂક્ષ્મ તડો પર થતી ખનિજદ્રવ્યની ખસેડથી થાય છે. સ્ફટિકોની આંતરગૂંથણી પર પણ તેની અસર દેખાય છે અને પુન:સ્ફટિકીકરણની ક્રિયા અસ્તિત્વમાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા