રિવૉલ્વિંગ સ્ટેજ : નાટ્ય-ભજવણીનાં દૃશ્યો બદલવા કે તેમાં ફેરફાર કરવા માટે રંગભૂમિની પ્રયુક્તિ. તેમાં મધ્યસ્થ મજબૂત આધાર-કીલક(pivot)ના ટેકે ગોઠવાયેલ ફરતા ટેબલ પર ત્રણ કે ત્રણથી વધુ દૃશ્યો તૈયાર કરવામાં આવે છે. પ્રેક્ષકો સમક્ષ યથાપ્રસંગ તે ફેરવવાથી દૃશ્ય-પલટો સહજ, સુગમ અને ઝડપી બની શકે છે. તેની શોધ સત્તરમી સદીમાં જાપાનમાં ત્યાંના નોહ થિયેટર માટે થઈ હતી. પછી તેનો પશ્ચિમી રંગભૂમિ પર પ્રવેશ થયો 1896માં મ્યૂનિકના રેસિડેન્ઝ થિયેટરથી.
આ પ્રકારના ફરતા રંગમંચનો પછી વ્યાપક ઉપયોગ થયો અને તેની ખ્યાતિ વધી. ખાસ કરીને જર્મનીમાં રંગભૂમિ માટે રંગભૂમિની આ યાંત્રિક પ્રયુક્તિ ખૂબ સગવડભરી અને લોકપ્રિય બની રહી. 1930ના દાયકામાં હૉલિવુડનાં બસ્બી બર્કલી નિર્મિત મ્યૂઝિકલ ચલચિત્રોમાં તેનો સર્વાધિક ઉપયોગ થયો હતો.
મહેશ ચોકસી