રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing)
January, 2004
રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ (Research and Analysis Wing) : ભારત સરકારનું ગુપ્તચર-સંગઠન. ગુપ્તચર-વ્યવસાય વિશ્વનો પ્રાચીનતમ વ્યવસાય છે. પ્રાચીન ભારતમાં ગુપ્તચર-સંગઠનો દમન માટેનાં નહિ, પરંતુ શાસન-સંચાલન માટેનાં સાધન ગણાતાં હતાં અને ‘રાજાની આંખો સમાન’ હતાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ અંગે વિગતસભર માહિતી અને પદ્ધતિઓનું વર્ણન ઉપલબ્ધ છે.
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન પ્રથમ અને સુવ્યવસ્થિત ગુપ્તચર-સેવાનો આરંભ 1892–93માં થયો. મેજર જનરલ ચાર્લ્સ મેકગ્રેગોરને ગુપ્તચર વિભાગનું નેતૃત્વ સોંપાયું હતું. તે પૂર્વે દહેરાદૂન સ્થિત સર્વે ઑવ્ ઇન્ડિયા તરીકે ઓળખાતું સંગઠન ગુપ્તચર-વિભાગ અંગેનાં મુખ્ય કાર્યો કરતું હતું. આ તબક્કા સુધી ગુપ્તચર-પ્રવૃત્તિઓ સુસંગઠિત થયેલી નહોતી. નવેમ્બર 1920માં બ્રિટિશ શાસન દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોની રચના કરવામાં આવી અને 1933માં બીજા વિશ્વયુદ્ધની પૂર્વસંધ્યાનાં વર્ષોમાં હિંદના સરહદી વિસ્તારોની માહિતી એકત્ર કરવાનું કામ તેને સોંપાયું. આ ઉપરાંત ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (C.I.D.) ગુનાઓ અંગેની કામગીરીમાં કાર્યરત હતું.
1947માં ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્રથમ ભારતીય અધ્યક્ષ સંજય પિલ્લાઈ નિમાયા. બ્રિટિશ અને મુસ્લિમ સભ્યોએ આ બ્યુરોમાંથી રુખસદ લીધી હોવાથી બ્યુરોની સભ્ય-સંખ્યા પાંખી થઈ ગઈ હતી. એ સમયે ઇન્ટેલિજન્સ બ્યુરોનું નવું અને અદ્યતન માળખું ગોઠવવાની જરૂર ઊભી થઈ હતી, પણ તે અંગે પૂરતું ધ્યાન આપી શકાયું નહોતું.
1962માં ચીનના આક્રમણ વેળા આ જૂના માળખાની મર્યાદાઓ પ્રકાશમાં આવી. આ આક્રમણ સમયે ‘પૂરતી ગુપ્તચર માહિતી પ્રાપ્ત ન હોવાનું’ કારણ ‘રૉ’ના ઉદભવમાં મહત્વનું નિમિત્ત બન્યું. 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ-સમયે પરિસ્થિતિમાં ઝાઝો ફેરફાર થયો નહોતો. આથી આ યુદ્ધ બાદ ભારતીય સૈન્યના સેનાધિપતિ જનરલ જે. એન. ચૌધરીએ આ અંગે ગંભીર પગલાં ભરવા બાબતે સરકારનું ધ્યાન દોર્યું.
1966ના અંતભાગમાં અને ’67ના પ્રારંભે આ અંગે ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી અને ‘અલગ વિદેશ ગુપ્તચર એજન્સી’ની રચના નક્કર આકાર ધારણ કરવા લાગી. 1968માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન પૂર્ણવિકસિત સ્વરૂપની ગુપ્તચર સલામતી સેવાની રચનાનો નિર્ણય લેવાયો તથા તુરત જ તેનો અમલ થયો. તે સમયના ગુપ્તચર બ્યુરોના નાયબ અધ્યક્ષ આર. એન. કાવ દ્વારા આ નવી એજન્સીની રચનાનું પૂર્વઆયોજન (blueprint) રજૂ થયું. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતનાં રાષ્ટ્રીય હિતોનું અન્ય તમામ દેશોમાં રક્ષણ કરવાનો હતો. તેની કાર્યપદ્ધતિ ‘જાસૂસી’ના પ્રખ્યાત સિદ્ધાંતો પર આધારિત છે. મહાઅમાત્ય કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ને કેન્દ્રમાં રાખીને આ સિદ્ધાંતો રચાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો જાસૂસી કે ગુપ્તચર સેવામાં ‘સાધનશુદ્ધિ’નો આગ્રહ રાખવો નિરર્થક છે.
તદનુસાર, 1968માં સૌપ્રથમ ભારતીય વિદેશી ગુપ્તચર સેવા(Indian Foreign Intelligence Service)ની સ્થાપના થઈ અને તેને ‘રિસર્ચ ઍન્ડ એનૅલિસિસ વિંગ’ નામ અપાયું, જેનું ટૂંકાક્ષરી રૂપ ‘રૉ’ નામથી ઓળખાય છે. ઇન્ટેલિજન્સ બ્યુરોની અલગ પાંખ રૂપે રૉની રચના થઈ અને આર. એન. કાવ તેના વડા નિમાયા. રૉ
મૂળભૂત રીતે ગુપ્તચર સેવા અંગેની સંસ્થા તરીકે કામ કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ સંસ્થાનો પાયો નંખાયો ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લૂઇ એફ. હાલિસ(Louis F. Hallis)ને ટાંકીને જણાવેલું કે તેનો ઉદ્દેશ ‘વાક્પટુતા, તર્કબદ્ધ દલીલો, આડંબર, નિંદા, ધમકી કે દબાણ દ્વારા અથવા દયાપાત્ર દેખાવ કે ઉશ્કેરણી કરીને અન્યને અસ્વસ્થ બનાવીને – કોઈ પણ ભોગે ઇચ્છિત ધ્યેય હાંસલ કરવાનો છે.’ રૉ ભારતની રાષ્ટ્રીય સત્તાનું અસરકારક સાધન છે. દેશની રાષ્ટ્રીય નીતિ અને વિદેશનીતિના ઘડતરમાં તે મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. આ પ્રયાસોમાં ભારતમાં સત્તા પર આવતી પ્રત્યેક પક્ષની સરકારનું તેને સમર્થન મળે છે.
રૉનું આ સંગઠન સીધું વડાપ્રધાન હેઠળ કાર્ય કરે છે. તેની રચનાનું માળખું, વેતનધોરણો, લાભો (perks) અને શ્રેણીઓ (rank) સંસદથી પણ ગુપ્ત હોય છે. તેની સ્થાપનાના પહેલા વર્ષે 250 સભ્યોનો કર્મચારીગણ અને 2 કરોડનું બજેટ તેને ફાળવવામાં આવેલું, પરંતુ 1970ના દાયકાના પ્રારંભે તેને હજારોની સંખ્યા ધરાવતો કર્મચારીગણ ઉપલબ્ધ હતો અને 30 કરોડનું બજેટ ફાળવવામાં આવેલું. તેની કામગીરીનો વિસ્તાર થયો હોવાથી 1971માં અધ્યક્ષ કાવ એવિયેશન રિસર્ચ સેન્ટર(Aviation Research Centre – ARC)ની રચના કરવા અંગે સરકારની સંમતિ મેળવી શક્યા હતા. આ ઘટક હવાઈ કામગીરી અંગેના તપાસજૂથ તરીકે કામ કરે છે. 1976માં અમુક પ્રકારની સલામતીની વિશેષ જવાબદારી રૉને સોંપવામાં આવી. કાવને બઢતી આપી પૂરા સમયના સચિવ નીમવામાં આવ્યા. આ સંસ્થા માત્ર વડાપ્રધાનને સીધી જવાબદાર રહેશે તેમ ઠરાવવામાં આવ્યું અને 1976થી તે ભારતની પ્રમુખ ગુપ્તચર-સેવા-સંસ્થા તરીકેનું સ્થાન પામી. વાસ્તવમાં પ્રત્યેક એલચી કચેરી અને દૂતાવાસમાં તેના એજન્ટો કોઈ ને કોઈ સ્વરૂપે કાર્યરત હોય છે. તેને વિદેશ મંત્રાલય વાર્ષિક 25 કરોડ રૂપિયા ‘વિવેકોચિત સહાય’(discretionary grants)ના સ્વરૂપે પૂરા પાડે છે. બ્રિટન, કૅનેડા અને અમેરિકામાં તે નોંધપાત્ર કાર્યો હાથ ધરે છે.
તેના ઉદ્દેશો ભારત સરકારે સ્પષ્ટ અને જાહેર કર્યા નથી, છતાં આ અંગે અશોક રૈના રચિત આધારભૂત ગ્રંથ ‘ઇનસાઇડ રૉ’(1981)ના આધારે તે નીચે મુજબ રજૂ કરી શકાય :
1. ભારત સાથે સંકળાયેલા અને સીધી રીતે સરહદોથી જોડાયેલા દેશોની રાજકીય, લશ્કરી અને વિદેશમાંની ગતિવિધિ પર નજર રાખવી.
2. આંતરરાષ્ટ્રીય સામ્યવાદ અને બે મુખ્ય સામ્યવાદી દેશો (રશિયા અને ચીન) વચ્ચે પડેલી તિરાડ પર દેખરેખ રાખવી, કારણ બંને જૂથો ભારતના સામ્યવાદી પક્ષ સાથે સંબંધ ધરાવે છે.
3. યુરોપના દેશો અને અમેરિકા ચીન, પાકિસ્તાનને જે લશ્કરી સહાય પૂરી પાડે છે તેના પર ચાંપતી નજર રાખવી.
4. વિદેશોમાં વસતા ભારતીયોનાં વિશાળ વાંશિક જૂથો સાથે સંબંધો કેળવી શક્તિશાળી માધ્યમ (lobby) તરીકે તેમને ઉપયોગમાં લેવા. એથી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતની કામગીરીને યોગ્ય પરિપ્રેક્ષ્ય સાંપડે.
સંગઠન અને તાલીમ : ગુપ્તચર સેવા તરીકે રૉની રચના અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA)ના ધોરણે કરવામાં આવી છે. આમ છતાં અહીં એક મૂળભૂત ઘટના વીસરાવી ન જોઈએ કે કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ના આધારે રૉ તેનાં લક્ષ્યાંકો નક્કી કરે છે અને કૌટિલ્યના અન્ય રાજ્યો સાથેના વ્યવહારને સ્પર્શતા મહત્વના સિદ્ધાંતોને અમલી બનાવવા પ્રયાસ કરે છે; દા.ત., શત્રુના શત્રુને મિત્ર ગણી વ્યવહાર કરવો. આવા અનેક સિદ્ધાંતો પર રૉનું ચણતર થયું છે.
રૉમાં ભરતી થતા કર્મચારીગણે આકરી કસોટીમાંથી પસાર થવાનું હોય છે. આ માટે ભરતી થયેલા ઉમેદવારને મુખ્યત્વે ચાર વિવિધ તબક્કાઓમાં તાલીમ આપ્યા બાદ જ, યોગ્ય લાગે તો ગુપ્તચર કામગીરી સોંપવામાં આવે છે.
(અ) ભરતી : તાલીમનો આ પ્રથમ તબક્કો છે. પ્રારંભમાં ઇન્ટેલિજન્સ બ્યુરોમાંથી ભરતી પામેલા અધિકારીઓને તાલીમ આપવામાં આવતી હતી. ઉપરાંત થોડા સભ્યો પોલીસ-સેવામાંથી અને બાકીના સભ્યો અન્ય વિવિધ સેવાઓમાંથી ભરતી થતા હતા. પ્રારંભિક વર્ષો પછી આ પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું અને વિશ્વવિદ્યાલયોમાંથી તાજા ઉત્તીર્ણ થયેલા સ્નાતકોની ભરતી થવા લાગી. આ અંગેની પસંદગીના અને કસોટીના માપદંડો ઊંચા અને બંધનકારક હતા.
(આ) પાયાની તાલીમ : આ તાલીમની શરૂઆત સાથે ઉમેદવારોને પ્રથમ દસ દિવસ દરમિયાન મૌખિક માહિતી દ્વારા ગુપ્તચર અને જાસૂસી સેવાનો પરિચય કરાવવામાં આવે છે. તેનાં વિવિધ પાસાં અંગે ઉમેદવારોને સુમાહિતગાર કરાય છે. જાસૂસી અંગેની કપોળકલ્પિત માહિતીથી તેમનું ભ્રમનિરસન કરવામાં આવે છે. અહીં ઉમેદવારોને પાયાની અને અતિ મહત્વની એક બાબત શીખવાય છે કે દુશ્મનમાંથી મિત્રો ઊભા કરવાનું કામ ગુપ્તચર સેવાનું નથી. તે કામ દેશની વિદેશનીતિનું હોય છે.
(ઇ) પ્રથમ તબક્કો : ખરેખરી અને વ્યવહારુ તાલીમનો આરંભ આ કક્ષાએથી થતો હોવાથી તે પ્રથમ તબક્કા તરીકે ઓળખાય છે. આ કક્ષાએ જાસૂસી વ્યવહાર, ટૅકનિકલ શબ્દપ્રયોગ અને માહિતીનું વર્ગીકરણ કરવાનું કાર્ય શીખવવામાં આવે છે. અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA), રશિયાની કમિટી ફૉર સ્ટેટ સિક્યૉરિટી (KGB – Komitet Gosudarstvennoy Bezopasnosty), ચીનની ગુપ્તચર એજન્સી, પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિઝ ઇન્ટેલિજન્સ (ISI), ઇઝરાયલની મોસાદ જેવી સંસ્થાઓના વાસ્તવિક કિસ્સાઓ દ્વારા સઘન અભ્યાસની તાલીમ આપવામાં આવે છે. આ સાથે અંગકસરત સાથે સ્વરક્ષણ, સ્વબચાવ, માર્શલ આર્ટ જેવી તાલીમ પણ ઉમેદવારોએ લેવી પડે છે. દૂરંદેશીપૂર્વક ભાવિ જરૂરિયાતોને લક્ષમાં લઈ અન્ય આવશ્યક તાલીમ માટે ઉમેદવારોને સજ્જ કરવામાં આવે છે.
(ઈ) બીજો તબક્કો : ઉપર્યુક્ત તાલીમ બાદ ઉમેદવારને દૂરના વિસ્તારમાં અજમાયશી ધોરણે ગુપ્તચર કામગીરી સાથે બહાર મોકલવામાં આવે છે. આ કક્ષાએ ઉમેદવાર ફિલ્ડ ઇન્ટેલિજન્સ બ્યુરો (Field Intelligence Bureau FIB) સાથે સંકળાય છે. આ તાલીમ છ માસથી એક વર્ષ સુધી ચાલે છે. ગુપ્તચર કામગીરીનાં વિવિધ પાસાં, માહિતીની આપ-લે, હરીફના ક્ષેત્રમાં પકડાવું નહિ, પકડાય તો પૂછપરછનો સામનો કેવી રીતે કરવો ઇત્યાદિ કાર્યો માટે ઉમેદવારને પૂરેપૂરી તાલીમ આપ્યા બાદ તેમને કામગીરી માટે સુસજ્જ કરીને મૂળ કેન્દ્ર પર પરત બોલાવવામાં આવે છે. તેમની સુસજ્જતાની ચકાસણી બાદ દૂતાવાસોમાં તેમને ખરેખરી તાલીમમાં પ્રયોજવામાં આવે છે અને ત્યારબાદ આ તાલીમી કર્મચારીઓને વાસ્તવિક કામગીરી સોંપવામાં આવે છે.
કાર્યપદ્ધતિ : રૉ વિદેશોમાં ઉત્તમ છત્ર (cover) મળી રહે તે રીતે પ્રયાસો કરીને લક્ષ્યાંક ધરાવતા દેશમાં એલચી કચેરીઓ દ્વારા કામ કરે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં તેને છત્ર મળે છે, પણ રૉની પ્રવૃત્તિઓ છુપાવવા માટે બિનસરકારી સંગઠનો ઉત્તમ છત્ર પૂરું પાડે છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો તેમાં મદદરૂપ બને છે. સામાન્ય રીતે અન્ય દેશોનાં ગુપ્ત સંગઠનોને સક્રિય સહાય પૂરી પાડવા સાથે તેમના થકી તે સક્રિય સહાય પ્રાપ્ત કરે છે. રશિયા, અમેરિકા, બ્રિટન, ઇઝરાયલ જેવા દેશોની ગુપ્ત એજન્સીઓ (અનુક્રમે કેજીબી, સીઆઇએ, એમઆઇ, મોસાદ) આ માટે જાણીતી છે. આ તમામ વિવિધ દેશો વચ્ચે સમાન રસની બાબત પાકિસ્તાનનો ન્યૂક્લિયર કાર્યક્રમ છે. માહિતી મેળવવામાં રૉ અત્યંત સક્રિય રહી ત્રીજા જ દેશ દ્વારા કાર્ય કરે છે; જેમાં મધ્યપૂર્વના દેશો (આરબ રાજ્યો), અફઘાનિસ્તાન, ઇંગ્લૅન્ડ, હૉંગકૉંગ, મ્યાનમાર અને સિંગાપોરનો સમાવેશ થાય છે. વિદેશમાંનાં કાર્યો સફળ રીતે પાર પાડવા તે સ્થાનિક લોકોમાંથી ઉમેદવારોની ભરતી કરવાનું પસંદ કરે છે. ગુપ્તચર કામગીરી અંગે તે કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ના સિદ્ધાંતોને અનુસરી સુરા, સુંદરી અને સંપત્તિનો યથાવકાશ ઉપયોગ કરે છે. જરૂર પડ્યે કાવાદાવા કરી વાંશિક પરિબળોને કે ભાગલાવાદી પરિબળોને યા ભાંગફોડ જેવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી કામ કરાવે છે.
રૉની સફળ કામગીરીની યાદી ઠીક ઠીક લાંબી છે. 1968નાં તેનાં પ્રારંભિક વર્ષોમાં પાકિસ્તાન તેનું પ્રમુખ લક્ષ્યાંક હતું. શીખ આતંકવાદીઓને પાકિસ્તાન શસ્ત્રો પૂરાં પાડે છે એવી માહિતીને આધારે તેણે કામગીરી હાથ ધરી હતી. તેણે પાકિસ્તાનવિરોધી તત્વોની વ્યાપક જાળ રચી, પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રદેશોનાં ભાગલાવાદી અને વાંશિક જૂથોનું સમર્થન મેળવ્યું. પ્રકાશિત અહેવાલ અનુસાર 1983થી ’93 દરમિયાન 35,000 રૉ એજન્ટ પાકિસ્તાનમાં પ્રવેશ્યા હતા, જેમાંથી 12,000 સિંધ પ્રાંતમાં; 10,000 પંજાબમાં; 8,000 વાયવ્ય સરહદ પ્રાંતમાં અને 5,000 બલૂચિસ્તાનમાં કાર્યરત હતા.
બાંગ્લાદેશના સર્જનમાં રૉની ભૂમિકા નોંધપાત્ર હતી. ત્યાંની પ્રજામાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ અસંમતિનાં બીજ રોપી અગરતલા ખાતે કાવતરું રચ્યું. બાંગ્લાદેશની રચના પૂર્વે મુજીબુર રહેમાનને સામાન્ય ચૂંટણી જીતવામાં તથા મુક્તિવાહિનીની રચનામાં સહાય કરેલી. મુક્તિવાહિની દ્વારા ગેરીલા કામગીરીને ઉત્તેજન આપી પુલો અને માર્ગો ઉડાવી દઈ તેણે પાકિસ્તાનના કાર્યોત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું હતું. આમ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ ભારતે આ યુદ્ધ જીતી લીધું હતું.
પોખરણ ખાતેના 18 મે, 1974ના ભારતના પ્રથમ અણુવિસ્ફોટના કાર્યક્રમને ‘પ્રૉજેક્ટ પૂર્ણિમા’ નામ આપી આ અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવી રૉએ એની કામગીરી નિભાવી હતી. ભારતની સીમાની અંદરની આ સૌપ્રથમ ગુપ્તચર કામગીરી હતી જેનો યશ તેને જાય છે.
સિક્કિમનું ભારત સાથે જોડાણ કરી તેને 26 એપ્રિલ, 1975ના રોજ ભારતનું 22મું રાજ્ય બનાવવામાં પણ રૉની પ્રમુખ ભૂમિકા હતી. માલદીવમાં પણ રૉએ ભૂમિકા ભજવેલી. કાશ્મીરી મુજાહિદીન જૂથોમાં ફાટફૂટ પડાવવાની કામગીરી ‘ઑપરેશન ચાણક્ય’ રૂપે તેણે સફળતાપૂર્વક પાર પાડી હતી.
આમ છતાં રૉ કેટલાંક ક્ષેત્રે નિષ્ફળ પણ નીવડ્યું છે. શ્રીલંકાના તમિળ સશસ્ત્ર જૂથોને સત્તાવાર ભારતીય સમર્થન પૂરું પાડવામાં આવેલું. આ અંગે જૈન કમિશનની તપાસમાં રજૂ થયેલી વિગતો મુજબ ભારતમાં 30 જેટલાં તાલીમ-કેન્દ્રો રૉ અને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ચલાવવામાં આવતાં અને લિબરેશન ટાઇગર્સ ઑવ્ તમિળ ઇલમ(LTTE)ને ગુપ્ત ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. 1986માં તેણે રાજકીય કારણોસર LTTE પર જાપતો રાખ્યો. આ તબક્કે ભારતનાં શાંતિરક્ષક દળો શ્રીલંકાની સરકારને મદદ કરશે એવી પૂર્વધારણા LTTEએ બાંધી અને આ મદદ રોકવાના હેતુથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવાનું કાવતરું સફળતાપૂર્વક પાર પાડ્યું.
કટોકટી વેળા રૉ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પરોક્ષ રીતે સમર્થન આપતી હતી, વડાપ્રધાનની લોકપ્રિયતાનો આંક ઊંચો હોવાનો અહેવાલ તેણે આપ્યો હતો. 1977ની સામાન્ય ચૂંટણીમાં સ્વાભાવિક રીતે વિજયની અપેક્ષા હતી, પરંતુ ઇન્દિરા ગાંધીને શરમજનક પરાજય વહોરવો પડેલો. એવી જ રીતે 1984માં અમૃતસર ખાતેના સુવર્ણમંદિરમાંથી ભીંડરાનવાલેને તથા શીખ આતંકવાદીઓને હઠાવવા ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ હાથ ધરાયું. રૉનો અંદાજ 5 કલાકમાં આ કામગીરી પૂરી કરવાનો હતો, જેને ખરેખર 5 દિવસ લાગ્યા હતા અને આ પગલાની અતિ ભારે કિંમત સ્વયં ઇન્દિરા ગાંધીના જીવનનો અંત લાવીને ચૂકવવી પડી. વિધિની વક્રતા એ હતી કે ગાંધી-કુટુંબનાં આ બંને મોભીઓને રૉ આવશ્યક સલામતી પૂરી પાડવામાં ઊણું ઊતર્યું હતું.
આમ રૉની કામગીરી એકંદરે વિવિધ દિશાઓમાં ફેલાયેલી છે અને તે પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર શાસનના સંચાલનમાં સહાયરૂપ બનવા સક્રિય છે.
રક્ષા મ. વ્યાસ