રિષ્ટસમુચ્ચય : જૈન જ્યોતિષ વિશેનો ગ્રંથ. ‘રિટ્ઠસમુચ્ચય’ (સંસ્કૃતમાં ‘રિષ્ટસમુચ્ચય’) પ્રાકૃતમાં રચાયેલો નિમિત્તશાસ્ત્રનો ગ્રંથ છે. તેના રચનાર આચાર્ય દુર્ગદેવ દિગમ્બર જૈન વિદ્વાન હતા. તેમના ગુરુનું નામ સંજયદેવ. આચાર્ય દુર્ગદેવે બીજો એક ગ્રંથ સંસ્કૃતમાં પણ રચ્યો છે :  ‘ષષ્ટિસંવત્સરફલ’. તેમાં વિવિધ સંવત્સરોના ફળની વિગતો આપેલી છે. આ સંસ્કૃત ગ્રંથની એક નાનકડી હસ્તપ્રત અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં સચવાયેલી છે, જેમાં છ પાન છે.

‘રિષ્ટસમુચ્ચય’ના અંતે જણાવ્યા અનુસાર વિ. સં. 1089(ઈ. સ. 1033)માં કુંભનગર(કુંભેરગઢ, ભરતપુર)માં લક્ષ્મીનિવાસ રાજાના શાસનકાળે તેની રચના થયેલી. તેમાં 261 ગાથાઓ છે, જે મુખ્યત્વે શૌરસેની પ્રાકૃતમાં લખાઈ છે.

આ ગ્રંથ મુંબઈના ભારતીય વિદ્યા ભવનની સિંઘી જૈન ગ્રંથમાળામાં ઈ. સ. 1945માં પ્રકટ થયો છે. તેને ડૉ. એ. એસ. ગોપાણી જેવા પ્રાકૃતના સંશોધકે સંપાદિત કર્યો છે.

પ્રાચીન આચાર્યપરંપરાથી ચાલ્યા આવેલ ‘મરણકરંડિયા’ના આધારે ‘રિષ્ટસમુચ્ચય’ રચાયો છે. રિષ્ટ એટલે મરણસૂચક અનિષ્ટ ચિહનો. એના વિશે અને એના પ્રકારો વિશે તેમાં ચર્ચા કરેલી છે. રિષ્ટો ત્રણ પ્રકારનાં ગણાવ્યાં છે : પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ.

(1) પિંડસ્થ રિષ્ટો : જેમાં આંગળીઓ તૂટતી લાગે, આંખો સ્તબ્ધ થઈ જાય, શરીર વિવર્ણ થઈ જાય અને આંખોમાંથી સતત પાણી વહ્યા કરે એવી ક્રિયાઓ.

(2) પદસ્થ રિષ્ટો : જેમાં સૂર્ય અને ચંદ્ર વિવિધ રૂપમાં દેખાય, દીવાની જ્યોત પણ અનેક સ્વરૂપે દેખાય તથા દિવસનો રાત જેવો આભાસ થાય અને રાત દિવસ જેવી ભાસે એવી ક્રિયાઓ.

(3) રૂપસ્થ રિષ્ટો : જેમાં પોતાનો પડછાયો દેખાય નહિ એવી ક્રિયા.

આ ત્રણ પ્રકારોની ચર્ચા પછી સ્વપ્નોની વિગતો આપી છે. સ્વપ્નોના બે પ્રકાર ગણ્યા છે : (1) દેવેન્દ્રકથિત અને (2) સહજ.

પ્રશ્નારિષ્ટના પણ આઠ પ્રકાર દર્શાવ્યા છે : (1) અંગુલિ પ્રશ્ન, (2) અલક્તક પ્રશ્ન, (3) ગોરોચન પ્રશ્ન, (4) પ્રશ્નાક્ષર પ્રશ્ન, (5) શકુન પ્રશ્ન, (6) અક્ષર પ્રશ્ન, (7) હોરા પ્રશ્ન અને (8) જ્ઞાન પ્રશ્ન. આ આઠેયનું વિસ્તૃત વર્ણન કરેલું છે.

‘મરણકંડી’નું પ્રમાણ આપીને લેખક આ ગ્રંથમાં કહે છે, ‘જે પોતાના શરીરનો અવાજ નથી સાંભળતો અને જેને દીવાની ગંધ પણ નથી આવતી તે સાત દિવસ જીવે છે એવું ‘મરણકંડી’માં કહ્યું છે.’

પ્રશ્નારિષ્ટને સમજાવતાં કહે છે કે મંત્ર ભણ્યા પછી જ પ્રશ્ન પૂછનાર પાસે પ્રશ્ન પુછાવવો જોઈએ. પ્રશ્ન પુછાયા પછી તે પ્રશ્નના અક્ષરોની કુલ સંખ્યાને ‘2’ વડે ગુણવી અને તેની માત્રાઓની સંખ્યાને ‘4’ વડે ગુણવી. આ બેઉ ગુણાકારના સરવાળાને ‘7’ વડે ભાગતાં જો કોઈ પણ શેષ વધે, શેષ શૂન્ય ન આવે, તો રોગી સાજો થઈ જશે એમ પૂછનારને કહી શકાય.

જયન્ત પ્રે. ઠાકર