રિયો નિગ્રો : દક્ષિણ-મધ્ય આર્જેન્ટીનાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 37° 30´ થી 42° 00´ દ. અ. અને 63° 30´થી 72° 00 પ. રે. વચ્ચેનો 2,03,013 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પેટાગોનિયામાં ન્યૂક્વેનની સરહદની અંદર આવેલો છે, અને પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગરથી પશ્ચિમ તરફ ઍન્ડીઝ સુધી વિસ્તરેલો છે.

રિયો નિગ્રો નદી તેમાં થઈને વાયવ્ય-અગ્નિ દિશામાં પસાર થાય છે. રિયો નિગ્રો નદીથી દક્ષિણ તરફની ભૂમિ સૂકા ઉચ્ચપ્રદેશથી બનેલી છે. પશ્ચિમે સરોવરોની શ્રેણી અને ઍન્ડીઝની જંગલ-આચ્છાદિત ખીણો આવેલી છે. નેહુલ હુઆપી નૅશનલ પાર્ક પણ અહીં જ આવેલો છે. પૂર્વ તરફ ઍટલૅંટિક કિનારા-રેખા પર એક ઊંડો ખાંચો છે, તે સાન મેતીઆસના અખાત તરીકે ઓળખાય છે. તેના ઉત્તર તરફના વળાંકમાં સાન ઍન્ટોનિયો ઓએસ્તે નામનું એક નાનું બંદર આવેલું છે.

આ પ્રાંતમાં ઉત્તર તરફ કૉલોરાડો નદી અને મધ્યમાં રિયો નિગ્રો નદી વહે છે જે ઍટલૅંટિક મહાસાગરમાં ઠલવાય છે. આ વિસ્તારનું ઉનાળા(જાન્યુઆરી)નું અને શિયાળા(જુલાઈ)નું તાપમાન અનુક્રમે આશરે 23° સે. અને 9° સે. જેટલું રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ 950 મિમી. જેટલો પડે છે.

કેળાં અને અન્ય ફળોની નિકાસ માટે રિયો નિગ્રો બંદરે લાંગરેલી નૌકાઓ

1782માં આ વિસ્તારમાં અભિયંતા બેસિલિયો વેલેરિનો દ્વારા વસાહત સ્થપાયેલી. આ વિસ્તારને 1884માં રાષ્ટ્રમાં ભેળવવામાં આવ્યો. 1955માં તેને પ્રાંતીય દરજ્જો પણ મળ્યો છે.

ન્યૂક્વેન નજીક રિયો નિગ્રો નદી પર બંધ બાંધવામાં આવેલો છે. પ્રાંતની ઉત્તર સરહદ રચતી કૉલોરાડો નદી અને નિગ્રો નદી વચ્ચેના વિશાળ વિસ્તારમાં આ બંધના જળાશયમાંથી સિંચાઈ માટેનાં જળ મળી રહે છે. અહીં આલ્ફા-આલ્ફા(રજકાના પ્રકારનો ઘાસચારો)નું વાવેતર થાય છે, નિકાસ માટે જામફળ અને સફરજનનું ઉત્પાદન લેવાય છે. અહીં ઘેટાંનો ઉછેર પણ થાય છે. અહીંના પહાડી પ્રદેશમાં ખાણકાર્ય કરવામાં આવે છે. 1970ના દશકામાં આ પ્રાંતમાં ઔદ્યોગિક સંકુલ ઊભું કરવામાં આવ્યું છે.

પ્રાંતીય પાટનગર વિયેદમા રિયો નિગ્રો નદીના મુખ પર આવેલું છે. સાન ઍન્ટોનિયો ઓએસ્તેથી સાન કાર્લોસ દ બારિલોશ વચ્ચે અવરજવર કરતી રેલવે પરનું તે (રેલ)મથક છે. અહીંના નેહુલ હુઆપી સરોવરને કાંઠે એક વિહારધામની સગવડ પણ ઊભી કરવામાં આવેલી છે. પ્રાંતની વસ્તી 1999 મુજબ 6,00,290 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા